Charchapatra

ઓનલાઈન ગેમની ભ્રામક જાહેરાતો

પ્રખ્યાત અભિનેતાઓ, ક્રિકેટરો, શો કરનારા દ્વારા ઓનલાઈન ગેમની વારંવાર જાહેરાતો થઇ રહી છે. જાહેરાતોમાં તેઓ લોકોને ગેરમાર્ગે દોરી કહી રહ્યા છે કે ‘ઓનલાઈન ફલાણી ફલાણી ગેમ ખેલો ઔર લાખો જીતો’’ આમ જ ઘરમાં બેઠા બેઠા લાખો રૂપિયા મળી જતા હોય તો કોઇ આ સેલિબ્રિટીઓને પૂછશે કે તમે ભલા શા માટે ફિલ્મ-શોમાં શૂટિંગ કરવા માટે આટલો બધો શ્રમ લો છો?

જુદાં જુદાં શહેરોમાં, જુદા જુદા જોખમી સ્થળે જઇ તાપતડકો-વરસાદ કડકડતી ઠંડીમાં જાત જાતના સ્ટંટો કરી જોખમો શું કામ લો છો? કલાકો સુધી મેકઅપના થપેડાનો કંટાળો શું કામ સહન કરો છો? તમે જ ઘરે બેઠા બેઠા ઓનલાઈન ગેમ રમીને ‘લાખો – કરોડો કમાઈ લો ને!પણ કહેવાય છે ને કે ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’. ઇઝી મની મેળવવાની માનસકિતા વ્યક્તિ પાસે શું શું કરાવે છે એ તો આપણે રોજ વર્તમાન પત્રોમાં વાંચી જ રહ્યા છે. લાગે છે કે ઓન લાઈન ગેમ રમનારા ઉપર કોઇએ અભ્યાસ હાથ ધરવો જોઈએ કે તેઓએ આવી રમતો દ્વારા કેટલા કમાઈ લીધા અને કેટલા ગુમાવી દીધા?
સુરત     – ડૉ. જયા હલાટવાળા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આપણે સાચું હસતાં ય નથી રડતાં ય નથી
વર્તમાન સમય (યુગ)માં જયારે આપણે જ હસી-રડી શકતાં નથી. તો પછી રોબોટને શા માટે હસાવવો કે રડાવવો જોઈએ? કેટલીક વાર અટ્ટહાસ્ય કરનારો માનવી ચોધાર આંસુએ રડી પણ શકતો નથી. એવું શા માટે? રોબોટની વાત જવા દો,ઇશ્વરે (?!) બનાવેલો માનવ રૂપી રોબોટ નકલી હાસ્ય કરે છે, તેમજ રડીને મગરના આંસુ પણ વહાવે છે. ખરેખર હવે પછીના સમયમાં હળવાં થવા માટે આપણને સૌને ‘ક્રાઈંગ કલબ’ની પણ જરૂર પડશે.

જન્મજાત કલાકાર દિલીપ સાબ હસતાં હસતાં રડી પડતાં અને રડતાં-રડતાં હસી પડતાં, (અલબત્ત ફિલ્મમાં જ તો) હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે… (જયંત પાઠક સાહેબ) હાસ્ય અને રૂદન એ જીવનરૂપી સિક્કાની બે બાજુઓ જેવાં છે. જીવનને જીવવા –માણવા માટે આ બંનેની આપણને જરૂર પડે છે. જેઓને જીવતાં આવડતું નથી. તેઓ મોટે ભાગે દુ:ખી થતાં તેમજ નર્કની યાતના ભોગવતાં જોવામાં આવે છે. તેમજ મર્યા પછી જ તેઓ સ્વર્ગમાં (?) જતાં હશે?! હાસ્ય તથા રૂદન આપણા જીવન માટે પ્રાણવાયુ – ઓકિસજન સમાન છે. રોબોટ ભલે યંત્રવત્ કામો કરે, ભલે ને તે હોસ્પીટલ કે હોટેલમાં સેવા આપે… પરંતુ તે આપણા સ્પર્શનો અધિકારી બની આપણી સાથે રહી શકશે ખરો?! ઘણાં બધા ગેઝેટ્સ અને વિવિધ એપ્સનાં જંગલોમાં અટવાઈ ગયેલા માનવીના એકાકી મન-હૃદયનો સાચો સાથી બની શકે ખરો?!
પાલ-ભાઠા         – રમેશ એમ. મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top