Editorial

મણીપુરની ઘટના સમગ્ર માનવજાતિ માટે શરમજનક કહી શકાય તેવી છે

સળગી રહ્યો છે, તેનો સેંકડો વર્ષ જૂનો આંતરિક સદભાવનાનો પાયો. અલગ-અલગ સમુદાયો વચ્ચેનો સુખેથી સાથે રહેવાનો તાંતણો પણ સળગી રહ્યો છે.  મૈતેઈ, કુકી અને નાગા સમાજના લોકોનું જૂના ઝઘડા ભૂલીને સાથે રહેવાનું સપનું રાખ થઇ રહ્યું છે. એકબીજા પરનો વિશ્વાસ ઓછો થયો છે અને નિરાશા અપાર છે. ત્યારે સત્ય એ છે કે ભારતના પૂર્વોત્તરમાં સ્થિત રાજ્ય મણિપુરમાં જાતિદ્વેષ હિંસા ફાટી નીકળ્યાને દોઢ મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલી આ હિંસામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 390 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પરંતુ હિંસા અટકી રહી નથી અને સ્થાનિક લોકોની ધીરજ ખૂટી રહી છે.

મણિપુરનો મૈતેઈ સમુદાય પોતાને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાની માગ કરી રહ્યો છે અને આ જ માગણી આગળ જઈને સમગ્ર વિવાદનું કારણ બની હતી. 3મે થી 6મે સુધી પ્રદેશમાં ચારેકોર હિંસા થઈ, જેમાં મૈતેઈ લોકોએ કુકી પર અને કુકી લોકોએ મૈતેઈનાં સ્થળોને નિશાન બનાવ્યા હતા. રાજધાની ઇમ્ફાલથી બે કલાકના અંતરે આવેલા કુકી વસતી ધરાવતા ચુરાચાંદપુર જિલ્લામાં જ્યારે બંને જૂથો વચ્ચે હુમલા ચાલુ હતા, ત્યારે 23 વર્ષીય ઍલેક્સ જમકોથાંગ પણ આ ભીડનો ભાગ હતા.અચાનક ઉપરની ઇમારત પરથી આવેલી ગોળી તેમની છાતીમાં વાગી હતી. તેમને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધી તેમનું મોત થયું હતું. ત્યારથી તેમના માતા ત્યારથી ઊંઘી શક્યા નથી અને હંમેશાં રડતાં રહે છે. ઍલેક્સના પિતા આર્મીમાં હતા અને ભાઈ આઈટીબીપીમાં છે, પરંતુ તેમણે કહ્યું કે માર્યા ગયેલા નાના ભાઈનો અંતિમસંસ્કાર તેમની માગણી પૂરી થયા પછી જ કરશે.

જમકોથાંગે કહ્યું કે, “અહીં અમારું જીવન જોખમમાં છે. ક્યારે શું થશે, કોણ મરશે. કેન્દ્ર સરકાર આદિવાસી લોકો માટે સુવિધા નહીં આપે, તો અમે પણ નહીં માનીએ અને મૈતેઈ લોકો પણ સંમત થાય નહીં, કારણ કે હવે આ શરૂ થઈ ગયું છે. આ ગૃહયુદ્ધ પણ છે અને સરકાર સાથે પણ છે. માગણીઓ પૂરી નહીં થાય તો શબગૃહથી શબ પણ નહીં નીકળે.” આ દોઢ મહિનાથી બે સમુદાય વચ્ચે ચાલી રહેલી હિંસાની વચ્ચે એક ખૂબ જ શરમજનક ઘટના બની જેણે સમગ્ર વિશ્વમાં ભારતનું માથું ઝૂકાવી દીધું છે. સૌથી ગંભીર બાબત તો એ છે કે, સત્તાધારી પક્ષ આ મુદ્દે સાંસદમાં ચર્ચા કરવા પણ તૈયાર નથી. મણિપુરમાં જાતીય રમખાણો વચ્ચે મહિલાઓને નગ્ન કરીને ફેરવવાના બહાર આવેલા વિડિયો પર ભારતમાં ઘમાસાણ મચેલુ છે. હવે તેના પર અમેરિકાના ભારત સ્થિત રાજદૂત એરિક ગાર્સેટીએ પણ ટિપ્પણી કરી છે.

ગાર્સેટીએ કહ્યુ છે કે, મણિપુરમાં જે પણ થઈ રહ્યુ છે તે ભારતનો આંતરિક મામલો છે પણ જ્યાં પણ હું આ પ્રકારની હિંસા જોઉં છુ ત્યારે મારુ દિલ દુખી થઈ જાય છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગાર્સેટીએ ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. હાલમાં તેઓ અમેરિકન સરકાર સાથે વાતચીત માટે વોશિંગ્ટનમાં છે અને આ દરમિયાન મણિપુરમાં બે મહિલાઓ સાથે આચરવામાં આવેલી હેવાનિયતને લઈને તેમને સવાલ પૂછવામા આવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, મેં હજી સુધી વિડિયો જોયો નથી.

મેં પહેલી વખત મણિપુરમાં યૌન ઉત્પીડનની ઘટના અંગે સાંભળ્યુ છે. મણિપુરમાં થઈ રહેલી હિંસા ભારતનો આંતરિક મામલો છે પણ આ પ્રકારની ઘટના બને ત્યારે પીડા થવી સ્વાભાવિક છે. દુનિયાના કોઇપણ ખૂણામાં મહિલાને નગ્ન કરીને ફેરવવામાં આવે તેને આંતરિક કે બાહ્ય મામલો ગણ ન શકાય. આ બનાવ સમગ્ર માનવજાતિ માટે શરમજનક કહી શકાય. માણસો આટલી હદે હેવાન બની જાય તે કઇ રીતે શક્ય બને છે. મણીપુરમાં જે ઘટના બની છે તેવી ઘટનાઓ તો અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાની આતંક ચરમસીમા પર હતો ત્યારે પણ બનતી ન હતી. આવી ઘટના બન્યા પછી તાત્કાલિક એકશન તો લેવામાં આવી છે પરંતુ આ ઘટના માત્ર એકશન લેવા જેટલી નથી તે અનેક પ્રકારના ચિંતન માંગી લે તેવી છે.

Most Popular

To Top