નવી દિલ્હી: રશિયાની (Russia) ખાનગી સેના વેગનર આર્મીનો બળવો ઠંડો પડ્યા બાદ પુતિને (Putin) યુક્રેન (Ukrain) પર હુમલો કર્યો હતો. રશિયન સેનાએ પશ્ચિમ યુક્રેનના લવીવ પર મિસાઈલથી હુમલો (Attack) કર્યો હતો. આ હુમલામાં 4નાં મોત (Death) થયા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે 60 એપાર્ટમેન્ટ્સ પત્તાના ઘરની જેમ ધરાશાયી થઈ ગયા હતા. લગભગ 50 કારનો કચ્ચરઘણ થયો હતો.
ઘટનાના પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી તેમજ ડરનો માહોલ જોવા મળ્યો હતો. કાટમાળમાં મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની આશંકા સાથે મૃતકોની સંખ્યા પણ વધવાની શંકા છે. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્કયુ ઓપરેશન કરી રહી છે. હુમલાના સ્થળે નાસભાગ, બૂમો અને અરાજકતાનું વાતાવરણ ફેલાયું છે.
લવીવમાં રશિયન મિસાઈલ હુમલામાં મૃત્યુઆંક વધુ વધવાની આશંકા છે. ગૃહ પ્રધાન ઇહોર ક્લિમેન્કોએ ગુરુવારે જણાવ્યું હતું કે હુમલામાં નવ લોકો ઘાયલ થયા હતા. તમામને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મેયર આન્દ્રે સદોવાયીએ કહ્યું કે હુમલાના સ્થળે લગભગ 60 એપાર્ટમેન્ટ અને 50 કારનો કચ્ચરઘણ વળી ગયો હતો. કાટમાળમાં ફસાયેલા લોકોનો બચાવ કરવામાં આવી રહ્યો છે તેમજ ઘાયલોને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે. એકસાથે અનેક મિસાઇલો અને ડ્રોન બોમ્બથી હુમલો થવાની સંભાવના પણ કરવામાં આવી છે. આ હુમલા પછી શહેરના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
દુશ્મનને ચોક્કસપણે આનો જવાબ મળશે: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ટેલિગ્રામ પર પોસ્ટ કર્યું છે કે “આ હુમલામાં ઘણાં લોકો ઘાયલ થયા અને ઘણાં માર્યા ગયા. પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના. દુશ્મનને ચોક્કસપણે આનો જવાબ મળશે. આ હુમલા પછી જોરદાર રીતે દુશ્મન દેશને જવાબ આપવામાં આવશે.” ઝેલેન્સકીએ ડ્રોન કેમેરાના ફૂટેજ પણ પોસ્ટ કર્યા, જેમાં ક્ષતિગ્રસ્ત ઈમારતોની તસવીરો દેખાઈ રહી છે.