એક દિવસ ગુરુજીએ કહ્યું, ‘આજે હું તમને ચાર જણની ટોળી બનાવી આશ્રમના કામ સોંપવાનો છું….’ગુરુજીની વાત સાંભળતા જ બધા શિષ્યો પોતાના સાથી મિત્રો સાથે ફટાફટ ચાર જણની ટોળી બનાવીને ઉભા રહી ગયા.ગુરુજીએ બધાને કામ સોંપી દીધા.બધા કામ કરવા લાગ્યા.બીજે દિવસે ગુરુજીએ ત્રણ જણની ત્રિપુટીમાં કામ સોંપ્યાં….પછી બે જણની જોડીમાં કામ કરવા કહ્યું.
હવે આજે બધા સમજી ગયા હતા કે આજે ગુરુજી એકલા કામ કરવાનું કહેશે અને એકલા કામ કરવાના વિચારથી બધા જ થોડા ડરેલા અને ચિંતામાં હતા…કોઈ એકબીજા સાથે વાત કરતું ન હતું…બધા પોતાને કયું કામ મળશે અને તે કામ પોતે બરાબર કરી શકશે કે નહિ તેની ચિંતા હતી. ગુરુજી આવ્યા અને બધાના મોઢા પરનો દર પામી ગયા અને બોલ્યા, ‘કેમ આજે કોઈ અવાજ ,વાતો કે ઉત્સાહ નથી.
શું આજે કામ કરવાની ઈચ્છા નથી.કે પછી તમે સમજી ગયા છો કે આજે બધાને એક એક કામ મળશે અને તે કોઈની પણ મદદ વિના કરવું પડશે અને એકલા કામ કરવાનો બધાને દર લાગી રહ્યો છે ખરુંને ?’’બધા શિષ્યોએ ધીમેથી હા પાડી. ગુરુજી બોલ્યા, ‘અહીં આશ્રમમાં મારી પાસે તમે શીખવા આવ્યા છો અને મારે તમને જીવનમાં દરેક પરિસ્થિતિમાં આગળ કેમ વધવું તે શીખવવાનું છે.આશ્રમમાં સાથે રહેવું …એકબીજા સાથે કામ કરવું …એક ટોળી કે જોડીમાં કામ કરતા શીખવું પણ જરૂરી છે.સાથે મળીને કામ કરવું ગમે છે અને સહેલું લાગે છે એકબીજાનો સાથ હિંમત આપે છે.
પણ એકલા કામ કરતા શીખવું અને એકલા જીવનમાં આગળ વધવું અઘરું છે અને તે પણ તમારે ખાસ શીખવું જ પડશે.જીવનમાં એકલા આગળ વધવું જ પડે છે અને જે એકલા આગળ વધતા…કોઈના સાથ વિના આગળ ચાલતા ડરતો નથી તે જ સફળતાના શિખર પર પહોંચી શકે છે…જીવનનું સત્ય છે કે જો તમારે કોઈ શિખર સર કરવું હોય ત્યારે તે શિખર પર એક જ સર કરનાર ઉભો રહી શકે છે ….રાજાના સિંહાસન પર એક જ જન બિરાજમાન થઈ શકે છે…જીવનમાં સફળતાના શિખરે માણસે એકલા જ બધું છોડીને મહેનત કરીને પહોંચવાનું હોય છે.અને જીવનના અંત સમયે પણ માણસે જીવનમાં બધાનો સાથ છોડી સ્મશાનમાં એકલા જ ચિતા પર ચઢવાનું હોય છે.માટે અત્યારથી તૈયાર થઈ જાવ અને સમજી લો કે એકલા કામ કરવું ..એકલા આગળ ચાલવું …એકલા આગળ વધતા રહેવામાં ડરવું નહિ.’ગુરુજીએ જીવનનું સત્ય સમજાવી શિષ્યોને હિંમત આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.