Comments

વિકાસનાં ફળ મારે કે તારે?

માર્ગ અકસ્માત થવા માટેનાં મુખ્ય કારણો પૈકીનાં કેટલાંક કારણોમાં રસ્તાની બિસ્માર હાલત, તીવ્ર વળાંકો, માર્ગચિહ્નોનો અભાવ વગેરેનો સમાવેશ થઈ શકે. પણ ઠેરઠેર યોગ્ય માર્ગસૂચક મૂકેલા હોય એવી અત્યાધુનિક, તીરની જેમ સીધી સડક પર અકસ્માત થઈ શકે ખરા? અને અકસ્માત પણ એકલદોકલ નહીં, એ ખુલ્લી મૂકાયાના છ મહિનાના સમયગાળામાં રોજના સરેરાશ ત્રણ અકસ્માત લેખે! નવાઈ લાગે, પણ મુંબઈ અને નાગપુરને જોડતા ‘સમૃદ્ધિ એક્સપ્રેસ વે’ બાબતે આમ બની રહ્યું છે.

મહારાષ્ટ્રના બે મહત્ત્વનાં શહેરોને જોડતા, આશરે સાતસો કિ.મી. લંબાઈ ધરાવતા આ માર્ગનો પ્રથમ તબક્કો ડિસેમ્બર, ૨૦૨૨માં એટલે કે માંડ છ મહિના પહેલાં ખુલ્લો મૂકાયો છે. નાગપુરથી શીરડી સુધીનો આ ભાગ આશરે પાંચસો કિ.મી.નો છે. આ માર્ગ પર છ મહિનામાં નાનામોટા થઈને કુલ ૬૧૬ અકસ્માત થયા છે, જેમાં ૬૫૬ લોકોને નાનીમોટી ઈજાઓ થઈ છે અને ૩૯ લોકો મોતને ભેટ્યા છે. છેલ્લામાં છેલ્લો અકસ્માત ૧ જુલાઈ, ૨૦૨૩ની મધરાતે થયો, જેમાં એક થાંભલા સાથે અથડાઈને બસમાં આગ લાગી.

આ ટક્કર એટલી જોરદાર હતી કે બસની આગળની એક્સલ આખી વળી ગઈ હતી. એ દર્શાવે છે કે બસ કેટલી ઝડપી દોડી રહી હશે. અલબત્ત, આ માર્ગ એક્સપ્રેસ વે છે, જેનો હેતુ જ વાહનો વધુ ગતિમાં દોડી શકે એ છે. બસમાં સફર કરી રહેલા તેત્રીસ પૈકીના પચીસેક મુસાફરો બળી મર્યા. આ અકસ્માતને પગલે આ અત્યાધુનિક માર્ગના સલામતીનાં પાસાં અંગે ફરી એક વાર ચર્ચા ચાલી છે. આ ચોક્કસ અકસ્માતમાં જણાયું છે કે બસ હજી ત્રણેક વર્ષ જૂની હતી અને તેની અન્ય તમામ સંલગ્ન બાબતો બરાબર હતી. હજી પૂરેપૂરો ઉપયોગમાં આવે એ અગાઉ આટલા વિપુલ પ્રમાણમાં આ માર્ગ પર અકસ્માત થઈ રહ્યા હોય તો શું સમજવું? આ માર્ગ સલામત કહી શકાય?

આ એક વિશિષ્ટ પ્રકારનો પ્રકલ્પ છે, તેથી તેની સાથે સંકળાયેલા વિવિધ મુદ્દા પણ વિચારણીય બની રહે છે. જે બાબતો તેની વિશેષતા છે, એ જ તેની નબળાઈ બની શકે છે. આ એક ગ્રીનફિલ્ડ પ્રકલ્પ છે. એટલે કે આ પ્રકલ્પ અગાઉના કોઈ પ્રકલ્પને સ્થાને, યા તેના વિસ્તરણ કે જોડાણ તરીકે નહીં, બલ્કે સાવ એકડે એકથી આરંભાયેલો છે. તદ્દન સીધી દિશામાં બનાવાયેલા રસ્તા વાહનો એકસો વીસ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકે એ રીતે તૈયાર કરાયેલા છે. સહ્યાદ્રિની ગિરિમાળામાંથી પસાર થતો આ માર્ગ આસપાસ અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે. પણ પહેલી નજરે વિશેષતા લાગતી આ બાબતો તેની મર્યાદા પુરવાર થઈ શકે છે અને અત્યાર સુધી એમ જ બની રહ્યું છે. આવું શાથી?

તદ્દન સીધાસપાટ અને એક સમાન ભૂપૃષ્ઠ ધરાવતા આ પ્રકારના માર્ગ પર વાહન હંકારતા ચાલકો ‘હાઈવે હિપ્નોસીસ’ અથવા ‘વ્હાઈટ લાઈન ફીવર’ તરીકે ઓળખાતા લક્ષણનો ભોગ બનવાની શક્યતા વધુ રહે છે. આ લક્ષણ માનસિક છે. એકધારી ઝડપે, કશા વળાંક વિના વાહન સતત એક જ દિશામાં આગળ વધતું રહે, આસપાસનાં દૃશ્યો સુંદર હોય, પણ તે એકસરખા જેવાં જ લાગે એ પરિસ્થિતિમાં વાહનચાલકો ગાફેલ બને છે અને તેમના પ્રતિક્રિયાસમયમાં વિલંબ થાય છે. તેમની નિર્ણયશક્તિ પર આની અસર થાય છે. અપૂરતી ઊંઘ, થાક ઉપરાંત એક જ પ્રકારનાં માર્ગચિહ્નો, એન્જિનની એકધારી ઘરઘરાટી જેવી બાબતો આમાં ઉમેરો કરે છે. આવા માર્ગ પર તેમનું ધ્યાન આકર્ષી શકે એવી ગતિવિધિઓનો અભાવ હોય છે. આ કારણોસર પેદા થતી ગાફેલિયત સરવાળે અકસ્માતનું નિમિત્ત બની શકે છે. જરા વિચિત્ર લાગે, પણ વાહનચાલકની સુવિધા માટે ઊભી કરાયેલી આ સવલત જ તેનો ભોગ લઈ શકે છે.

આ માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો મૂકાશે એ પછી આ બનાવોમાં ઓર વધારો થઈ શકે છે. આનું કોઈ નિવારણ ખરું? આ સમસ્યા કેવળ આપણા દેશની નથી, આથી તેના ઉપાયો અંગે વિશ્વવ્યાપી ચર્ચા થતી રહે છે. સૌથી મહત્ત્વનું પગલું ડ્રાઈવરના વલણસંબંધી છે. લાંબી મુસાફરીનો આરંભ કરતાં અગાઉ તેમણે પૂરતી ઊંઘ લીધેલી હોય એ ઈચ્છનીય છે. તદુપરાંત નિયત અંતરાલે તેઓ થોભે, વિરામ લે, પોતાના સ્નાયુઓને સ્ટ્રેચ કરે અને એ રીતે મગજને તાજગી અનુભવાય એવા પ્રયત્નો કરતા રહે તો તેઓ એકવિધતાનો ભોગ બનતા અટકે છે. મગજને સક્રિય રાખવા માટે તેઓ વાત કરતા રહે, ઊર્જામય સંગીત સાંભળે તો પણ ઘણો ફરક પડી શકે છે.

રાજ્ય દ્વારા આ બાબતે વિવિધ પગલાં લેવાનો આરંભ થઈ રહ્યો છે. દર અડધો કલાક હંકાર્યા પછી વાહનચાલકનું ધ્યાન આકર્ષવા પરાવર્તક તેમજ પતાકાઓ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને બસના ચાલકો સલામતીના નિયમો અને માર્ગદર્શિકાને અવગણે છે. તેઓ લાંબા સમય સુધી બસ હંકારતા રહીને મુસાફરોના જીવને જોખમમાં મૂકે છે. હાઈ વે પોલીસે કારચાલકોને પોતાની કારની સ્થિતિ ચકાસવાની, ખાસ કરીને વધુ વપરાયેલા ટાયરને બદલવાની, તેના ટાયરમાં યોગ્ય દબાણ જાળવવાની સૂચના આપી છે, કેમ કે, વાહનની વધુ ઝડપને કારણે ખાસ કરીને ઉનાળામાં ટાયર ફાટવાની સંભાવના વધુ રહે છે.

આ ઉપરાંત કર્મશીલોના એક જૂથે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરીને આ માર્ગ પર વાહનોની ગતિમર્યાદા એકસો વીસ કિ.મી. પ્રતિ કલાકથી ઘટાડીને સો કિ.મી. પ્રતિ કલાક રાખવાની માગણી કરી છે. આ માર્ગ પર વધુ પડતી ઝડપથી વાહન હંકારવા બદલ ‘પકડાયેલા’ ચાલકોના કાઉન્સેલિંગ માટે રાજ્યના પરિવહન વિભાગે  આઠ કાઉન્સેલિંગ કેન્દ્રો ઊભાં કર્યાં છે. પ્રત્યેક વાહનચાલક પોતાનો નાગરિકધર્મ સમજીને ગતિને નિયંત્રણમાં રાખે એ અપેક્ષા પણ શી રીતે રાખવી! વાહનો ઝડપથી હંકારી શકાય એ માટે તૈયાર કરાયેલા માર્ગ પર વાહનોને ઓછી ઝડપે હંકારવા માટે અપીલ કરવી પડે એ વિકાસની કેવી વક્રતા કહેવાય!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top