SURAT

સુરતના આ બ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા, ફોટા થયા વાયરલ

સુરત: હાલમાં જ સુરત (Surat) શહેરના નવનિર્મિત બ્રિજ વેડ-વરિયાવના એપ્રોચ તરફ રસ્તો બેસી જવાની ઘટના બની હતી. નવા જ બ્રિજની (Bridge) નબળી કામગીરી થતાં તંત્ર પર માછલાં ધોવાયાં હતાં. તેમજ મનપાના 2 અધિકારી અને એજન્સી સામે પણ પગલાં લેવામાં આવ્યાં છે. ત્યારે શહેરના વધુ એક જર્જરિત બ્રિજની તસવીર સામે આવી છે. અશ્વિનીકુમાર રોડ પર હજી આઠ વર્ષ પહેલાં બનાવાયેલા પ્રમુખ સ્વામી બ્રિજ (Pramukh Swami Bridge) પર પણ ખાડા દેખાવા લાગ્યા છે. જેથી આ અંગે પણ વિજિલન્સ તપાસ કરવા માંગ ઊઠી છે.

  • પ્રમુખ સ્વામી બ્રિજ પર ખાડાઓની ભરમાર
  • બ્રિજ બન્યાનાં 8 જ વર્ષમાં બિસ્માર હાલત થઈ
  • બ્રિજની કામગીરી માટે વિજિલન્સ તપાસની માંગણી

વેડ-વરિયાવ બ્રિજમાં એપ્રોચનો ભાગ બેસી જતાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. નવા જ બ્રિજની આ હાલત થતાં મનપા કમિશનરે તાકીદે વિજિલન્સ તપાસ પણ સોંપી હતી અને વિજિલન્સ તપાસના રિપોર્ટના આધારે મનપાના બે અધિકારી સામે કડક પગલાં પણ લેવામાં આવ્યાં હતાં.

સાથે જ શાસકોએ શહેરના તમામ બ્રિજના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ મંગાવ્યા છે. અને બ્રિજના હેલ્થ કાર્ડ બનાવવાની સૂચના અપાઈ છે, ત્યારે શહેરના અશ્વિનીકુમાર રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ફ્લાય ઓવર બ્રિજની હાલત પણ ખરાબ થઈ ચૂકી છે.

પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ આ બ્રિજ પર ભ્રષ્ટાચારના ખાડા પડ્યા હોવાના આક્ષેપ કર્યા છે. બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે. જેના કારણે વાહનચાલકોને પણ જોખમ છે. બ્રિજની આવી હાલતને કારણે અકસ્માની ભીતિ પણ સેવાઈ રહી છે. અશ્વિનીકુમારથી જીઆઇડીસી તરફ જતા પ્રમુખ સ્વામી બ્રિજ બ્રિજ પર 50 જેટલા ખાડા પડી ગયા છે.

બ્રિજ બન્યાનાં 8 જ વર્ષમાં બ્રિજની આવી હાલત થઈ જતી હોય, બ્રિજની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. જેથી આ અંગે બ્રિજમાં ઉપયોગમાં લેવામાં આવેલા મટિરિયલ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે અને વિજિલન્સ તપાસ કરાવવા માટે પૂર્વ કોર્પોરેટરે માંગ કરી છે.

Most Popular

To Top