અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના ઈસ્કોન બ્રિજ (IsconBridge) પર ફૂલસ્પીડમાં કાર દોડાવી 9 નિર્દોષ લોકોને કચડી મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને (TathyaPatel) આજે કોર્ટમાં હાજર કરાયો હતો. અતિચકચારી આ કેસના આરોપી તથ્ય પટેલના કેસ શરૂ થાય તે પહેલાં જ કોર્ટ પરિસરમાં ભીડ ભેગી થઈ ગઈ હતી. પોલીસ જાપ્તામાં તથ્યને કોર્ટ રૂમમાં કઠેડામાં બેસાડાયો હતો. પોલીસે વધુ રિમાન્ડની માંગણી કરતા તથ્યને કોર્ટે જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો. હવે તથ્ય તેના પિતા સાથે સાબરમતી જેલમાં જશે. દરમિયાન આ કેસમાં કારની સ્પીડ અંગેનો FSLનો રિપોર્ટ સામે આવ્યો છે.
એફએસએલના રિપોર્ટ મુજબ અકસ્માત થયો ત્યારે તથ્ય 142.5 પ્રતિ કલાકની ઝડપે જેગુઆર કાર ચલાવી રહ્યો હતો. આ ખૂબ જ મહત્ત્વની વાત છે. કારણ કે કારની સ્પીડ અંગે અલગ અલગ અહેવાલો આવી રહ્યાં હતાં. એક વીડિયોમાં તથ્ય પોતે 120થી વધુ સ્પીડ હોવાનું બોલતા સંભળાતો હતો. હવે એફએસએલના રિપોર્ટથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે તથ્યની કારની સ્પીડ 142.5 પ્રતિ કલાક હતી.
તથ્ય પટેલના હાથ કોર્ટમાં ધ્રુજ્યા
ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પુરા થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ આરોપી તથ્ય પટેલને કોર્ટમાં લઈ ગઈ હતી. અહીં બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ કર્મચારીઓ ને પહેલાંથી જ તૈનાત કરાયા હતા. વધુ ભીડ હોવાના લીધે પોલીસ સાવચેતી રાખી રહી હતી. દરમિયાન તથ્ય પટેલને વકીલાત નામા પર સહી કરવાનું કહેવામાં આવ્યું ત્યારે સહી કરતી વેળા તેના હાથ ધ્રુજી ગયા હતા. આરોપી તેના વકીલ નિસાર વૈદ્ય સાથે વાત કરી હતી. સુનાવણી દરમિયાન તે મોંઢું નીચે નાંખી કઠેડામાં ઉભો રહ્યો હતો. પોણો કલાક દલીલો ચાલી હતી. પોલીસે વધુ રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો.
અકસ્માત વખતે શું થયું?
આશરે રાત્રિના 12.35 કલાકે શેલા તરફના રસ્તેથી ઇસ્કોન બ્રિજ પર આવેલી થાર ગાડી ગાંધીનગર તરફ જતી હતી, કર્ણાવતી ક્લબ પાસે પહોંચી ત્યારે થાર ડમ્પર સાથે ટકરાઈ હતી. અકસ્માતમાં લોકોને નાની મોટી ઈજા થઈ હતી. અકસ્માત બાદ 25 લોકોનું ટોળું ભેગું થયું હતું, ત્યારે કર્ણાવતી ક્લબ તરફથી તથ્ય અને તેના મિત્રો જેગુઆર કાર લઈને ફુલસ્પીડમાં ધસમસતા આવ્યા હતા. થારની આસપાસ ઉભેલા લોકોને ફંગોળીને જેગુઆર આગળ નીકળી ગઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા.