ગાંધીનગર: રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી (FormerEducationMinister) ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની (BhupendrasinhChudasama) તબિયત એકાએક બગડી છે. ગઈકાલે રાત્રે 2 વાગ્યાના સમય દરમિયાન તેમને એકાએક શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઈ હતી. તેઓ ગાંધીનગર (Gandhinagar) સ્થિત તેમના નિવાસ સ્થાને સૂતા હતા ત્યારે તબિયત બગડી હતી. તાત્કાલિક તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
તબીબોની તપાસ દરમિયાન પ્રાથમિક કારણ એવું બહાર આવ્યું કે 74 વર્ષીય ભુપેન્દ્ર ચુડાસમાની નળીમાં બ્લોકેજ છે. બાયપાસ સર્જરી (BypassSurgery) કરવી પડશે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આજે બુધવારે જ બાયપાસ સર્જરી કરવામાં આવનાર છે. ત્યાર બાદ તેમને 3 દિવસ સુધી આઈસીયુમાં (ICU) ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે.
ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગુજરાત ભાજપના સિનિયર નેતા છે. ભાજપ નહીં ‘બાપુ’ના હુલામણા નામથી ભાજપમાં એક સન્માનનીય વ્યક્તિ તરીકે ભુપેન્દ્રસિંહનું સ્થાન છે. 74 વર્ષની વયના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગુજરાત ભાજપમાં 33 વર્ષ કરતાં વધુ સમયથી સક્રિય રીતે કામ કરી કરતા આવ્યા છે. 33 વર્ષની રાજકીય કારકિર્દીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સંગઠનથી માંડીને સરકારમાં અનેક હોદ્દાઓ અને મંત્રી પદ પર રહી ચૂક્યા છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 1990થી 2020 સુધી મંત્રી પદે રહ્યા હતા. જ્યારે 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા વિધાનસભામાંથી ચૂંટાયા બાદ પહેલીવાર તેઓ શિક્ષણ મંત્રી અને કાયદા મંત્રી બન્યા હતા. વિજય રૂપાણીની સરકારમાં શિક્ષણ મંત્રી બન્યા બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે અનેક આરોપો લાગતા તેઓ વિવાદમાં સપડાયા હતા.
છેલ્લે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચુંટણીમાં થયેલી જીતને હાઈકોર્ટે રદ કરી હતી, જે તેમની ત્રણ દાયકા જૂની રાજકીય કારકિર્દી પર મોટા ડાઘ સમાન બની રહી હતી.