SURAT

સુરત: વેપારીને બતાવવાના છે કહી 1 કરોડના હીરા લઈ જનાર દલાલ ફરી દેખાયો જ નહીં!

સુરત : પશ્ચિમ દેશોમાં ખરીદીના અભાવે હીરા ઉદ્યોગ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે અવારનવાર બનતા ચિટીંગના કિસ્સાએ ઉદ્યોગમાં ચિંતા ઉપજાવી છે. થોડા સમય પહેલાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ મહિધરપુરાના હીરા બજારના વેપારીઓને સંબોધતા સાવચેત રહેવા અને ચેકથી વેપાર કરવા સૂચન કર્યું હતું. હાલમાં હીરા બજારમાં વધતા છેતરપિંડીના બનાવોના લીધે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે ત્યારે વધુ એક ચિટીંગનો કિસ્સો સામે આવ્યો છે.

સુરતના (Surat) મહિધરપુરા ખાતે બલરામ ઈમ્પેક્ષ (BalramImpex) નામની હીરાની (Diamond) પેઢી પાસેથી દલાલ (Diamond Broker) બીજા વેપારીઓને બતાવવા માટે વેચાણ કરી આપવા રૂપિયા 1.09કરોડની કિમતના 941.96 કેરેટ નેચરલ હીરાનો માલ લઈને ગયો હતો. અને બાદમાં મોબાઈલ બંધ કરી ભુર્ગભમાં ઉતરી ગયો હતો. પોલીસે દલાલ સામે ફરિયાદ નોંધી બીજા પણ વેપારીઓ ભોગ બન્યા છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેડરોડ ડભોલી ચાર રસ્તા રોસ્કો બિલ્ડિંગ ખાતે રહેતા 47 વર્ષીય પ્રવિણભાઈ માવજીભાઈ ગોટી મહિધરપુરા દાલગીયા શેરી નિધિ સેફની બાજુમાં બલરામ ઈમ્પેક્ષના નામે પેઢી ધરાવે છે. પ્રવિણભાઈ પાસેથી હીરા દલાલ અલ્પેશ વલ્લભ મિયાણી (રહે, વિજયરાજ સોસાયટી સિંગણપોર) એ તેમની પાસે અન્ય વેપારીઓની ડિમાન્ડ આવેલી છે તેમને સારા ભાવે હીરાનો માલ વેચાણ કરાવી આપવાનું કહી વિશ્વાસ અપાવ્યો હતો.

ગત 27 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન અલગ અલગ જાંગડ પર પોતાની સહી કરી કુલ રૂપિયા ૧,૦૯,૪૦,૭૩૫ની મત્તાના ૯૪૧.૯૬ કેરેટ નેચરલ તૈયાર હીરાનો માલ વેપારીને વેચાણ કરવા માટે બતાવવા લઈ ગયો હતો. ઘણા દિવસો થયા છતાં હીરા કે પેમેન્ટ પરત નહીં આવતા પ્રવિણભાઈએ ફોન કરી હીરા બાબતે પુછ્યું હતું. જેના જવાબમાં હીરા દલાલ અલ્પેશ મિયાણીએ શરૂઆતમાં હીરા સીલ મારીને સુરક્ષિત હોવાનુ કહ્યું હતું.

બાદમાં કોઈ સંતોષકારક જવાબ આપતો નહોતો. જેથી તેની ઉપર શંકા જતા તેને ઓફિસે મળવા માટે બોલાવ્યો હતો. પરંતુ અલ્પેશ ઓફિસે મળવા આવ્યો નહોતો. અને બાદમાં મોબાઈલ બંધ કરી ભાગી ગયો હતો. જેથી મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Most Popular

To Top