સુરત: મુંબઇનાં બીકેસી સ્થિત ભારત ડાયમંડ બુર્સ (BDB)ના ચેરમેને સુરત ડાયમંડ બુર્સનાં કમીટી મેમ્બર,પદાધિકારી અને ડિરેક્ટર્સને પત્ર લખી ઉચ્ચારવામાં આવેલી ગર્ભિત ચેતવણી અને ફૂટ કરાવતી બાબતોને લઈ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણી (પટેલ)એ BDB નાં ચેરમેનને પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે.
લાખાણીએ લખેલા વિસ્ફોટક પત્રમાં જણાવ્યું છે કે, ‘આપ દ્વારા તા. ૦૬-૦૭-૨૦૨૩ ના રોજ લખાયેલો પત્ર મળ્યો. આપના પત્રમાં લખેલ કેટલીક બાબતો એવી છે જે તદ્દન ગેરવ્યાજબી તેમજ પાયા વિહોણી છે. BDB જેવી જવાબદાર સંસ્થાએ પોતાની જવાબદારીને ધ્યાનમાં રાખ્યા વગર લખવામાં આવેલા મુદ્દા તેમજ તેના પાછળના હેતુ સાથે અમે સંપૂર્ણ પણે અસહમત છીએ. માટે, અમો આ પત્ર ધ્વારા આપને સ્પષ્ટ રીતે આપની ગેરસમજ સુધારવા માંગીએ છીએ. આપણી ઇન્ડસ્ટ્રીની એકતાના નામે કોઈ સંસ્થા બીજી સંસ્થાની કાર્ય પદ્ધતિ અને સ્વતંત્રતા પર પ્રશ્ન ઉઠાવે એ કોઈ પણ સંસ્થાને સ્વીકાર્ય હોય નહીં.
આપએ પત્ર SDB ના ચેરમેનને લખવાને બદલે દરેક કમીટી મેમ્બર, પદાધિકારી તેમજ ડિરેક્ટર્સને વ્યક્તિગત લખ્યા છે. જેના પાછળનો મુખ્ય હેતુ કમીટીમાં ફૂટ પાડવા તેમજ કમીટીમાં મતભેદ લાવવાનો છે. SDB માં લેવાતા નિર્ણયો કમીટીના સામુહિક નિર્ણયો હોય છે.
આ બાબતે આપને સ્પષ્ટ જણાવવા માંગીએ છીએ કે BDB જેવી જવાબદાર સંસ્થા દ્વારા આવા ગેરજવાબદાર પત્ર વ્યવહાર નિંદનીય છે.’ આમ હવે સુરત અને ભારત ડાયમંડ બુર્સ વચ્ચે કોલ્ડ વોર શરૂ થઇ ગયો હોવાનું ફલિત થાય છે. વલ્લભ લાખાણીએ વધુમાં જણાવ્યું છે કે, આપને ખાસ ધ્યાન દોરાવવાનું છે કે તા. ૨૭-૫-૨૩ ના રોજ જેવો પત્ર SDB દ્વારા મેમ્બરોને મોકલવામાં આવ્યો છે તેવા પત્ર અગાઉ પણ અનેક વાર અમે SDB મેમ્બરને મોકલવામાં આવ્યા છે.
SDB ના મેમ્બર સાથેના કોઈપણ પત્રમાં ક્યાંય પણ ભારત ડાયમંડ બુર્સનો ક્યારેય ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. SDB દ્વારા કોઈપણ ડાયમંડ ટ્રેડર્સને “ભારત ડાયમંડ બુર્સમાં” તેમના તમામ ઓપરેશન બંધ કરવા માટેનો આગ્રહ પણ SDB ના પત્રમાં અમે ક્યારેય કર્યો નથી. તેમજ આવનાર સમયમાં પણ આવો કોઈ ઉલ્લેખ SDB જેવી જવાબદાર સંસ્થા દ્વારા કરવામાં આવશે નહી. SDB ના મેમ્બર(સભ્યો) સાથે પત્ર વ્યવહાર કરવો એ અમારી ફરજ તેમજ અમારો હક છે જેમાં કોઈ પણ સંસ્થા કે વ્યક્તિને વાંધો હોવો જોઈએ નહિ.
તેમજ, કોઈ પણ બહારની વ્યક્તિ કે સંસ્થાની અમારે ક્યારે અને કેવો પત્ર વ્યવહાર કરવો તેમજ કેવો ટોન વાપરવો એ વિશેની સલાહ કે સંમતિની જરૂર નથી. સુરત ડાયમંડ બુર્સ એ ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય છે, તેમાં ૪૦૦૦ કંપનીઓએ પોતાની મૂડી રોકીને બનાવ્યું છે. તેમજ જો “ભારત ડાયમંડ બુર્સ” ને આનાથી સંતોષ ના થતો હોય તો આપ SDBના ૪૦૦૦ મેમ્બરને પત્ર લખી શકો છે.
સુરત ડાયમંડ બુર્સ એ કોઈ વ્યાપારના હેતુથી બનેલી કે ચાલતી સંસ્થા નથી તેમજ SDB ના મેમ્બર અમારા માટે કોઈ ગ્રાહક નથી, કે જેને ધ્યાનમાં રાખીને એડવર્ટાઇસમેન્ટ કે ફ્રી-બ્રી જેવી સ્કીમની જરૂર પડે. આપના મતે SDB ના મેમ્બર એક ગ્રાહક છે. પરંતુ, અમારા માટે SDB ના દરેક મેમ્બર SDB નોજ એક ભાગ છે. માટે, આપના ધ્વારા ઉપયોગમાં લેવાયેલા આ પ્રકારના શબ્દો કોઈપણ દ્રષ્ટિકોણથી યોગ્ય નથી.
SDB આંતરરાષ્ટ્રીય ટ્રેડીંગ હબ તરીકે ઝડપથી ધમધમતું થશે એ ઇન્ડસ્ટ્રી માટે ખુબ લાભદાયક છે, અને SDB વતી અમે આપને ખાત્રી આપીએ છીએ કે SDB ના મેમ્બર્સ અને ઇન્ડસ્ટ્રીના હીત માટે અમે જવાબદારી પૂર્વકના અમારા પ્રયાસોમાં કોઈપણ કચાસ ક્યારેય પણ છોડીશું નહી. આપના આ બાબતે કોઈ સકારાત્મક સુચન હોય તો જરૂરથી જણાવશો. પરંતુ આપને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ પ્રકારના પત્રવ્યવહાર કરી SDB ના વિકાસમાં અવરોધ ઉત્પન કરવાનું પાપ તમે ના કરો તો વધારે સારું.