Charchapatra

ભારતની બહુમતી પ્રજા માંસાહારી છે

આજના 18 જુલાઇ 23ના અંકમાં અધિક શરૂ થતાં જ ચિકનનો ભાવ 250થી ગગડીને 140 થઇ ગયો’ના શીર્ષકથી જે અહેવાલ છપાયો તેના સંદર્ભમાં આ લખવા પ્રેરાયો છું. મારા મર્હૂમ વાલિદે (પિતાએ) 10 વર્ષની ઉંમરથી જ મને બજાર લાવવાની જવાબદારી સોંપી દીધી હતી. પાછલા 40 વર્ષથી હું નિયમિત ઘરનો સોદો લાવવાની કામગીરી બજાવી રહ્યો છું. મારો દરરોજનો એક અનુભવ બતાવું? પુનરાવર્તન દોષ વહોરીને પણ કહું છું કે આ મારો દરરોજનો અનુભવ છે. હું જયારે પણ મટન, મોટાનું હોય કે નાનાનું હોય, ચિકન તથા માછલી લેવા ગયો છું ત્યારે મારા ખભેથી ખભા મિલાવી મારા હિંદુ ભાઇ બહેન પણ મારી સાથે તે જ મટન ચિકન માછલીની ખરીદી કરી રહ્યા હોય છે. મારા આ અનુભવમાં ભાગ્યે જ કયારેક અપવાદ દેખાયો છે.

કહેવાનો મારો આશય એ છે કે આ પણ એક અપપ્રચાર છે કે મુસ્લિમો જ માંસાહાર કરે છે અને માનસ, મરઘી તથા માછલીનો ધંધો મુસ્લિમોના આધાર પર ચાલે છે. વાસ્તવિકતા એ છે કે માંસ, મચ્છી તથા મરઘીનો આખો ધંધો બિનમુસ્લિમોના આધાર પર ચાલે છે. તેમાં પણ બહુધા હિંદુઓના આધાર પર. તેઓ જે મહિના કે દિવસમાં માંસાહાર નથી કરતા તે મહિના કે દિવસમાં ધંધો ઠંડો રહે છે અને જે દિવસોમાં તેઓ ખાય છે તે દિવસોમાં માર્કેટ ફુલ હોય છે. વાસ્તવમાં બ્રાહ્મણો તથા વૈશ્યોની નાની લઘુમતી સિવાય ભારતની બહુમતી પ્રજા માંસાહારી છે. મુસ્લિમો તો ચિત્રમાં જ નથી. એટલે જયારે યેનકેન પ્રકારેણ મટનની માર્કેટો બંધ કરાવવામાં આવે છે ત્યારે સૌથી વધારે તકલીફ હિંદુ માંસાહારીઓને થાય છે. મુસ્લિમોને નહીં.
સુરત     – અરાર અહમદ રફઅત-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

નવી કોર્ટની જગ્યાનો વિવાદ
સુરત શહેર જિલ્લાના વિકસિત વિસ્તાર જોતા જિલ્લા કોર્ટની હાલની જગ્યા કેસો ચલાવવા માટે તથા વાહનોના પાર્કિંગ માટે ખુબ નાની પડે છે તે અંગે સરકાર અને વકિલ મંડળ બંને સહમત છે. સરકારે નવી જગ્યા જીયાવ બુડિયામાં વકિલોને વિશ્વાસમાં લીધા વગર અને સુરત શહેર અને જિલ્લાની પ્રજાનો કોઇ પણ દ્રષ્ટીએ વિચાર કર્યા વગર તેની હંમેશની નીતિ કે પ્રજાને હેરાન પરેશાન કરવી, એજ ચાલુ રાખી છે.

વળી આ પ્રશ્ન ફકત વકિલોનો જ નથી સુરત શહેર અને જિલ્લાને પ્રજાને પણ સીધી રીતે સ્પર્શતો પ્રશ્ન છે માટે પ્રજાસે અને જાહેર સંસ્થાઓએ પણ રજુઆત કરવી જોઇએ. સરકારે વિચાર કરવાની તાતી જરૂરિયાત છે કે શહેર અને જિલ્લામાંથી આવતા પક્ષકારોને કેટલી ભયંકર હાલાકી વેઠવી પડશે. હાલની જગ્યાની આસપાસની કોઇક જગ્યાએ જો કોર્ટનું સ્થળાંતર કરવામાં આવે તો પ્રજા ત્રાસમાંથી અને વાહનોના વધુ ખર્ચમાંથી રાહત મેળવી શકે. કલેકટર વિદિત છે કે એમનો નિર્ણય અને સરકારને તેમણે કરેલી ભલામણ કોઇના હિતમાં નથી. આથી આ વિવાદ ટાળવા નિર્ણયની ફેરવિચારણા થાય એ સમયનો તકાદો છે.
સુરત              – રાજેન્દ્ર કર્ણિક -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top