Video: વાંસદાનો જુજ ડેમ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો, 25 ગામોને એલર્ટ કરાયા – Gujaratmitra Daily Newspaper

Dakshin Gujarat

Video: વાંસદાનો જુજ ડેમ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો, 25 ગામોને એલર્ટ કરાયા

નવસારી : રાજ્ય સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદ વરસી રહ્યો છે. મંગળવારે પણ વાંસદા-ગણદેવીમાં 2.3 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે આ વર્ષે વરસાદની સિઝનમાં પ્રથમવાર વાંસદાનો (Vansda) જુજ ડેમ ઓવરફ્લો (Juj Dam Overflow) થયો છે. જેના કારણે તંત્ર દ્વારા 25 ગામોના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા, સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

કાવેરી નદી પર આવેલા જુજ ડેમના ઉપરવાસમાં પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થયો છે. જુજ ડેમની કુલ સપાટી 167.50 મીટર છે. તે હાલમાં તેની સપાટીથી ઉપર 167.55 મીટરે ઓવરફ્લો થઈ રહ્યો છે. હાલમાં જુજ ડેમમાં પાણીની આવક 84,650 ક્યુસેક છે. જુજ ડેમ આસપાસના 25થી વધુ ગામોને સિંચાઈ માટેનું અને પીવા માટેનું પાણી પુરું પાડે છે. ડેમ ઓવરફ્લો થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનો જુજ ડેમ ઓવરફ્લો થતાં વાંસદાના જુજ, ખડકીયા, નવાનગર, વાંસિયાતળાવ, વાંસદા, રાણીફળિયા, નાની વાલઝર, મોટી વાલઝર, સિંગાડ, રૂપવેલ, ચાપલધરા, રાજપુર, પ્રતાપનગર એમ કુલ 13 ગામોના લોકોને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં અને નદીના વિસ્તારમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ લોકોને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

જ્યારે ચીખલી તાલુકાના દોણજા, હરણગામ, ચીખલી, ખુંધ, ઘેકટી, વંકાલ (વ.ફળિયા) એમ કુલ 6 ગામોને એલર્ટ કરાયા છે. તો બીજી બાજુ ગણદેવી તાલુકાના પણ ઉંડાચ, લુહાર ફળિય, ગોંયદી, ખાપરવાડા અને દેસરા એમ 6 ગામ મળી કુલ 25 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

નવસારી જિલ્લામાં 24 કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો
નવસારી જિલ્લામાં ગત શનિવારે ધોધમાર વરસાદ પડ્યા બાદ વરસાદનું જોર ઓછું થયું હતું. જેથી છેલ્લા થોડા દિવસોથી જિલ્લામાં માત્ર વરસાદી ઝાપટાઓ પડી રહ્યા હતા. જોકે, સોમવારથી જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો હતો. કેટલાક તાલુકામાં સામાન્ય વરસાદ રહ્યો હતો.

સોમવારે સાંજે 8 વાગ્યેથી મંગળવારે સાંજે 8 વાગ્યા સુધી જિલ્લામાં, ખેરગામ તાલુકામાં 93 મી.મી. (3.8 ઇંચ), વાંસદા તાલુકામાં 71 મી.મી. (2.9 ઇંચ), ગણદેવી તાલુકામાં 56 મી.મી. (2.3 ઇંચ), જલાલપોર તાલુકામાં 30 મી.મી. (1.2 ઇંચ), નવસારી તાલુકામાં 29 મી.મી. (1.2 ઇંચ) અને ચીખલી તાલુકામાં 27 મી.મી. (1.1 ઇંચ) વરસાદ રહ્યો હતો. જ્યારે ગત 24 કલાકમાં નવસારી જિલ્લામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

Most Popular

To Top