ભરૂચ: 30 વર્ષ પહેલા કઠિતપણે લોભામણી જાહેરાતો આપીને જાગેશ્વરની મહામુલી જમીનો ઉદ્યોગો સ્થાપવા મફતના ભાવે આપી દીધી હતી. એ વખતે અસરગ્રસ્ત ખેડૂતોને એક વ્યક્તિને નોકરી આપવાનું વચન આપ્યું હતું. જો કે જમીનો લઈને એબીજી શીપયાર્ડને આપતા જાગેશ્વરના સ્થાનિકોને રોજગારી કે લેવાયેલાના બાકી પગારોના મુદ્દે ગુરૂવારે ધરણા પર બેસવાના મુડમાં હતા. એ વેળા મધરાત્રે પોલીસનો કાફલાથી જાગેશ્વર આખું ગામ ઘેરી લેતા અસરગ્રસ્ત 50થી વધુને ડીટેઈન કરીને દહેજ પોલીસમાં બેસાડી દીધા છે.
- જાગેશ્વર ગામના અસરગ્રસ્તોને ધરણા માટે મંજુરી ન આપીને આખા ગામને પોલીસે મધરાત્રે ઘેરી લીધું,૬૦થી વધુને ડીટેઈન કર્યા
- અસરગ્રસ્તોને નોકરી આપવા અને નોકરિયાતોને બાકી પગાર માટે તા 13મી જુલાઈએ ધરણા કરવાના હતા
- જાગેશ્વર અસરગ્રસ્તો ડીટેઈન થયા પણ મહિલા આંદોલનમાં રણચંડી બની વિરોધ વ્યક્ત કર્યો
જાગેશ્વરના અસરગ્રસ્ત અર્જુનભાઈ મોહનભાઈ પટેલે થોડા દિવસ પહેલા જ ભરૂચ કલેકટર સહીત ૬ જણાને લેખિતમાં ધરણા માટે મંજુરી માંગતો લેખિત એવો પત્ર પાઠવ્યો છે કે જાગેશ્વર ગામે 1993માં તબક્કાવાર એક એકરના 1 લાખ પ્રમાણે જમીન સંપાદન કરવામાં આવી હતી.
એ વખતે ખેડૂત ખાતેદારોને એવી લોભામણી લાલચો આપી હતી કે જેની જમીન સંપાદન થાય એને એક વ્યક્તિને નોકરી આપવાનું વચન આપ્યું હતું. આ સાથે સુવિધાના અનેક ફાયદા થશે. જે માટે મહામુલી ફળદ્રુપ જમીન મફતના ભાવે ઉદ્યોગો સ્થાપવા આપી હતી.
જે બાબતે વર્ષો વીતી ગયા બાદ આજે 121 અસરગ્રસ્ત પરિજનોને વચનો ઠાલા નીવડતા તા.13મી જુલાઈએ લેન્ડ લુઝર્સને નોકરીના મુદ્દે અને નોકરીયાતના બાકી પગારો આપવા માટે ધરણા કરવાની મંજુરી માંગી હતી. ખાસ કરીને અસરગ્રસ્ત હક્ક માટે લડવાના મંડાણ કરવાના હતા. જે મંજુરી ન મળતા અસરગ્રસ્તો પહેલા દ્વિધામાં આવી ગયા હતા.
જોકે બુધવારે મધરાત્રે જ પોલીસ વિભાગનો કાફલાએ આખા જાગેશ્વર ગામને ઘેરી લીધા હતા. અસરગ્રસ્ત ખેડૂતો રાત્રે ભારે નીંદરમાં હતા. વહેલી સવારે ઉઠીને જોતા પોલીસ વિભાગનો કાફલો ઠેર ઠેર જોવા મળ્યો હતો. ધરણા કરવા માટે જતા જાગેશ્વરના અસરગસ્ત લોકોને મંજૂરીના અભાવે અટકાવ્યા હતા.
ભારે રકઝક કરતા પોલીસ વિભાગે 50થી વધુને ડીટેઈન કરીને દહેજ પોલીસ લઇ જગ્યા હતા. પોલીસ સ્ટેશને લઇ જતી વખતે પોલીસવાનમાં અસરગ્રસ્તોએ બુલંદ અવાજથી કહ્યું હતું કે હમારી માંગે પૂરી કરો..!! જો કે લડતમાં જાગેશ્વરના પુરૂષો ડીટેઈન થતા આખરે આંદોલનમાં રણચંડી બનેલી મહિલાએ પ્રચંડ વિરોધ વ્યક્ત કર્યો હતો.