સુરત: ધંધા હે પર ગંદા હે જેવી કહેવતને સાર્થક કરતા બુટલેગરોની વધુ એક મોડ્સ ઓપરેન્ડી ને પોલીસે (Police) ખુલ્લી પાડી ફાયરના (Fire) વાહન અને એમ્બ્યુલન્સમાં (Ambulance) દારૂની (Alcohol) હેરાફેરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. કડોદરા અને પલસાણા પોલીસે 6 લાખમાં વિદેશી દારૂ સાથે 2 ને ઝડપી પાડ્યા છે. સાથે સાથે બેને વોન્ટેડ (Wanted) જાહેર કર્યા છે. એટલું જ નહીં પણ પોલીસે ઇમરજન્સી વાહન તરીકે ઓળખાતા એમ્બ્યુલન્સ અને ફાયરના બંબાને કબજે લઈ તપાસ હાથ ધરી છે.
- કડોદરા પોલીસે જણાવ્યું હતું કે આખું ઓપરેશન બાતમીના આધારે પાર પાડવામાં આવ્યું
- આવા ગેરકાનૂની કામો માટે કેટલાક ડ્રાઈવરો થોડી રકમ માટે પોતાના જીવન સાથે રમી રહ્યા છે: જિલ્લા પોલીસ
કડોદરા પોલીસે જણાવ્યું હતું કે આખું ઓપરેશન બાતમીના આધારે પાર પાડવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર તરફથી આવતી એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થતી હોવાની માહિતી બાદ પોલીસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ હાલતમાં દેખાતા વાહનોની તપાસ દરમિયાન એક એમ્બ્યુલન્સમાંથી પોલીસને 1 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપી મળી આવ્યો હતો. તપાસ કરતા દારૂ એક બુટલેગરનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે એમ્બ્યુલન્સના ડ્રાઇવરને ઝડપી પાડી બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.
જ્યારે પલસાણા પોલીસે જણાવ્યું હતું કે વણેશા ગામ નજીક વાહન ચેકીંગ દરમ્યાન ફાયર વિભાગમાં વાહનમાં શંકાસ્પદ લાગતા તપાસ કરવામાં આવી હતી. જેમાંથી પોલીસને રૂપિયા 5 લાખથી વધુની કિંમતનો અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 90 પેટી મળી આવી હતી. જે એક આશ્ચર્ય અને ચોંકાવનારી ઘટના હતી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે આ ખૂબ જ ગંભીર બાબત છે કે ઇમરજન્સી વાહન તરીકે ઉપયોગમાં લેવાતા એમ્બ્યુલન્સ અને ફાયરની ગાડીમાં દારૂની હેરાફેરી માટે ભેજાબાજ બુટલેગરો એ નવો કિમિયો શોધી નાખ્યો છે. એટલું જ નહીં પણ આવા કામો માટે કેટલાક ડ્રાઈવરો થોડી રકમ માટે પોતાના જીવન સાથે રમી રહ્યા છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે.