સુરત: સુરત શહેરમાં કોહિનૂર માર્કેટના એક વેપારી તેમની મોપેડ ઉપર પસાર થઈ રહ્યા હતાં તે દરમિયાન સ્ટિયરીંગ ઉપર તેમને અજુગતો સ્પર્શ થયાનો અહેસાસ થયો હતો અને તેમણે મોપેડને થંભાવી દઈને નિરીક્ષણ કર્યું ત્યારે એક મસમોટો સાપ વાહનમાં ભરાયો હોવાની જાણ થઇ હતી. સાપને જોતાની સાથે જ વાહનચાલક ખુબ જ ભયભીત થઇ ગયો હતો.
- કાપડ વેપારીની મોપેડમાંથી પ્રગટ્યા નાગરાજ: અત્યંત ઝેરી કાળોતરા સાપને રેસ્ક્યુ કરાયો
- પારલે પોઈન્ટ ઓવરબ્રિજ પરથી પસાર થતી વેળા વેપારીને અજુગતો સ્પર્શ થયો, મોબાઈલની ટોર્ચથી જોયું તો ગભરાઈ ઉઠ્યાં
- પ્રયાસની ટીમ પણ ચોંકી, કારણકે શહેરી વિસ્તારમાં ભાગ્યે જ ખડચીતરા તરીકે ઓળખાતો આ સાપ જોવા મળે છે
શનિવારે મોડી રાત્રે બનેલી આ ઘટના અંગે પ્રયાસની ટીમના દર્શન દેસાઈએ જણાવ્યું હતું કે, કોહિનૂર માર્કેટમાં કાપડનો વેપાર કરતાં વેપારી તેમનું મોપેડ હાંકી રહ્યા હતા ત્યારે તેમને કંઈક અલગ જ પ્રકારનો સ્પર્શ થતાં તેમણે પાર્લે પોઇન્ટ પુલ ઉપર જ પોતાનું મોપેડ સાઈડ ઉપર રોકી દીધું હતું.
મોબાઈલની ટોર્ચથી જોતાં અંદર સાપ હોવાનું માલુમ પડ્યું હતું. થોડી ક્ષણ માટે તો વાહનચાલક ગભરાઈ ગયો હતો. તેણે તાત્કાલિક પ્રયાસના વોલેન્ટિયરોને જાણ કરતા વોલેન્ટિયરો ઘટનાસ્થળ ઉપર પહોંચી ગયા હતા અને એક્ટિવાના આગળના ભાગને તોડીને એક કલાકની મહેનત બાદ સાપને બહાર કાઢ્યો હતો.
દર્શન દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ સાપ અત્યંત ઝેરી સાપની પ્રજાતિમાં આવતો ખડચીતરો નામથી ઓળખાતો સાપ છે, જે જોઈને અમે પણ ચોંકી ગયા હતા. કારણ કે, આ પ્રકારના સાપ શહેરમાં જવલ્લે જ જોવા મળતા હોય છે. જો આ સાપ કરડે અને સારવારમાં વિલંબ થાય તો જીવ પણ જઈ શકે છે. ગુજરાતીમાં આ સાપને કાળોતરો પણ કહેવામાં આવે છે. આ સાપે જંગલમાં છોડી મુકવાની વ્યવસ્થા કરાઇ હતી.