અમદાવાદ: બુધવારની ગોઝારી રાત્રે અમદાવાદના ઈસ્કોન બ્રિજ (Ahmedabad Iscon Bridge Accident) પર જેગુઆર કાર ચલાવતા 19 વર્ષના તથ્ય પટેલે (Tathya Patel) 9 લોકોને કચડી નાંખ્યા હતા. આ અકસ્માત બાદ કારની સ્પીડ અંગે ઘણી ચર્ચા થઈ છે. કારની સ્પીડ 150થી વધુ હતી એવા આક્ષેપો થઈ રહ્યાં છે. અકસ્માત બાદ જ્યારે ઉશ્કેરાયેલા લોકોએ તથ્યને માર્યો ત્યારે ખુદ તથ્યએ કારની સ્પીડ 120થી વધુ હોવાનો બોલતો એક વીડિયોમાં સાંભળવા મળે છે. હવે કારની સ્પીડ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.
- જેગુઆરમાં તથ્ય સાથે કુલ 6 લોકો હતા: મહિલા મિત્રએ કાર ધીમે ચલાવવા સલાહ આપી ત્યારે તથ્ય પટેલે તેની વાત ન માનતા કારની સ્પીડ વધારી દીધી હતી
અકસ્માત સમયે તથ્યની જેગુઆર કારમાં કુલ છ લોકો હતા. ત્રણ યુવતી અને તથ્ય સહિત ત્રણ યુવકો હતા. અકસ્માત સમયે કારમાં બેઠેલી એક યુવતીએ પોલીસને જે કહ્યું ત્યાર બાદ એ સાબિત થાય છે કે યુવાની જોશમાં તથ્ય બેફામ કાર હંકારીને 9 માસૂમોને કચડી નાંખી મોતને ઘાત ઉતાર્યા છે.
યુવતીએ પોલીસને ક્હયું કે બુધવારની રાત્રે 6 મિત્રો મોહમમ્દપુરાના એક કેફેમાં બેઠા હતા. ત્યાં તથ્ય નહોતો. થોડા સમય બાદ તથ્ય પોતાની જેગુઆર કાર લઈને આવ્યો હતો. ત્યાર બાદ તમામ મિત્રો તેની કારમાં 20થી 25 મિનીટ બેઠા હતા અને પછી કર્ણાવતી ક્લબ પાસેથી નીકળ્યા હતા. તથ્ય સ્પીડમાં કાર ડ્રાઈવ કરતો હતો તેથી યુવતીએ તેને કાર ધીમી ચલાવવા સમજાવ્યો હતો પરંતુ તે માન્યો નહોતો અને યુવતીની સલાહ અવગણીને કારની સ્પીડ વધારી દીધી હતી. કારની સ્પીડ તે 100 પ્લસ લઈ ગયો હતો ત્યાર બાદ અચાનક કાર ધડામ દઈને ટકરાઈ હતી. થોડા સમય બાદ લોકોએ કારમાં બેઠેલાં તમામને બહાર કાઢ્યા હતા.
જો તથ્યએ મહિલા મિત્રની વાત માની લીધી હોત તો કદાચ તે રાત્રે 9 લોકોના મોત થયા નહોત. આ ઘટના દર્શાવે છે કે તથ્યની લાપરવાહીના લીધે જ 9 લોકોના મોત થયા છે.