કેટલીક અભિનેત્રીઓ એવી હોય છે જેને તમે માત્ર ફિલ્મોમાં જ શોધી ન શકો. તેઓ બીજા ક્ષેત્રમાં પણ એટલી જ પ્રવૃત હોય છે. દિયા મિર્ઝાને 2021માં મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ મળ્યો હતો અને તે અભિનય નહીં બલ્કે સામાજીક ન્યાય માટે કરેલા કામ માટે હતો. મિસ એશિયા પેસિફિક ઈન્ટરનેશનલ-2000 રહી ચુકેલી દિયા યુનાઈટેડ નેશન્સના પર્યાવરણ વિશેના કાર્યક્રમની નેશનલ ગુડવીલ એમ્બેસેડર પણ છે. જો તે ફક્ત અભિનય ક્ષેત્રે જ પ્રવૃત હોત તો તેના નામે વધારે ફિલ્મો અને વધારે પ્રશંસા મળી હોત કારણ કે તેને તેની પહેલી જ ફિલ્મ ‘રહેના હે તેરે દિલ મેં’ના અભિનય માટે પણ ચચ્ચાર એવોર્ડ મેળેલા 2019માં ‘કાફિર’માં તેણે કાયનાત અખ્તરની ભૂમિકા ભજવેલી જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની હોય છે અને આતંકવાદી હોવાના આરોપ હેઠળ જેલમાં રહેવું પડે છે.
એ ફિલ્મ માટે પણ તેને ગોલ્ડ એવોર્ડ મળેલો. દિયા મિર્ઝા હૈદરાબાદની છે. તેના પિતા જર્મનીના નિવાસી ફ્રાન્ક હેન્હ્રીચ છે તો મા દીપા મૂળ બંગાળની છે. દિયામાં તેના માતા-પિતા બંનેનું સૌંદર્ય ભળેલું છે. દિયા જ્યારે કોલેજમાં હતી ત્યારે એક મીડિયા ફર્મ માટે માર્કેટિંગ એક્ઝિક્યુટિવનું કામ કરતી હતી અને ટી.વી. કમર્શિયલ માટે મોડેલ તરીકે અભિનય કરતી. જોત જોતામાં તેને ‘રહેના હે તેરે દિલ મેં’ફિલ્મ મળી જે તમિલ ફિલ્મ ‘મિન્નાલે’ની રિમેક હતી. તેની શરૂની ફિલ્મોમાં વિવેક ઓબેરોય, અર્જૂન રામપાલ વગેરે હતા પણ ‘તુમકો ના ભૂલ પાયેંગે’માં તે સલમાન સાથે હતી. પછી તે ‘પરિણીતા’, ‘દસ’, ‘લગે રહો મુન્નાભાઈ’અને ‘સંજુ’માં સહઅભિનેત્રી બની ત્યારથી તેનું ગાડુ ખોટકાયેલું છે.
દિયા મિર્ઝા ‘લવ બ્રેકઅપ ઝિંદગી’અને ‘બોબી જાસૂસ’નામની બે ફિલ્મ નિર્માત્રી તરીકે બનાવી ચુકી છે દિયા હંમેશા કશુંક નવું કરવા તત્પર રહી છે. તમને યાદ હોય તો નર્મદા બચાવો આંદોલનમાં તે આમીર સાથે ઊભી રહેલી પણ આ બધા વચ્ચે ફિલ્મોમાં સતત કામ કરતી રહી છે. તેણે ‘પાંચ અધ્યાય’નામની બંગાળી ફિલ્માંય કામ કરેલું કારણ કે મા બંગાળી હોવાથી તે સરસ બંગાળી બોલે છે. ‘સલામ મુંબઈ’નામની ઈરાનીયન-ઈન્ડિયન ફિલ્મમાં પણ તે હતી. દિયાની આ વર્ષે ‘ભીડ’આવી પણ ખાસ ચાલી નહીં. તેની ‘કભી ભી કહીં ભી’નામની ફિલ્મ આવી રહી છે જેમાં તે એક ફિલ્મસ્ટારની પત્ની છે. ‘અલીબાગ’નામની ફિલ્મ સંજય ગુપ્તાની છે જેમાં સોફિયા ચૌધરી, સંજય દત્ત સાથે દિયા મિર્ઝા છે. આ ઉપરાંત ‘ધક ધક’માં તે આવી રહી છે. દિયા મિર્ઝા ટોપ એક્ટ્રેસમાં ભલે નથી પણ તેનું એક વજૂદ છે. ગ્રેસફૂલ બ્યુટી ધરાવતી દિયા મિર્ઝા અગાઉ સાહિલ સંધાને અને હવે વૈભવ રેખીને પરણી છે. બે બાળકોની મા દિયા હજુ ઘણું કરે એમ છે. •