SURAT

ડાયમંડની 190 કંપની એક સાથે આ તારીખથી સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરશે, આ રહ્યું લિસ્ટ

સુરત: સુરતના (Surat) છેડે ખજોદમાં ડ્રીમ સિટી (DreamCity) ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સુરત ડાયમંડ બુર્સ (SuratDiamondBurse) બનીને તૈયાર છે. હવે ક્યારે આ બુર્સમાં હીરાની ઓફિસો શરૂ થાય તેની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે તે મામલે એક મોટું અપડેટ આવ્યું છે. સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે 190 કંપનીઓ ઓફિસ શરૂ કરવા જઈ રહી હોવાની જાહેરાત બુર્સની કમિટી દ્વારા કરવામાં આવી છે.

આજે સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા એક પત્રના માધ્યમથી એવી જાહેરાત કરવામાં આવી છે કે ડાયમંડની 190 કંપનીઓ એક સાથે સુરત ડાયમંડ બુર્સમાં પોતાની ઓફિસ શરૂ કરવા જઈ રહી છે. દિવાળી બાદ તા. 21 નવેમ્બરના રોજ આ ડાયમંડ કંપનીઓ પોતાનો બિઝનેસ સુરત ડાયમંડ બુર્સમાંથી ઓપરેટ કરશે. આ સાથે કમિટી દ્વારા આ 190 કંપનીઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે, જેમાં સુરત ડાયમંડ બુર્સ કમિટીના ચેરમેન વલ્લભ લાખાણીની કિરણ જેમ્સ પ્રાઈવેટ લિમીટેડનો પણ સમાવેશ થાય છે.

સુરત ડાયમંડ બુર્સ કમિટીના સભ્યો પાસેથી જાણવા મળ્યા અનુસાર આ 190 કંપનીઓ સ્વૈચ્છાએ દિવાળી બાદ તા. 21મી નવેમ્બરથી સુરત ડાયમંડ બુર્સમાં પોતાની ઓફિસો શરૂ કરી ત્યાંથી વેપાર શરૂ કરવા તૈયાર થઈ છે. કમિટીના સિનિયર સભ્ય દિનેશ નાવડીયાએ કહ્યું કે 190 કંપનીઓ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે.

તમને જણાવી દઈએ કે છેલ્લાં કેટલાંક સમયથી મુંબઈ છોડી સુરતમાં ઓફિસ શરૂ કરવા મામલે સુરત ડાયમંડ બુર્સ તરફથી મેઈન્ટેનન્સમાં રાહતની ઓફરને લીધે સુરત અને મુંબઈના હીરાવાળા વચ્ચે તણાવનો માહોલ છે, ત્યારે એકસાથે 190 ડાયમંડ કંપની દ્વારા સુરતમાં ઓફિસો શરૂ કરવાની જાહેરાત ખૂબ મોટી ગણાવાઈ રહી છે.

સુરત ડાયમંડ બુર્સમાં 4600 ઓફિસ
રૂપિયા 3,000 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ SDBમાં અંદાજે 4,500 ઓફિસોનો સમાવેશ થાય છે. જો કે, આ ઓફિસોમાંથી માત્ર 190 ડાયમંડ કંપનીઓએ 21 નવેમ્બરથી કામગીરી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. SDBનું સત્તાવાર ઉદઘાટન, શરૂઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તે અંગે હજુ સુધી પદાધિકારીઓ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

SDBના સમિતિના સભ્ય દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, “PM નરેન્દ્ર મોદી દ્વારા SDBના સત્તાવાર ઉદ્ઘાટનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પીએમ મોદી 21 નવેમ્બર પહેલા અથવા પછી SDBનું ઉદ્ઘાટન કરી શકે છે, પરંતુ એ નિશ્ચિત છે કે હીરા કંપનીઓ આપેલી તારીખે કામગીરી શરૂ કરશે.

Most Popular

To Top