નવી દિલ્હી: દિલ્હીવાસીઓના (Delhi) માથેથી પૂરનું (Flood) સંકટ ટળ્યું નથી. દિલ્હીમાં છેલ્લા ચાર દિવસથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. યમુનાના (Yamuna) વધી રહેલા સ્તરને નિયંત્રણમાં લેવાના પગલાં ભરાઈ રહ્યાં છે. ITO અને રાજઘાટ જળમગ્ન થયા છે. યમુનાનું પાણી સુપ્રીમ કોર્ટની નજીક પહોંચી ગયું છે. જો કે દિલ્હીમાં બે દિવસથી વરસાદ નહીં પડતાં રાહત અનુભવાઈ છે. પરંતુ હવામાન વિભાગે 15 જુલાઈ શનિવારે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દિલ્હીમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ છે.
શુક્રવારે યમુના નદીએ શાંત થવાના સંકેતો દર્શાવ્યા હતા પરંતુ ઇન્દ્રપ્રસ્થ વિસ્તારમાં યમુના નદીની પાળ તૂટવાથી ITO વિસ્તારનાં કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત પૂરના પાણી સુપ્રીમ કોર્ટ કેમ્પસની નજીક પણ પહોંચ્યા હતા. આ વિસ્તારમાં એક નાળાના બેકલોકનાં કારણે રાજઘાટના મહાત્મા ગાંધી સ્મારકમાં પણ પાણી ઘૂસી ગયા હતા. યમુનાનું પૂર દિલ્હી માટે મુશ્કેલ બની રહ્યું છે.
શનિવારે સવારે 6 વાગ્યે યમુનાનું જળસ્તર 207.68 મીટર નોંધાયું છે. યમુના એક કલાક પછી એટલે કે સવારે 7 વાગે 207.62 મીટરે પહોંચી હતી. જૂના દિલ્હી રેલવે બ્રિજ પર યમુના નદીનો પ્રવાહ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. આયકર ભવન હોય કે ડાયરેક્ટર જનરલ ઑફ ઑડિટની ઑફિસ દરેકના ઘરનાં પરિસરમાં પાણીનો ગરકાવ થયો છે.
હરિયાણામાં પણ પૂરની ઝપેટમાં 13 જિલ્લા
પંજાબના હરિયાણાના 13 જિલ્લા હજુ પણ પૂરની ઝપેટમાં છે. 982 ગામો પાણીમાં ડૂબી ગયા છે. જેમાંથી 222 ગામો સાથે સંપર્ક કપાઈ ગયો છે. શુક્રવારે વાયુસેનાના હેલિકોપ્ટરે કૈથલ વિસ્તારના અનેક ગામોમાં રાહત સામગ્રી પહોંચાડી હતી. સીએમ માન શુક્રવારે ફિરોઝપુર અને જલંધર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પૂરને કારણે મકાન ધરાશાયી થવાના કિસ્સામાં સરકાર પીડિતોને રૂ. 1.25 લાખનું વળતર આપશે અને પશુઓના શેડ તૂટી પડવાને કારણે થયેલા નુકસાન માટે રૂ. એક લાખનું વળતર આપશે.
અત્યાર સુધીમાં 20નાં મોત થયા છેઃ હરિયાણા સરકાર
હરિયાણા સરકારે સ્વીકાર્યું કે પૂર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. એક દિવસ પહેલા આ આંકડો 16 હતો. જ્યારે ત્રણ લોકો હજુ પણ ગુમ છે.