વડોદરા: શહેરમાં પાઇપલાઇન દ્વારા રાંધણ ગેસ પૂરું પાડતી વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જુના મીટર બદલ્યા ન હોય તેવા ગ્રાહકો પાસેથી દંડ પેટે રકમ વસૂલવામાં આવે છે. માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત સામાજિક કાર્યકર પંકજ દર્વે દ્વારા કરાયેલ આરટીઆઇના અરજી ના જવાબમાં વડોદરા ગેસ લિમિટેડ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ વડોદરા શહેરના જુના શહેર વિસ્તારમાં જે ગેસ કનેક્શન આપવામાં આવેલ છે તેમાંથી 2,470 ગેસ જોડાણો એવા છે કે જેના પર કોઈપણ પ્રકારના મીટર લગાડવામાં આવેલ નથી.
જેમાં રહેણાંક અને બિન રહેણાંક ગેસ કનેક્શનનો પણ સમાવેશ થાય છે બીજી બાજુ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જો કોઈ ગ્રાહક દ્વારા જૂના મીટર બદલેલ ન હોય તો તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે. અને બીજી તરફ જે કનેક્શન ઉપર મીટરો નથી લગાવેલા તેમના વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી. વળી નવા જોડાણો માટે આવેલ અરજીઓ પૈકીની 17,253 અરજીઓનો હાલમાં નિકાલ કરવાનો બાકી છે જેમની ડિપોઝિટ પહેલાથી ભરી દેવામાં આવેલ છે તેમને કનેક્શન આપવામાં વડોદરા ગેસ લિમિટેડ ઠાગાઠૈયા કરે છે.
વળી વડોદરા ગેસ લિમિટેડ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં રહેણાંક ગેસ બિલ માં યુનિટ દીઠ 21 રૂપિયા 89 પૈસાનો વધારો કરવામાં આવેલ છે. વડોદરા ગેસ લિમિટેડ માં જે કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે તે કર્મચારીઓના ભરતી કરવા માટેના પણ કોઈ પણ ધારા ધોરણ નક્કી કરવામાં આવેલ નથી. માહિતી અધિકાર અંતર્ગત આપવામાં આવેલ માહિતી ચોકાવનારી છે અને વડોદરા ગેસ લિમિટેડ માં ચાલતો ઘેર વહીવટ અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવતી હોય તે બાબત સ્પષ્ટ થાય છે. વડોદરા શહેરના નાગરિકો પાસેથી ઉઘરાવતા દંડ પેટે ના નાણા અને અમર્યાદિત ભાવ વધારવો એ વડોદરા ની જનતાને એક પ્રકારનો અન્યાય છે વડોદરા મહાનગરપાલિકામાં બેસેલા સત્તાધીશો આ બાબતે ધ્યાન આપવું જોઈએ અને આ દેખીતી રીતે ચાલતો ઘેર વહીવટ હોવો જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પણ વડોદરા ગેસ કંપની દ્વારા શહેરના તમામ ઝોનમાંથી નવા ગેસ કનેક્શનો પેટે ઉઘરાવેલ ડિપોઝીટ બાદ પણ ગેસના જોડાણો આજદિન સુધી આપ્યા ન હોવાના મામલે વિધાનસભામાં પણ રજૂઆત કરી હતી પરંતુ તેનું કોઇ નિવારણ આજદિન સુધી આવ્યું નથી ત્યારે આ મુદ્દે સામાજિક કાર્યકર પંકજભાઇ એ જણાવ્યું હતું કે,જો ધારાસભ્ય ની રજૂઆત પણ વડોદરા ગેસ લિમિટેડ ઘોળીને પી ગયું છે ત્યારે કોઇ મોટું પીઠબળ આ સમગ્ર મામલે પડદા પાછળ હોય તેવું જણાય છે તેવા આક્ષેપો કર્યા હતા.