સુરત: સુરત (Surat) લિંબાયત વિસ્તારમાં લસ્સી ગેંગ બાદ ચાંદી ગેંગ (Chandi Gang) સક્રિય થઈ રહી હોવાનું સામે આવ્યું છે. ચાંદી ગેંગના માથાભારે ઈસમોએ એક યુવકને જાહેરમાં લાકડાના ફટકા વડે માર મારતો વીડિયો (Video) વાઈરલ થતા ભય નો માહોલ જોવા મળ્યો છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે લિંબાયતમા લસ્સી ગેંગ બાદ વધુ એક ગેંગ સક્રિય થઈ રહી છે. ચાંદી ગેંગનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. CCTV માં દેખાય રહેલા હુમલાખોરોએ ખુરશીદ સૈયદ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. લાકડીના ફટકા વડે માર મારી યુવકને ગંભીર ઇજા પહોંચાડી હુમલાખોરો ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત ખુરશીદ સૈયદને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાથી વાઈરલ થઈ રહી છે.
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા વીડિયો વાઈરલ થયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાંદી ગેંગ સામે પણ પોલીસ દ્વારા કડક પગલાં ભરાઈ તેવી માંગ ઉઠી છે. જાહેરમાં તલવાર લઈને ખૌફ પેદા કરનારનું જે રીતે સરઘસ કાઢવામાં આવે તેવી ચર્ચાઓ ઉઠવા પામી છે. ચાંદી ગેંગને પણ અંકુશમાં લેવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી રહી છે.
સુરતનો મોસ્ટ વોન્ટેડ સલમાન લસ્સીને એક વર્ષ બાદ SOGએ દબોચ્યો
જણાવી દઈએ કે થોડાં દિવસ પહેલા જ એક વર્ષથી નાસતો ફરતા લસ્સી ગેંગના મુખ્યા સલમાન લસ્સીની પોલીસે ધરપકડ કરી હતી. તે છેલ્લાં એક વર્ષથી નાસતો ફરતો હતો. સલમાન લસ્સી ગેંગનો મુખ્ય સૂત્રાધાર પકડાતા જ આઠ જેટલા ગુનાના ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. લસ્સી ગેંગ દ્વારા મારમારી, ધાક-ધમકી સહિતના ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો.
SOG પોલીસે જણાવ્યું હતું કે સલમાન લસ્સી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. તે ગેંગનો મુખ્ય સૂત્રાધાર હતો. પોલીસે બાતમીના આધારે તેને ઝડપી લીધો હતો. આરોપી સલમાન ઉર્ફે સલમાન લસ્સી લિંબાયત અને ડિંડોલી વિસ્તારમાં સાગરિતો સાથે મળી પોતાની લસ્સી ગેંગ ઉભી કરી ગુનાઓને અંજામ અપાતો હોય તેવું કબૂલ્યું હતું. આ ગેંગનું વર્ચસ્વ વધતા લીંબાયત પોલીસે તેને પકડવાની તૈયારી કરતા સલમાન લસ્સી અંડર ગ્રાઉન્ડ થઈ ગયો હતો જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.