Columns

લોકસભાની ચૂંટણી પહેલાં ૨૬ વિપક્ષો સંગઠિત થવા માટે ઝઝૂમી રહ્યા છે

ભારતની ચૂંટણી પદ્ધતિની વિચિત્રતા એ છે કે કુલ મતોના ૩૫ ટકા મતો મેળવનારો પક્ષ બાકીના ૬૫ ટકા મતો મેળવનારા પક્ષો પર રાજ કરે છે, કારણ કે તે ૬૫ ટકા મતો બે કે તેથી વધુ પક્ષો કે અપક્ષ ઉમેદવારો વચ્ચે વહેંચાઈ ગયા હોય છે. જે પક્ષને ૬૫ ટકા જેટલાં મતદારો દ્વારા નકારી કાઢવામાં આવ્યો હોય તે સત્તાધારી પક્ષ બનીને ૧૦૦ ટકા મતદારો ઉપરાંત મત ન આપનારાઓ ઉપર પણ રાજ કરે છે. વર્ષ ૨૦૧૪માં અને ૨૦૧૯માં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તા પર આવ્યો તેમાં પણ આ જ સિદ્ધાંત કામ કરી ગયો હતો.

જો જેમના ફાળે બાકીના ૬૫ ટકા મતો આવ્યા હતા તે તમામ વિપક્ષો સંગઠિત થઈ જાય તો ૨૦૨૪ની ચૂંટણીમાં તેઓ ભાજપને આસાનીથી હરાવી શકે તેવી તેમને ખબર છે. આ કારણે જ લોકસભાની ચૂંટણી આડે હવે એક વર્ષ કરતાં પણ ઓછો સમય રહ્યો છે ત્યારે તમામ વિપક્ષો સંગઠિત થવાના મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. વિપક્ષોને સંગઠિત કરવા માટેની એક બેઠક થોડા સમય પહેલાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર દ્વારા પટણામાં બોલાવવામાં આવી હતી. તેમાં વિપક્ષી એકતાની મોટી મોટી વાતો કરવામાં આવી હતી, પણ તે બેઠક પછી રાષ્ટ્રપતિના વટહુકમનો વિરોધ કરવાની બાબતમાં કોંગ્રેસ અને ‘આપ’ વચ્ચે ચકમક ઝરી હતી, જેને કારણે વિપક્ષી એકતા ડગુમગુ થઈ ગઈ હતી.

‘આપ’ દ્વારા જાહેરમાં કોંગ્રેસની ટીકા કરવાનો સિલસિલો ચાલુ થયો હતો. હવે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કોંગ્રેસ અને ‘આપ’વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામ કરાવ્યો છે. હવે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ૨૬ વિપક્ષોની બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભાજપ નામની બિલાડીના ગળે ઘંટ બાંધવાની રણનીતિ નક્કી કરવામાં આવશે. તેમાં સામેલ થવા ‘આપ’ના નેતાઓ પણ સંમત થયા છે. પોતાની કારકીર્દિની સૌથી મોટી કટોકટીમાંથી પસાર થઈ રહેલા શરદ પવાર પણ તેમાં સામેલ થવાના છે.

પટનામાં વિપક્ષની પ્રથમ બેઠકનો ભાગ ન હોય તેવા આઠ પક્ષો બેંગલુરુમાં સોમવારની ચર્ચામાં જોડાશે. આ છે મારુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK), કોંગુ દેસા મક્કલ કાચી (KDMK), વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK), રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી (RSP), ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML), કેરળ કોંગ્રેસ (જોસેફ) અને કેરળ કોંગ્રેસ (મણિ). આ વખતે કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે.

કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી, એનસીપી સુપ્રીમો શરદ પવાર, ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ નેતા નીતીશકુમાર, ડીએમકે નેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, જેએમએમના નેતા અને ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન, AAPના અરવિંદ કેજરીવાલ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે ભાગ લે તેવી અપેક્ષા છે.

પટનાની બેઠકમાં વિરોધ પક્ષોના છ મુખ્યમંત્રીઓ મમતા બેનર્જી (પશ્ચિમ બંગાળ), અરવિંદ કેજરીવાલ (દિલ્હી), ભગવંત સિંહ માન (પંજાબ), હેમંત સોરેન (ઝારખંડ), એમ.કે. સ્ટાલિન (તામિલનાડુ) અને નીતીશ (બિહાર) ઉપરાંત રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, લાલુપ્રસાદ યાદવ, અખિલેશ યાદવ, સીતારામ યેચુરી, ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને અન્યોની હાજરીમાં ભાજપ સામે એકતાનું વચન આપવા માટે હાથ મિલાવાયા હતા.

મમતા બેનરજીએ તા. ૧૭-૧૮ જુલાઈએ બેંગલુરુમાં કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી ૨૬ વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં આમ આદમી પાર્ટીની સહભાગિતા સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં ‘આપ’ની સંભવિત ભાગીદારી વિશે તીવ્ર અટકળો જોવા મળી હતી, કારણ કે પાર્ટીની ધારણાને ધ્યાનમાં રાખીને જેણે રાજ્ય સરકાર પાસેથી દિલ્હીની અમલદારશાહી પરનું નિયંત્રણ પાછું ખેંચ્યું હતું તે વટહુકમ સામે કોંગ્રેસ અવાજ ઉઠાવી રહી નહોતી. તા. ૨૩ જૂનના રોજ પટનામાં પ્રથમ એકતાની બેઠકમાં કેજરીવાલે કોંગ્રેસ પર વટહુકમનો સ્પષ્ટ વિરોધ કરવામાંથી વિચલિત થવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ તરફથી બહુપ્રતીક્ષિત નિવેદન આવી રહ્યું ન હોવાથી બીજી એકતા બેઠકમાં ‘આપ’ની ભાગીદારીની શક્યતા પાતળી બની રહી હતી.

રવિવારે બપોરે કોંગ્રેસનું નિવેદન આવ્યું હતું કે તે સંસદમાં વટહુકમનો વિરોધ કરશે અને ‘આપ’ના નેતા રાઘવ ચઢ્ઢાનું નિવેદન આવ્યું હતું કે તેઓ વિપક્ષી એકતા બેઠકમાં સામેલ થશે. વર્ષ ૨૦૦૪ માં નવા વર્ષના દિવસે સોનિયા ગાંધી દિલ્હીમાં તેમના ૧૦, જનપથ નિવાસસ્થાનમાંથી બહાર નીકળ્યાં હતાં અને નજીકમાં આવેલા લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રામ વિલાસ પાસવાનના ઘર સુધી પગે ચાલીને ગયાં હતાં. આ પગલાં સાથે યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) નો પાયો નખાયો હતો અને તેની સરકાર ૧૦ વર્ષ સુધી સત્તામાં રહી હતી.

છેલ્લા બે દાયકામાં યમુના નદીમાં ઘણાં પાણી વહી ગયાં છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહે મળીને ભાજપનો ગઢ એવો તો મજબૂત બનાવી દીધો છે કે તેમાં ગાબડાં પાડવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું કઠણ થઈ ગયું છે. જો કે વિપક્ષોનું ઉજળું પાસું એ છે કે જેના નામનું લગભગ નાહી નાખવામાં આવ્યું હતું તે કોંગ્રેસે કર્ણાટકમાં સ્પષ્ટ બહુમતી મેળવીને ધમાકેદાર પુનરાગમન કર્યું છે. તેને કારણે વિપક્ષી એકતાના કેન્દ્રબિંદુ તરીકે કોંગ્રેસ પ્રત્યેની આશા ફરી જીવંત બની છે. આ પરિસ્થિતિમાં સોનિયા ગાંધી બેંગલુરુની બેઠકમાં હાજર રહેવાનાં છે તે નોંધપાત્ર ઘટના છે. જો ભાજપની જેમ કોંગ્રેસ પણ સર્વસમાવેશક બનશે તો ૨૦૨૪માં ભાજપને પડકારનો સામનો કરવો પડશે.

કોંગ્રેસની સૌને સાથે લઈ જવાની ઈચ્છાનો પ્રથમ સંકેત દિલ્હીના વટહુકમનો વિરોધ કરવાના પક્ષના નિર્ણય સાથે આપ્યો હતો, જે કોંગ્રેસ અને ‘આપ’વચ્ચેના વિવાદનું કારણ બની રહ્યો હતો. હવે તે મુદ્દો હલ થઈ ગયો છે, પણ તેના કરતાં ઘણા ગંભીર મુદ્દાઓ હલ કરવાના બાકી છે. ભારતમાં એવાં ઘણાં રાજ્યો છે, જેમાં કોંગ્રેસ ભાજપ સાથે નહીં પણ સ્થાનિક પક્ષો સામે ચૂંટણી લડી રહી છે. તેમાં પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઝારખંડ, મહારાષ્ટ્ર અને બિહાર જેવાં રાજ્યોનો સમાવેશ થાય છે, જ્યાં કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આપ, ઝારખંડ મુક્તિ મોરચા, શિવસેના-નેશનાલિસ્ટ કોંગ્રેસ અને જેડી-યુ-આરજેડી ગઠબંધન સામે ચૂંટણી લડતી હોય છે.

આ તમામ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો કોંગ્રેસ કરતાં વધુ બેઠકો જીતતા હોય છે. જો તેવાં રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરવું હોય તો કોંગ્રેસે મોટા ભાઈની ભૂમિકા છોડીને જુનિયર પાર્ટનરની ભૂમિકા સ્વીકારવી પડશે. તે રાજ્યોમાં કોંગ્રેસ કેટલી બાંધછોડ કરવા તૈયાર છે? તેના પર વિપક્ષી એકતાનો આધાર છે. જો કોંગ્રેસ પોતાનું મિથ્યાભિમાન છોડીને જમીની વાસ્તવિકતાનો સ્વીકાર કરે તો કોંગ્રેસ સહિતના વિપક્ષોની એકતાનું સપનું સિદ્ધ થઈ શકે છે. જો કે તેમાં માયાવતી, નવીન પટનાઈક, કે.સી.આર., જગનમોહન રેડ્ડી વગેરે નેતાઓ સામેલ થાય તેવી સંભાવના નથી. જો ભાજપે ૨૦૨૪ની ચૂંટણીમાં જીતવું હશે તો વિપક્ષી એકતામાં ભંગાણ પડે તેની રાહ જોવી પડશે.

Most Popular

To Top