SURAT

ટામેટાં પછી સુરતમાં લસણની ચોરી, વાડામાંથી લસણની 30 ગુણો રિક્ષામાં ભરાવી ચોર ટોળકી છૂ

સુરત : ભાવમાં સતત થઈ રહેલાં વધારાના પગલે હવે શાકભાજીની ચોરી પણ થવા લાગી છે. સુરતમાં થોડા સમય પહેલાં ટામેટાની ચોરી થઈ હતી અને હવે સુરતમાં લસણની ચોરીનો બનાવ સામે આવ્યો છે. ટામેટાં, આદુ અને હવે લસણ. લસણના ભાવ હવે પેટ્રોલ કરતા બમણા થઈ જતાં હવે લસણની ચોરીની શરૂઆત થઈ છે. લિંબાયતમાં 30 જેટલી લસણની ગુણ ચોરી જતાં તસ્કરો સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાયા હોવાની વિગત જાણવા મળી છે.

  • ભાવ 200 રૂપિયા કિલો જતા તસ્કરો માટે હવે લસણ ફેવરિટ બન્યું
  • કુલ 836 કિલો લસણની ચોરી કે જેની કિંમત 1.37 લાખ થાય છે, ઘટના સીસીટીવીમાં કેદ

હાલમાં લસણનો ભાવ 200 રૂપિયા કિલો જતા હવે તસ્કરો માટે ટામેટાં પછી લસણ પણ ફેવરીટ બની ગયું છે.
હાલમાં ચોમાસા ટાંકણે ટામેટા, આદુ, રિંગણા-બટાકાના ભાવ આસમાને છે તેમાં હવે લસણનો પણ સમાવેશ થાય છે, ત્યારે લિંબાયતમાં રહેતા રવિ પવારે 31 ગુણી એટલે કે 836 કિલો લસણ મંગાવ્યું હતું તેમાંથી 30 ગુણીની ચોરી કરીને તસ્કરો રિક્ષામાં છૂ થઇ ગયા હતા.

રવિ પવારે જણાવ્યું હતું કે તે સવારે પાંચ વાગ્યે ઉઠયો ત્યારે લસણ તેના વાડામાંથી ગાયબ થઇ ગયું હતું. બજાર ભાવ પ્રમાણે આ લસણનો ભાવ 1.37 લાખ થાય છે. લિંબાયત પોલીસે હવે લસણ ચોરોને શોધવા માટે સીસીટીવી કેમેરાથી શોધખોળ શરૂ કરી છે.

પોલીસે હવે શાકભાજી ચોરનારા પાછળ દોડવાનો વારો આવ્યો છે
ઉલ્લેખનીય છે કે અગાઉ વરાછા સૌરાષ્ટ્ર ટાઉનશીપમાં શાકભાજીના વેપારીની દુકાનની બહારથી 50 કિલો બટાકાની ચોરીની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. કાપોદ્રા વિસ્તારમાં પણ ટામેટાની ચોરીની ફરિયાદ દાખલ થઈ હતી. હવે પોલીસ લસણ પાછળ લાગી છે. મોંઘવારી અને ખાસ તો રોજિંદા શાકભાજીના ભાવો પર અંકુશ નહીં આવતા પોલીસે શાકભાજીના ચોરો પાછળ દોડવાના દિવસો આવી ગયા છે.

Most Popular

To Top