પણામાંથી મોટા ભાગનાને NIOS (National Institute of Open Schooling) વિષે ખબર નથી. કોઈ શાળા જ્યારે પોતાના વિદ્યાર્થીઓ નાપાસ થતાં હોય- ખાસ કરીને ધો.10ની બોર્ડની પરીક્ષામાં- ત્યારે NIOSમાં પ્રવેશ લેવાની વાલીને ભલામણ કરતી હોય છે. એવું જ એક વાલી મુલાકાત માટે આવ્યું અને ઘણા બધા પ્રશ્નો એક સાથે પૂછી નાંખ્યા.- NIOSનું સર્ટિફિકેટ માન્ય ગણાશે? કોલેજમાં પ્રવેશ લેતી વખતે કોઈ તકલીફ પડશે તો? એવી જ રીતે એક પિતાએ દીકરી ધો.12માં બે વખત ફેઈલ થતાં NIOSમાં પ્રવેશ લઈ લીધો. સાથે જ દીકરાની માંદગીનાં કારણોસર શાળામાં ધો.11માં હાજરી ઓછી પડતાં શાળાના આચાર્યે પરીક્ષા આપવા દેવામાં ઈન્કાર કર્યો તો એમના દીકરાનો પણ NIOSમાં પ્રવેશ લઈ લીધો. અહીંયા સામાન્ય રીતે પ્રશ્નો થાય કે ફરી ધો.11નું રીપીટ કરાવી શકાશે? દીકરીને ફરી એક ટ્રાયલ આપવા માટે શાળામાં પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવે તો?
મિત્રો આજે થોડા વધુ માહિતગાર થઈએ કે NIOS શું છે? એના ફાયદા શું? કોના માટે? એનું સર્ટિફિકેટ કેટલી યુનિવર્સિટીમાં માન્ય ગણાય? કારકિર્દીમાં કોઈ મુશ્કેલી આવી શકે કે સરળતાથી વિદ્યાર્થી આગળ જઈ શકે? નેશનલ ઈન્સ્ટીસ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) જે અગાઉ નેશનલ ઓપન સ્કૂલ (NOS) તરીકે જાણીતી હતી તેની સ્થાપના નવેમ્બર, 1989માં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય (MOE) દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ના અનુસંધાનમાં એક સ્વાયત્ત સંસ્થા તરીકે કરવામાં આવી હતી. NIOS વિદ્યાર્થીઓનાં વિવિધ જૂથોને પ્રાથમિક, માધ્યમિક અને વરિષ્ઠ માધ્યમિક, વ્યાવસાયિક અને કૌશલ્ય શિક્ષણ પૂરું પાડે છે. તે એવા વિદ્યાર્થીઓને લવચિક શિક્ષણ પ્રદાન કરે છે જેમને નિયમિત શિક્ષણમાં પ્રવેશ લેવાની સુવિધા નથી. ખાસ કરીને પ્રાથમિક ધોરણના અભ્યાસ પછી ધો.9, 10, 12માં નાપાસ તથા વિકલાંગ બાળકોને માટે આશીર્વાદ સમાન છે.
NIOS ગ્રામીણ અને શહેરી લોકો માટે સમાન તક પૂરી પડે છે. સમાજનાં વિવિધ વંચિત જૂથો/વર્ગો માટે એક સમાન પ્રવેશની ઉજ્જવળ તક છે, બેરોજગાર કે અંશત: રોજગારી ધરાવતા લોકો વિવિધ વ્યાવસાયિક કુશળતા (Vocational Skills) વિકસાવવા, વિવિધ કારણોસર શાળા છોડનારા પણ આમાં પ્રવેશ લઈ પોતાનો અધૂરો અભ્યાસક્રમ પૂર્ણ કરી કારકિર્દીનાં ઉચ્ચ સ્તરે આગળ વધી શકે છે.
શું NIOS દ્વારા અપાયેલ ધો.10-12નું પ્રમાણપત્ર ઉચ્ચ શિક્ષણ માટે માન્ય ગણાશે?
NIOS દ્વારા જારી કરાયેલા માધ્યમિક અને વરિષ્ઠ માધ્યમિક પ્રમાણપત્રો એસોસિયેશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC), ઘણી અન્ય યુનિવર્સિટીઓ, ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ, શાળા શિક્ષણના અનેક બોર્ડ, શિક્ષણ મંત્રાલય અને શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા માન્ય છે.
શા માટે નિયમિત શાળા નહીં ને NIOSમાં પ્રવેશ લેવાનો?
પ્રીન્સી ધો.12માં પ્રથમ અને બીજી ટ્રાયલમાં ત્રણ વિષયમાં નાપાસ છે. શાળામાં પરીક્ષા માટે રજીસ્ટ્રેશન તો કરાવી શકાય છે પણ બહારના ખાનગી ટ્યુશન જેમાં આર્થિક રીતે વધારે ફીનું ભારણ વાલીઓએ ઉઠાવવું પડે છે. સાથે જ નિયમિત શાળામાં ન હોવાથી ટ્યુશન વર્ગમાં એકલતા મહેસૂસ થાય છે જેની માનસિક અસરના લીધે તાણ અનુભવાય છે. વધુમાં વિદ્યાર્થી નાપાસ થાય એટલે શાળાની ટકાવારી નીચે આવતા સંચાલકોને વધુ ઉત્સાહ હોતો નથી. હવે પ્રીન્સીનો પ્રવેશ NIOSમાં લીધો છે, જેની ફી નજીવી હોય છે.
અભ્યાસક્રમ NCERT મુજબ હોય છે. જેનું પૂરતું મટીરિયલ સોફ્ટ અને હાર્ડ કોપીમાં ઉપલબ્ધ છે. સાથે જ વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે ફિઝિકલ – Offline વર્ગો પણ લેવામાં આવે છે અને ખાસ કે પ્રીન્સી ત્રણ વિષયમાંથી બે વિષયમાં પણ ઓક્ટોબરમાં પરીક્ષા આપી શકશે અને બાકીના એક વિષયની એપ્રિલમાં. આમ વિદ્યાર્થી પોતાની સ્પેસ/ ઝડપ પ્રમાણે પરીક્ષાઓ આપી શકે છે. જ્યારે બોર્ડમાં આવી સુવિધા ઉપલબ્ધ નથી. વિદ્યાર્થીએ નાપાસ થયેલા બધા જ વિષયોમાં એક સાથે પરીક્ષા આપવી પડતી હોય છે જે કદાચ બધા માટે સહજ નથી.
હવે પ્રીન્સી ધો.12માં ગુજરાત બોર્ડમાં હતી. તો પ્રશ્ન થાય કે જે વિષયોમાં તેણી પાસ છે તેની પરીક્ષા પણ આપવી પડે કેમ કે NIOS NCERT – CBSEનો પ્રોજેક્ટ છે. જેથી વિવિધતાસભર જૂથોને યુનિફોર્મિટી મળી રહે. ના, તમે ગમે તે બોર્ડમાં ભણ્યા હો, પરીક્ષામાં પાસ થયા હો તે બધી જ ક્રેડીટ કેરી ફોરવર્ડ થાય અને એને માન્ય ગણાય. આમ વિદ્યાર્થીએ ફરી બધા જ (પાસ થયેલા) વિષયોની પરીક્ષા આપવી નથી પડતી.
ધો.10 ફેઈલ વિદ્યાર્થી જ પ્રવેશ મેળવી શકે?
ના, ધો. 8 / 9 ફેઈલ વિદ્યાર્થી હોય અને એણે 14 વર્ષ પૂર્ણ કર્યાં હોય તો તે ધો.10માં પ્રવેશને પાત્ર રહે છે.
NIOS ધો.12 પાસનું સર્ટિફિકેટ પછી કોલેજ કર્યા પછી UPSC/GPSC/ Army, Navy કે અન્ય સરકારી વિભાગની પરીક્ષા આપવા માટેની લાયકાતમાં માન્ય ગણાશે?
આ સર્ટિફિકેટ ભારતમાં કોઈ પણ આગળના શિક્ષણ માટે માન્ય છે અને તમામ પ્રકારની સરકારી નોકરીઓ માટે પણ માન્ય છે.
આમ દરેક રાજ્યમાં, દરેક શહેરમાં, NIOS વિદ્યાર્થીઓને તેમની પસંદગીના વિષયો અને કાર્યક્રમો પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે. સાથે સાથે તેમને તેમની આરામદાયક ગતિએ શીખવા દે છે.
વધુ માહિતી nios.ac.in પર જોઈ શકાશે.
‘A man without education is like a building without Foundation.’