SURAT

સુરતીઓ માટે ખુશીની લહેર: ત્રીજી મેડિકલ કોલેજ આગામી ઓગસ્ટમાં ધમધમતી થઈ જશે

સુરત: સુરત શહરેમાં વધુ એક નવી કિરણ મેડિકલ કોલેજને એમબીબીએસની 150 સીટ સાથે માન્યતા મળી ગઇ છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે મંગળવારે સુરતના વરિયાવ ખાતે કિરણ મેડિકલ કોલેજને ફર્સ્ટ એમબીબીએસની 150 સીટ સાથે ચાલુ વર્ષથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેની મંજૂરી આપી છે.

  • કિરણ મેડિકલ કોલેજને ફર્સ્ટ એમબીબીએસની 150 સીટ સાથે ચાલુ વર્ષથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેની મંજૂરી
  • 150 સીટ અને આવતા વર્ષથી એમબીબીએસની 200 સીટ પર ગુજરાત સરકાર એડમિશન ફાળવશે

કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણી તેમજ કિરણ મેડિકલ કોલેજના ડીન ડો.આર.ડી.પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રના આરોગ્ય વિભાગે આ વર્ષથી એમબીબીએસની 150 સીટ તેમજ આગામી વર્ષથી ફર્સ્ટ એમબીબીએસની 200 સીટની માન્યતા આપી છે.

ગુજરાત સરકારની મેડિકલ એડમિશન કમિટીને પણ સૂચના આપી દેવામાં આવી છે કે, સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન કમિટીમાં સુરતની ત્રીજી મેડિકલ કોલેજ તરીકે કિરણ હોસ્પિટલની 150 સીટ પર પ્રવેશાર્થીઓની ફાળવણી કરવામાં આવે. કિરણ મેડિકલ કોલેજમાં 150 સીટ પૈકી 75 ટકા સીટ સ્ટેટ ક્વોટા તેમજ 25 ટકા સીટમાં અનુક્રમે 10 ટકા મેનેજમેન્ટ ક્વોટા અને 15 ટકા સીટ એન.આર.આઇ. ક્વોટા તરીકે પ્રવેશ આપવામાં આવશે.

મેડિકલ કોલેજની સાથે કિરણ હોસ્પિટલનું જોડાણ રહેશે. મેડિકલ કોલેજ વરિયાવ મુકામે ચાલશે તેમજ વિદ્યાર્થીઓ કિરણ હોસ્પિટલમાં પ્રેક્ટિકલ તાલીમ મેળવશે. એમબીબીએસ અભ્યાસક્રમની સાથે આગામી વર્ષથી એમ.ડી. તેમજ એમ.એસ.ના માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમો પણ કિરણ મેડિકલ કોલેજ ખાતે શરૂ કરવામાં આવશે.

વધુમાં સુરત શહેરમાં સરકારી મેડિકલ કોલેજ, સ્મીમેર મેડિકલ કોલેજ પછી હવે ત્રીજી મેડિકલ કોલેજના સ્વરૂપમાં કિરણ મેડિકલ કોલેજ આગામી ઓગસ્ટ માસથી કાર્યરત થઇ જશે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં સુરતની ત્રણ, નવસારી, વલસાડ, ભરૂચ અને સેલવાસની એક-એક મળીને મેડિકલ કોલેજોની સંખ્યા 7ની થઇ ગઇ છે.

Most Popular

To Top