ડાકોર: ઠાસરા તાલુકા કંથરાઈથી ડુંગરીપુરા તરફનો માર્ગ છેલ્લાં દશેક વર્ષથી અતિબિસ્માર હાલતમાં હોવાછતાં તંત્ર દ્વારા આ માર્ગનું સમારકામ કે નવિનીકરણ કરવામાં આવતું ન હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
ઠાસરા તાલુકાનાં કંથરાઈ ગામથી ડુંગરીપુરા તરફનો રસ્તો છેલ્લા દસ વર્ષની અતિબિસ્માર હાલતમાં ફેરવાયો છે. તેમછતાં તંત્ર દ્વારા આ માર્ગના નવિનીકરણ માટે કે સમારકામ કરવા માટેની તસ્દી લેવામાં આવતી નથી. જેને પગલે આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો તેમજ ગ્રામજનોને ભારે હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસા ટાણે આવા ઉબડખાબડ માર્ગ પરથી પસાર થવામાં લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
તંત્રના વાંકે આ માર્ગ પર અવારનવાર અકસ્માતો પણ સર્જાઈ રહ્યાં છે અને વાહનોને નુકશાની પણ પહોંચે છે. ઉબડખાબડ માર્ગને પગલે ગામની ગર્ભવતિ મહિલાઓને પ્રસુતા માટે હોસ્પિટલ લઈ જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. જેને ધ્યાનમાં લઈ, તંત્ર દ્વારા વહેલીતકે આ માર્ગનું નવિનીકરણ કરવામાં આવે તેવી ગ્રામજનોની માગણી અને લાગણી છે. જો વહેલીતકે આ બિસ્માર રસ્તાનું કામ શરૂ કરવામાં નહીં આવે તો ડુંગરીપૂરા ગામના રહીશો દ્વારા સૌપ્રથમ જિલ્લા ક્લેક્ટરને અને ત્યારબાદ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે તેમજ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.