નવી દિલ્હી: એક તરફ મહારાષ્ટ્રમાં (Maharashtra) મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે તો બીજી તરફ મોદી કેબિનેટમાં (Modi Cabinet) વહેલી તકે ફેરબદલની ચર્ચાએ જોર પકડ્યું છે. આ વચ્ચે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) મોટી બેઠક બોલાવી હતી. પીએમ મોદીએ આ બેઠક પ્રગતિ મેદાનના કન્વેન્શન સેન્ટરમાં બોલાવી હતી. તમામ મંત્રીઓને આ બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. અહીં તમામ મંત્રીઓ પોતપોતાના વિભાગના કામોની વિગતો આપશે. જેના આધારે મોદી સરકારના કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવશે. જે સપ્ટેમ્બરમાં G20 સમિટનું આયોજન કરશે.
NCP નેતા પ્રફુલ્લ પટેલ, અકાલી દળની હરસિમરત કૌરને મોદી કેબિનેટમાં સ્થાન મળવાની ચર્ચા છે. ભાજપના ટોચના નેતૃત્વની અનેક રાઉન્ડની બેઠકો બાદ કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલની શક્યતા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
અગાઉ આ અંગે PM મોદીના નિવાસસ્થાને 4 કલાકની બેઠક કરવામાં આવી
આ પહેલા 29 જૂન બુધવારના રોજ પીએમ મોદીના નિવાસસ્થાને પણ એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષ હાજર હતા. મળતી માહિતી મુજબ આ બેઠકમાં કેબિનેટ અને સંગઠનમાં ફેરબદલ અંગે ચર્ચા થઈ હતી. આ બેઠક 4 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. ભૂતકાળમાં જેપી નડ્ડા, અમિત શાહ અને બીએલ સંતોષે ઘણા મોટા સંઘ નેતાઓ સાથે ઘણી બેઠકો કરી હતી.
મોદી સરકારના બીજા કાર્યકાળમાં અત્યાર સુધી માત્ર એક જ ફેરબદલ
મળતી માહિતી મુજબ મોદી સરકારના બીજા કાર્યકાળમાં અત્યાર સુધી માત્ર એક જ ફેરબદલ કરવામાં આવ્યો છે. તે દરમિયાન ઘણા મોટા નેતાઓને કેબિનેટમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો, જેમાંથી રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, હર્ષવર્ધન સિંહ અને સંતોષ કુમાર ગંગવારના નામ મુખ્ય હતા. આ સાથે ફેરબદલમાં ઘણા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ કંઈક આવું જ થવાનું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રના પ્રવાસ પર જશે
બીજી તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 થી 7 જુલાઈ સુધી કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રના પ્રવાસે જશે અને આ દરમિયાન તેઓ બે કોન્વોકેશનમાં હાજરી આપશે. મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ સોમવારે કર્ણાટકના મુડેનાહલ્લી સ્થિત શ્રી સત્ય સાઈ યુનિવર્સિટી ફોર હ્યુમન એક્સેલન્સના બીજા દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે. તેઓ સાંજે રાજ્ય રાજભવન ખાતે PVTGs (ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો) ના સભ્યો સાથે વાર્તાલાપ કરશે. તેમજ 4 જુલાઈએ રાષ્ટ્રપતિ મુર્મુ હૈદરાબાદમાં અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિના સમાપન સમારોહમાં હાજરી આપશે અને સભાને સંબોધશે.