સુરત: સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલની (New Civil Hospital) સરકારી નર્સિંગ કોલેજના હિમિષ પટેલ અને અને આશિષ જાદવે AIIMS NORCET(ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નર્સિંગ ઓફિસર રિક્રુટમેન્ટ કોમન એલીજીબીલીટી ટેસ્ટ) પરીક્ષા પાસ કરી સુરત શહરેનું ગૌરવ વધાર્યું છે. વર્ષ 2022 માં સરકારી નર્સિંગ કોલેજ ખાતેથી B.SC ઇન નર્સિંગ પૂરું કરી 6 મહિનાની સખત મહેનત બાદ તા. 3 જૂન 2023 માં લેવાયેલી NORCET 4 માં હિમિષ પટેલે સમગ્ર દેશમાં 304 અને આશિષ જાદવે 818 મો રેન્ક મેળવી દેશભરનાં વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી છે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા 4 વર્ષમાં સુરત નવી સિવિલ હોસ્પિટલની સરકારી નર્સિંગ કોલેજના 13 છોકરી અને 7 છોકરાઓ સહિત કુલ 20 વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ ગુણ પ્રાપ્ત કરી એઇમ્સ NORCETમાં આગવું સ્થાન મેળવ્યુ છે. ૩ જૂન 2023 ની પરીક્ષામાં ૩૦૫૫ જગ્યા માટે સમગ્ર દેશમાંથી આશરે 1.50 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં સુરતનાં 2વવિદ્યાર્થીઓ સહિત રાજયભરના 15 વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ દ્વારા ‘નર્સિંગ ઓફિસર‘ તરીકે પોતાનું સ્થાન પાક્કુ કર્યું હતું.
મહેસાણાના વિજાપુર તાલુકાના લાડોલ ગામના વતની હિમિષે કહ્યું કે, સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાકાળ દરમિયાન મળેલી કામ કરવાની તકને કારણે પરીક્ષામાં પ્રેક્ટિકલ જ્ઞાનને આધારે પૂછાતા પ્રશ્નોમાં ખૂબ સરળતા રહી. સુરત નવી સિવિલ હોસ્પિટલની તમામ સુવિધાઓ તેમજ તેના વિભાગોને દેશભરમાં કાર્યરત એઇમ્સ સાથે સરખાવતા તેમણે કહ્યું કે, સુરત સિવિલ અને એઇમ્સની કાર્ય પધ્ધતિની સામ્યતાને કારણે આગળ કામ કરવામાં સરળતા રહેશે. રોજના 6 થી 8 કલાકનું વાંચન કરતા હિમેષ નિયમિતતા અને શિસ્તબદ્ધતાને પોતાની સફળતાનો શ્રેય આપે છે.
‘ધ્યેયની મક્કમતા જ સફળતા તરફ પ્રથમ પગલું છે’ આ ઉક્તિને ન્યાય આપતા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાનકડા સારોલ ગામના રહેવાસી આશિષ જાદવ કોઈ પણ ક્ષેત્રે ઉત્તીર્ણ થવા માંગતા વિદ્યાર્થીઓને મક્કમ ધ્યેય સાથે આગળ વધવા આહ્વાન કરે છે. તેમજ નર્સિંગ ક્ષેત્રે નામના મેળવી તેઓ પોતાના પછાત ગામડાના ગ્રેજ્યુએટ યુવક યુવતિઓને યોગ્ય માર્ગદર્શન થકી પગભર બનાવવામાં મદદ કરી ગામનો વિકાસ કરવાનો ધ્યેય રાખે છે.
હિમિષ અને આશિષ પોતાની સફળતા માટે પરિવારજનોના સાથ-સહકારની સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ વિભાગના શિક્ષકો દ્વારા મળેલા માર્ગદર્શનને પણ શ્રેય આપે છે. તેમની આ સફળતા માટે વીર નર્મદ યુનિ.નાં વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા અને સબ રજિસ્ટ્રાર આર.સી.ગઢવી તેમજ સરકારી નર્સિંગ કોલેજ, સુરતનાં આચાર્ય ડૉ.ઇંદ્રાવતી રાવ અને નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ બહુમાન કર્યું હતું. જેમાં નર્સિંગ એસોસિયેશન ટીમના હોદ્દેદારો નીલેશ લાઠીયા, વિરેન પટેલ, ચેતન આહીર ઉપસ્થિત રહ્યા હતા.