આણંદ : આણંદ નગરપાલિકા દ્વારા સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી 180.62 લાખના ખર્ચે નિર્માણ પામેલા પાંચ રસ્તાઓના કામ અને ટીપી-8ના ફા.પ્લોટ નંબર 204માં રૂ.84.21 લાખના ખર્ચે થયેલા બગીચાના કામનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અને સાંસદ મિતેષભાઇ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આણંદ નગરપાલિકા સતત કાર્યરત રહીને વિકાસના નવા આયામો હાંસલ કરી રહી છે. તેમણે આગામી સમયમાં આણંદ નગરપાલિકા વિકાસની નવી દિશામાં ઝડપભેર આગળ વધશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ તકે સાંસદ મિતેષભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ નવ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ઉજવી રહ્યું છે. આણંદ નગરપાલિકા પણ તેમાં સહભાગી બની વિકાસને વેગ આપવાનું કાર્ય કરી રહી છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ છાયાબા ઝાલા, ચીફ ઓફિસર એસ.કે ગરવાલ, નગરપાલિકાના ચેરમેન-સદસ્યો, અગ્રણી સર્વ રાજેશભાઈ પટેલ, નીરવ અમીન, મયુર સુથાર સહિત નગરપાલિકાના અધિકારી – કર્મચારીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.