અમદાવાદ: અમદાવાદમાં બુધવારની રાત્રિએ ગોઝારો અકસ્માત થયો છે. 150થી 160ની ફૂલસ્પીડમાં ધસમસતી આવતી જેગુઆર કારે રસ્તા પર ઉભેલા 9 લોકોને કચડી નાંખ્યા છે. આ તમામ 9 લોકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. આ અકસ્માતના લાઈવ દ્રશ્યો એક બાઈકચાલકના કેમેરામાં કેદ થઈ ગયા હતા, જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
1 મિનીટ 38 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે અંધારી રાતે ખુલ્લા રોડ પર જેગુઆર કાર ફૂલસ્પીડમાં ધસમસતી દોડી રહી હતી અને રસ્તા પર ઉભેલા લોકોને કચડી નાંખ્યા હતા. કારે અડફેટમાં લેતા રસ્તા પર ઉભેલા લોકોને બચવાનો સમય પણ મળ્યો નહોતો. તેઓ 20થી 25 ફૂટ દૂર હવામાં ફંગોળાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે 9 લોકોએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. એક લાશ તો જેગુઆર કારના બોનેટ પર પડેલી હતી.
આ જેગુઆર કાર તથ્ય પટેલ નામનો યુવક ચલાવતો હોવાની વિગતો સાંપડી છે. જેગુઆર કારે લોકોને અડફેટે લીધા તેની 10 મિનીટ પહેલાં અહીં એક થાર કાર ડમ્પરમાં ઘુસી ગઈ હતી. લોકો તે અકસ્માત જોવા અને ઈજાગ્રસ્તની મદદ માટે રસ્તા પર ઉભા હતા ત્યારે 150થી વધુની સ્પીડે દોડતી આવતી જેગુઆર કારે તેમને ટક્કર મારી હતી.
બચી ગયેલા લોકોએ જેગુઆરના ચાલકને માર્યો
આ અકસ્માત એટલો ભયાનક હતો કે લોકો ખૂબ ડરી ગયા હતા. બાઈક ચાલકના વીડિયોમાં જોઈ શકાય છે કે જેગુઆર કારની ટકરરના લીધે ઘટના સ્થળ ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યું હતું. જે લોકો બચી ગયા હતા તે પણ શોક્ડ થઈ ગયા હતા. થોડો સમય બાદ જેવો લોકો સચેત થયા કે તેઓએ તરત જ જેગુઆરના ચાલકને કારની બહાર કાઢી માર માર્યો હતો, તેનો પણ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આરોપી તથ્ય પટેલને પણ ઈજા થઈ હોય તેને સારવાર માટે સીમ્સ હોસ્પિટલમાં લઈ જવાયો છે. પોલીસ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, તથ્ય પટેલ સાબરમતી યુનિવર્સિટીમાં બીબીએમાં અભ્યાસ કરી રહ્યો છે. તથ્યની ઉંમર 19 વર્ષની છે. તેની તબિયત સુધરશે ત્યાર બાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવશે.
અકસ્માત કરનાર તથ્ય પટેલના પિતાનો પણ ગુનાહિત ઈતિહાસ
જેગુઆર કાર ચલાવનાર યુવકનું નામ તથ્ય પટેલ હોવાનું સામે આવ્યું છે. તેના પિતાનું નામ પ્રજ્ઞેશ પટેલ છે. પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ 2020માં ગેંગરેપની ફરિયાદ થઈ હતી. પ્રજ્ઞેશ અને તેના ચાર મિત્રોએ એમડી ડ્રગ્સના નશામાં સૌરાષ્ટ્રની યુવતી સાથે ગેંગરેપ કર્યાની ફરિયાદ થઈ હતી. આ કેસમાં તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ મુખ્ય આરોપી હતી. પ્રજ્ઞેશ પટેલે કોર્પોરેટ હાઉસમાં નોકરીની લાલચ આપી યુવતીને ફસાવી હતી અને ત્યાર બાદ તે અને તેના મિત્રોએ અનેક વાર ગેંગરેપ કર્યો હતો.
પ્રજ્ઞેશ પટેલ ગોતા વિસ્તારમાં ગોકુલ ફાર્મ હાઉસની સામે આલીશાન બંગલોમાં રહે છે, જે બંગલાનું નામ હરે શાંતિ છે. અકસ્માત બાદથી પરિવાર ગાયબ થઈ ગયો છે.