Columns

સુપ્રિમ કોર્ટ બંધારણની ૩૭૦મી કલમને પુનર્જીવિત કરી શકે ખરી?

ભાજપ સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી જે કલમ ૩૭૦ હટાવી છે તેને હવે સુપ્રીમ કોર્ટમાં બંધારણીય કસોટીમાંથી પસાર થવું પડશે. આ બાબતમાં તા. ૨ ઓગસ્ટથી દૈનિક ધોરણે સુનાવણી ચાલુ કરવામાં આવશે. ખુદ મોદી સરકાર પણ જાણતી હતી કે એક દિવસ તેમણે સુપ્રીમ કોર્ટમાં કલમ ૩૭૦ને લઈને પોતાનો બચાવ કરવો પડશે. કલમ ૩૭૦ નાબૂદ કરવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેના પર બંધારણીય બેંચ સુનાવણી કરી રહી છે. મોદી સરકાર જાણતી હતી કે કલમ ૩૭૦ હટાવવા, જમ્મુ અને કાશ્મીરનું વિભાજન અને જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશમાં ડાઉનગ્રેડ કરવા માટે તેને કોર્ટમાં પડકારોનો સામનો કરવો પડશે. જ્યારે સંસદમાં રાષ્ટ્રપતિના આદેશ અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન પર ચર્ચા થઈ રહી હતી, ત્યારે ગૃહ પ્રધાન અમિત શાહે આ મામલાને લગતા તમામ કાયદાકીય પાસાંઓનો અભ્યાસ કર્યો હતો અને તેમને સંપૂર્ણ ખાતરી હતી કે આ નિર્ણય સંપૂર્ણ ન્યાયી છે.

૧૯૫૪ના રાષ્ટ્રપતિના આદેશે બંધારણમાં કલમ ૩૫-એ ઉમેરી હતી, જેના હેઠળ જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો અને તેના નાગરિકોને પણ વિશેષ અધિકારો મળ્યા હતા. તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુની કેબિનેટની સલાહ પર તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ દ્વારા ૧૯૫૪નો પ્રેસિડેન્શિયલ ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો. તે માટે સંસદની સલાહ પણ લેવામાં આવી ન હતી. સુપ્રીમ કોર્ટમાં મોદી સરકાર આ બાબતને પોતાની ઢાલ બનાવીને પડકારોનો સામનો કરશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ અનુચ્છેદ ૩૭૦ ની જોગવાઈમાં છટકબારીનો ઉપયોગ કરીને મોદી સરકારે ભાજપ અને આર.એસ.એસ.ની લાંબા સમયની માંગણી પૂરી કરી હતી. મોદી સરકારે કલમ ૩૭૦ (૧) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને કલમ ૩૬૭માં ફેરફારો કર્યા હતા. તેમાં બંધારણના મૂળભૂત મુદ્દાઓ સંકળાયેલા છે.

આ સુધારા પછી જો ત્યાં વિધાનસભા ભંગ કરવામાં આવી હોય તો જમ્મુ અને કાશ્મીરની સરકારને ત્યાંના રાજ્યપાલની દયા પર મૂકી દેવામાં આવી છે. એટલું જ નહીં, જમ્મુ અને કાશ્મીરની બંધારણસભાને પણ રાજ્યની વિધાનસભાની સમકક્ષ ગણવામાં આવી છે. અત્યાર સુધી કલમ ૩૭૦ માં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માટે જમ્મુ અને કાશ્મીરની બંધારણસભાની સંમતિ જરૂરી મનાતી હતી. જમ્મુ-કાશ્મીરની બંધારણસભાનું વિસર્જન થઈ ગયું હોવાથી તે પ્રક્રિયા કરી શકાય તેમ જ નહોતી; પરંતુ છટકબારીનો ફાયદો ઉઠાવીને મોદી સરકારે રાજ્યપાલને રાજ્ય વિધાનસભાની બરાબરી પર મૂકી દીધા છે. હવે સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રશ્ન એ છે કે જ્યારે રાજ્યના રાજ્યપાલ કેન્દ્ર સરકારના પ્રતિનિધિ હોય ત્યારે શું મોદી સરકારનો નિર્ણય બંધારણીય રીતે યોગ્ય છે?

જમ્મુ-કાશ્મીરમાં ડિસેમ્બર ૨૦૧૮ થી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું, જે હજુ પણ ચાલુ છે. ઘણાં લોકો કહે છે કે બંધારણસભા પાસે જે સત્તા છે તે રાજ્યની વિધાનસભા પાસે નથી. સુપ્રીમ કોર્ટે આ પ્રશ્નનો જવાબ પણ આપવો પડશે. જમ્મુ અને કાશ્મીરની બંધારણસભા ૧૯૫૭ માં ભંગ કરી દેવામાં આવી હતી. આ રીતે કલમ ૩૭૦ હટાવવા માટે મોદી સરકારને સુપ્રીમ કોર્ટના કોઈ જૂના કેસમાંથી પ્રેરણા મળી હશે. ૧૯૬૮ માં સુપ્રીમ કોર્ટમાં સંપત પ્રકાશ વિરુદ્ધ જમ્મુ અને કાશ્મીર રાજ્યનો કેસ ચાલ્યો હતો. તેમાં સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૦ ને અમલમાં રાખવાની તરફેણ કરી હતી અને તે દલીલને ફગાવી દીધી કે તે અસ્થાયી જોગવાઈ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભા પોતે જ ભંગ કરી દેવામાં આવી છે, તેથી કલમ ૩૭૦ ને અસ્થાયી જોગવાઈ તરીકે ગણી શકાય નહીં. ૨૦૧૬ માં પણ સુપ્રીમ કોર્ટે આવી જ ટિપ્પણી કરી હતી કે જ્યાં સુધી તેની પેટા કલમ (૩) ના સંદર્ભમાં ફેરફાર ન થાય ત્યાં સુધી કલમ ૩૭૦ અમલમાં રહેશે. મોદી સરકારે આ પેટા કલમનો ઉપયોગ કર્યો છે અને જોગવાઈમાં ફેરફાર કર્યો છે.

હવે સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનું છે કે જે કંઈ થયું છે તે બંધારણીય છે કે નહીં? સુપ્રીમ કોર્ટ સમક્ષ બીજો પ્રશ્ન એ થશે કે શું જમ્મુ-કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો ઘટાડીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવીને તેના બે ભાગલા કરવાનું બંધારણીય છે કે નહીં? આવું પહેલાં ક્યારેય બન્યું નથી. હા, તેનાથી ઉલટું ચોક્કસ થયું છે. ગોવા ૧૯૮૭ સુધી કેન્દ્રશાસિત પ્રદેશ હતો, જેને ૧૯૮૭માં પૂર્ણ રાજ્ય બનાવવામાં આવ્યું હતું. સિક્કિમ એક સંરક્ષિત રાજ્ય હતું, જેને ૧૯૭૫માં પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ બાબતમાં જમ્મુ-કાશ્મીરનો મામલો અનોખો છે.

સુપ્રીમ કોર્ટે એ પણ નિર્ણય આપવો પડશે કે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ ૨૦૧૯ ઉચિત છે કે નહીં? કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે કલમ ૩૭૦ નાબૂદ કર્યા પછી જમ્મુ-કાશ્મીરમાં અભૂતપૂર્વ સ્થિરતાનો સમયગાળો છે. ત્રણ દાયકાની અશાંતિ બાદ આ વિસ્તારમાં જનજીવન સામાન્ય થઈ ગયું છે, રાજ્ય સતત પ્રગતિ કરી રહ્યું છે, શાળાઓ, કોલેજો અને અન્ય જાહેર સંસ્થાઓ ત્રણ વર્ષમાં કાર્યક્ષમ રીતે કામ કરી રહી છે, પથ્થરમારો ભૂતકાળ બની ગયો છે અને હવે ખીણનાં લોકોને પણ દેશના અન્ય પ્રાંતોના લોકો જેટલા જ અધિકારો છે.

અલગતાવાદી એજન્ડા હેઠળ ૨૦૧૮ માં પથ્થરમારાની ૧,૭૬૭ ઘટનાઓ બની હતી, જે કલમ ૩૭૦ પાછી ખેંચી લીધા પછી આજ સુધી શૂન્ય છે. ગૃહ મંત્રાલયે તા. ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના નિર્ણય બાદ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ફેરફારો અંગે સર્વોચ્ચ અદાલતમાં એફિડેવિટ દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે હડતાલ, પથ્થરમારો અને અટકાયતની પ્રથા હવે ભૂતકાળ બની ગઈ છે. પથ્થરમારાની કોઈ ઘટના બની નથી. શિક્ષણનો અધિકાર આપતો કાયદો અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામત આપતા કેન્દ્રીય કાયદાઓ પણ લાગુ પડે છે. કલમ ૩૭૦ નાબૂદ કરવાના નિર્ણયને પડકારતી ૨૦ થી વધુ અરજીઓ પર કેન્દ્રનો જવાબ આવ્યો છે. જો કે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાની હેઠળ સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બંધારણીય બેંચે મંગળવારે યોજાયેલી સુનાવણીમાં કેન્દ્રના નવા સોગંદનામા પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો.

કલમ ૩૭૦ હટાવવાને લઈને સુપ્રીમ કોર્ટમાં લગભગ ૨૩ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ મામલામાં મંગળવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા તમામ પક્ષકારોને ૨૩ જુલાઈ સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ૨૭ જુલાઈ સુધીમાં તમામ પક્ષકારોએ આ મામલે તેમના જવાબો દાખલ કરવા જોઈએ, ત્યાર બાદ કોઈ ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બીજી એક નોંધપાત્ર ઘટનામાં આઈએએસ ઓફિસર શાહ ફૈઝલ અને એક્ટિવિસ્ટ શેહલા રશીદે સુપ્રીમ કોર્ટની અરજીમાંથી પોતાનાં નામો પાછાં ખેંચી લીધાં છે. તેઓ ૩૭૦મી કલમ રદ કરવા સામેની તેમની અરજીઓને આગળ વધારવા માંગતા ન હતા અને કોર્ટના રેકોર્ડમાંથી તેમનું નામ હટાવવાની વિનંતી કરી હતી. સર્વોચ્ચ અદાલતે અરજદાર તરીકે તેમનાં નામો રદ કરવાની તેમની વિનંતી સ્વીકારી લીધી છે. હવે જોવાનું એ રહે છે કે સુપ્રીમ કોર્ટ કલમ ૩૭૦ રદ કરવાના કેન્દ્રના નિર્ણયને મંજૂરી આપશે કે સરકાર વિરુદ્ધ ચુકાદો આપીને તેને બહાલ કરશે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top