SURAT

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઇ ડેમની જળસપાટી વધી

સુરત: ઉકાઈ (UkaiDam) ડેમના ઉપરવાસમાં આવેલા રેઈનગેજ સ્ટેશનો પર સોમવારથી વરસાદ (Rain) વધારે માત્રામાં નોંધાઇ રહ્યો છે. જેને પગલે ડેમમાં પાણીની આવક થતા એક અઠવાડિયાથી સ્થિર ડેમની સપાટીમાં વઘારો નોંધાયો છે. આજે બુધવારે સવારે 10 કલાકે ડેમની સપાટી 309.43 ફૂટ નોંધાઈ છે. ડેમમાં 17,277 ક્યૂસેક પાણીનો ઈનફલો સામે 600 ક્યૂસેક આઉટફલો નોંધાયો છે.

Date:- 12/07/2023
Time:- 10:00 Hrs.
Level :- 309.43 ft.
𝗜𝗻𝗳𝗹𝗼𝘄 :- 17277 Cusecs
𝗢𝘂𝘁 𝗙𝗹𝗼𝘄 :- 600 Cusecs

ઉકાઈ ડેમમાં અઠવાડિયા પહેલા બે દિવસ સુધી સતત પાણીની આવક થતા ડેમની સપાટીમાં પોણા ફૂટ સુધીનો વધારો થયો હતો. ત્યારપછી અઠવાડિયાથી સતત ડેમની સપાટી 309.06 ફૂટે સ્થિર હતી. ડેમમાંથી પાણીની આવક અને જાવક પણ 600 ક્યુસેક હતી. પરંતુ બે દિવસથી ઉપરવાસમાં વરસાદ વરસતા પાણીની આવક શરૂ થઈ છે.

ઉપરવાસમાં આવેલા ઉકાઈ ડેમના કેચમેન્ટમાં મંગળવારે ચંદાપુરમાં 2 ઇંચ, તલોડામાં સવા ઇંચ, કુકરમુંડામાં પોણો ઇંચ, ટેસ્કામાં સૌથી વધારે સવાચાર ઇંચ મીમી, ગોપાલખેડામાં અડધો ઇંચ, યેરલીમાં અડધો ઇંચ, ભુસાવલમાં અડધો ઇંચ અને હથનુરમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં વરસાદ નોંધાતા ડેમમાં મંગળવારે 6 હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી. જેને કારણે ડેમની સપાટી સામાન્ય વધીને 309.07 ફૂટે પહોંચી હતી.

દરમિયાન ઉપરવાસમાં વરસાત સતત વરસતો રહેવાના કારણે બુધવારે સવારે પણ ડેમની સપાટીમાં ધીમો વધારો ચાલું રહ્યો હતો. બુધવારે સવારે 10 કલાકે ડેમની સપાટી 309.43 ફૂટ નોંધાઈ છે.

ઉમરપાડામાં બે કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર
સુરત: શહેર અને જિલ્લામાં મંગળવારે સવારથી ધીમી ધારે વરસાદ વરસતા સર્વત્ર ઠંકડ પ્રસરી હતી. બપોર પછી જિલ્લામાં સર્વત્ર ભારે વરસાદ નોંધાયો હતો. તેમાંયે ઉમરપાડા તાલુકામાં તો બે કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

હવામાન વિભાગે પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી. છેલ્લા બે દિવસથી સામાન્યથી ભારે વરસાદ કેટલાક વિસ્તારમાં નોંધાયો છે. તેમાંયે મંગળવારે સવારથી તો વરસાદે હિલસ્ટેશન જેવો માહોલ બનાવ્યો છે. જિલ્લામાં તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો 6 મીમી વરસાદ માંગરોળ તાલુકામાં અને સૌથી વધારે 4 ઇંચ વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે.

વરસાદનું જોર ઘટશે: હવામાન વિભાગ
હવામાન વિભાગે બુધવારથી વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે. 24 કલાક પછી વરસાદનું પ્રમાણ ઘટશે. જોકે વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા છે. આજે શહેરમાં સવારે ધીમી ધારે વરસાદ વરસતા વાહન ચાલકો ઘરેથી થેલીમાં રેઈનકોટ લઈને નીકળ્યા હતા. પરંતુ અધવચ્ચે મેઘરાજાએ જાણે પકડદાવ રમતા હોય તેમ વાહન ચાલકોને પકડી પાડતા ભીંજવી નાખ્યા હતાં.

Most Popular

To Top