સુરત: સુરત જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત પંથકમાં ધોધમાર વરસાદને કારણે નદીઓમાં ભરપૂર પ્રમાણમાં પાણીની આવક થઈ છે. તેવી સ્થિતીમાં અનેક નદીઓ કોઝવે અને ચેકડેમો પર વહીવટી તંત્ર દ્વારા લોકોને પાણીના પ્રવાહમાં ન જવાની અપીલ કરાઈ છે. તેમ છતાં અનેક લોકો ન્હાવા માટે જાય તો કેટલાક લોકો સાવચેતી પૂર્વક નદી કિનારે ઉભા ન રહેતા નદીમાં ગરકાવ થઈ જાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માંગરોળ તાલુકાના આમનડેરા ગામે મામાના ઘરે આવેલા અમદાવાદના રહેવાસી સાહિલ સઈદ શેખ નામનો (ઉં. અંદાજે 18 વર્ષ)નો યુવક રવિવારે સાંજે ફરવા માટે આ વિસ્તારમાં આવ્યો હતો. ત્યારે આમનડેરા ગામની સીમામાં ભૂખી અને કીમ નદીના સંગમ પર ભૂલથી પગ લપસી જતાં તે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. જેની જાણ પરિવારજનોએ સુમિલોન ફાયરની ટીમ અને માંડવી ફાયરની ટીમને કરતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટનાસ્થળેથી મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યાની માહિતી મળી છે.
આંબાખાડી નજીક ધોધમાં ન્હાવા પડેલા બે યુવાનોનું ડૂબી જતા મોત
ઝઘડિયા: આ અગાઉ ગયા શનિવારે ઝઘડિયાના આંબાખાડી ગામે ધોધમાં ન્હાવા આવેલા બે મિત્રો ડૂબી જવાથી કરૂણ મોત નીપજતા તેના પરીજ્નોમાં માતમ છવાઈ ગયો હતો. અંકલેશ્વર તાલુકાના ગડખોલ પાટિયા રહેતા ત્રણ મિત્રો શનિવારે સમય મળતા ઝઘડીયા તાલુકાના આંબાખાડી નજીક ધોધ પાસે ફરવા આવ્યા હતા. જ્યાં મનમોહક ધોધ જોતા ત્રણેયને ન્હાવા પડ્યા હતા. પાણીમાં ન્હાવાનો ભારે ઉમંગ હતો. જેમાંથી બે મિત્રો અચાનક પાણીના વહેણમાં ગરકાવ થઇ ગયા હતા.
એ જોઈ ત્રીજા મિત્રએ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવીને યુવાનોને બચાવવા પ્રયાસ કર્યા હતા. તેમજ સ્થાનિક તરવૈયાઓને શોધખોળ આદરતા આખરે પાણીમાં ડૂબેલા વૈકુંઠભાઈ પટેલ(ઉ.વ.૧૯) તેમજ નિરવ જેન્તીભાઈ ઠાકોર (ઉ.વ.૧૯)નો શ્વાસ બંધ થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટના બાબતે પરિજનો સ્થળ પહોચતા હૈયાફાટ રૂદન સાથે વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જે બાબતે રાજપારડી પોલીસ કાફલો સ્થળે પહોચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બંને આશાસ્પદ યુવાનોના પોસ્ટમોર્ટમ કરવા અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતો.