Columns

સમાન નાગરિક ધારો 100 કરોડ હિન્દુઓ માટે પણ હાનિકારક હશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્ય પ્રદેશના ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષો UCC એટલે કે સમાન નાગરિક સંહિતાના નામે મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતના ચૂંટણીલક્ષી રાજકારણમાં સમાન નાગરિક સંહિતાના મુદ્દાને કાયમ ધર્મના અરીસામાં જોવામાં આવી રહ્યો છે. મુસ્લિમો તેનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવાં હિન્દુ સંગઠનો તેનું સમર્થન કરી રહ્યા છે. દેશનાં ૧૦૦ કરોડ હિન્દુઓ પૈકી બહુમતી હિન્દુઓને ખબર જ નથી કે આ સંહિતાથી તેમને લાભ થશે કે નુકસાન? આ બાજુ જૈનો નક્કી નથી કરી શકતાં કે તેનો વિરોધ કરવો કે સમર્થન કરવું? ગ્લોબલ દિગંબર નામની જૈન સંસ્થાએ કાયદા પંચને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે કે જો સમાન નાગરિક ધારો આવશે તો દિગંબર જૈન સાધુઓ સમાજમાં વસ્ત્રો વગર ફરી નહીં શકે તેની તેમને ચિંતા છે.

જૈન સાધુઓ ભિક્ષા લઈને પોતાનો જીવનનિર્વાહ કરે છે. જો સમાન નાગરિક સંહિતા આવશે તો તેઓ કદાચ ભિક્ષા માંગવા પણ જઈ નહીં શકે. સરકારની દલીલ છે કે યુનિફોર્મ સિવિલ કોડનો હેતુ દેશમાં હાજર તમામ નાગરિકોના વ્યક્તિગત કાયદાને સમાન બનાવવાનો છે, જે કોઈ પણ ધાર્મિક, લિંગ અથવા જાતિના ભેદભાવ વિના લાગુ થશે. ઘણા મુસ્લિમ નેતાઓનું કહેવું છે કે સરકારે મુસ્લિમોને નિશાન બનાવવા માટે UCCનો મુદ્દો ઉઠાવ્યો છે. પરંતુ શું યુનિફોર્મ સિવિલ કોડ માત્ર મુસ્લિમોને અસર કરશે? ભારતમાં, વિવિધ સમુદાયોમાં તેમના ધર્મ, આસ્થા અને માન્યતાના આધારે લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર અને દત્તક લેવાની બાબતોમાં જુદા જુદા કાયદા છે. UCC આવ્યા પછી ધર્મ, લિંગ અને જાતીય અભિગમને ધ્યાનમાં લીધા વિના ભારતમાં દરેકને એક જ કાયદો લાગુ થશે. ભારતના હિન્દુ સમાજમાં સગોત્ર વિવાહને સામાજિક ગુનો માનવામાં આવે છે. જો સમાન નાગરિક સંહિતા આવશે તો સગોત્ર વિવાહ સામે જ્ઞાતિનાં પંચો પગલાં લઈ નહીં શકે.

દેશમાં સમાન નાગરિક સંહિતાની હિમાયત કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘‘એક જ પરિવારમાં બે લોકો માટે અલગ-અલગ નિયમો હોઈ શકે નહીં. આવી બેવડી સિસ્ટમથી ઘર કેવી રીતે ચાલશે? જે લોકો ટ્રિપલ તલાકની હિમાયત કરે છે તેઓ વોટબેંકના ભૂખ્યા છે અને મુસ્લિમ દીકરીઓ સાથે ઘોર અન્યાય કરી રહ્યા છે. ટ્રિપલ તલાક માત્ર મહિલાઓ માટે ચિંતાનો વિષય નથી, પરંતુ તે સમગ્ર પરિવારને અસર કરે છે. કેટલાંક લોકો મુસ્લિમ દીકરીઓના માથા પર ટ્રિપલ તલાકની ફાંસી લટકાવવા માંગે છે, જેથી તેઓ તેમનું શોષણ ચાલુ રાખવાની સ્વતંત્રતા મેળવી શકે.’’ વડા પ્રધાન મોદી એ વાત ભૂલી જાય છે કે મુસ્લિમોમાં તલ્લાકની પ્રથા છે તેમ ઉચ્ચ વર્ગનાં હિન્દુઓમાં ક્યારેય છૂટાછેડા આપવામાં આવતા નહોતા. ૧૯૫૫માં પંડિત જવાહરલાલ નેહરુ ભારતમાં હિન્દુ કોડ બિલ લાવ્યા તે પછી હિન્દુઓમાં પણ છૂટાછેડાને કાનૂની માન્યતા મળી ગઈ છે. જો હિન્દુ કોડ બિલથી હિન્દુ સમાજને નુકસાન થયું હોય તો સમાન નાગરિક સંહિતાથી તેમને કઈ રીતે ફાયદો થશે?

હિન્દુવાદી સંગઠનો લાંબા સમયથી દેશમાં તમામ લોકો માટે સમાન કાયદાની માંગ કરી રહ્યાં છે. એક રાષ્ટ્ર એક કાયદાની માંગથી હિંદુઓને કેવી અસર થશે? આ સવાલ પર સુપ્રીમ કોર્ટના વકીલ શાહરૂખ આલમ કહે છે કે જ્યારે અમને ખબર પડશે કે કેવો કાયદો આવવાનો છે ત્યારે તે કહી શકાય. હિંદુ પર્સનલ લોમાં ઘણા સુધારા થયા છે, જે મુસ્લિમ પર્સનલ લોમાં ક્યારેય થયા નથી. ઉદાહરણ તરીકે, વર્ષ ૨૦૦૫ પછી હિન્દુ કાયદા હેઠળ પુત્રીઓને પણ પૈતૃક સંપત્તિમાં અધિકાર મળ્યો. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું હિંદુ પુત્રીઓને પૈતૃક સંપત્તિમાં વારસાનો અધિકાર મળ્યો તેથી હિંદુ સમાજને ફાયદો થયો છે? તેનાથી તો કુટુંબોમાં ઝઘડા વધી ગયા છે.

હિંદુ પરંપરા મુજબ પુત્રી લગ્ન કરીને સાસરે જાય ત્યારે જ તેને તેનો હિસ્સો દહેજના રૂપમાં મળી જતો હોય છે. દહેજને કાયદા દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યું તેને કારણે પુત્રીઓનો તે હક્ક ડૂબી ગયો હતો. પર્સનલ લોને સમાન નાગરિક સંહિતાના ધોરણ તરીકે ગણી શકાય? આ અંગે શાહરૂખ આલમ કહે છે કે હિંદુ મેરેજ એક્ટ હેઠળ પણ તમે તમારા પતિથી તલાક ત્યારે જ લઈ શકો છો જ્યારે તમારા લગ્નજીવનમાં કોઈ સમસ્યા હોય. કોઈ સમસ્યા વિના લગ્નમાંથી બહાર નીકળવાની કોઈ જોગવાઈ નથી. ક્યાં તો પરસ્પર સમજૂતી હોય અથવા તમે કોઈ સમસ્યા બતાવો. લોકોને ઘણા ખોટા આરોપો લગાવવા માટે મજબૂર કરવામાં આવે છે. આ વિચિત્ર કાયદાને કારણે કોઈ સ્ત્રીને જ્યારે છૂટાછેડા જોઈતા હોય ત્યારે તે પતિ અને સાસરિયા સામે દહેજનો કેસ કરવા પ્રેરાય છે.

નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી, બેંગ્લોરમાં ભણતાં સરસુ થોમસ કહે છે કે ‘‘UCC ના અમલીકરણ સાથે હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) સમાપ્ત થશે. હિન્દુ કાયદા અનુસાર પરિવારના સભ્યો HUF બનાવી શકે છે. HUF ને આવકવેરા કાયદા હેઠળ અલગ એન્ટિટી તરીકે ગણવામાં આવે છે. હવે પરિવારની મિલકતમાં દીકરીઓનો પણ હિસ્સો છે અને આ અંતર્ગત તેમને ટેક્સ જવાબદારીઓમાં થોડી છૂટ મળે છે. જો દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે તો હિન્દુ અવિભાજિત કુટુંબને મળતા લાભો બંધ થશે અને સંયુક્ત કુટુંબો ખતમ થઈ જશે.’’

સરસુ થોમસ એમ પણ કહે છે કે નવા કાયદામાં શું થવાનું છે તેની કોઈને જાણ નથી. જો કે તેઓ લગ્ન સંબંધિત હિંદુઓના અલગ-અલગ રિવાજોના અંત વિશે વાત કરે છે. તેઓ કહે છે કે દક્ષિણ ભારતમાં સંબંધીઓ વચ્ચે લગ્ન થઈ શકે છે, પરંતુ UCC આ તમામ રિવાજો ખતમ કરશે. સુપ્રીમ કોર્ટના ઓન-રેકોર્ડ એડવોકેટ રોહિત કુમાર યુસીસીના વિરોધ અંગે અલગ અભિપ્રાય ધરાવે છે. તેઓ કહે છે કે જ્યારે પણ પર્સનલ લોની ચર્ચા આવે છે ત્યારે ચર્ચા હિંદુ અને મુસ્લિમ પર્સનલ લોની હોય છે. આવું એટલા માટે થાય છે કારણ કે દેશમાં આ બે સમુદાયોની સંખ્યા બહુમતીમાં છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપતાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું છે કે ‘‘જો UCC લાગુ કરવામાં આવશે તો આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાઓનું શું થશે? છત્તીસગઢમાં આદિવાસીઓ છે. તેમના નિયમો રૂઢિગત પરંપરા મુજબ છે. તેઓ તેનું પાલન કરે છે. હવે જો આપણે કોમન સિવિલ કોડ બનાવીએ તો તેમને નુકસાન થશે.’’ ઝારખંડના ૩૦ થી વધુ આદિવાસી સંગઠનોએ પણ નિર્ણય લીધો છે કે તેઓ કાયદા પંચ સમક્ષ સમાન નાગરિક સંહિતાનો વિચાર પાછો ખેંચવાની માંગ કરશે.

આ આદિવાસી સંગઠનોનું માનવું છે કે UCCને કારણે આદિવાસીઓની ઓળખ જોખમમાં આવશે. આદિજાતિ સમન્વય સમિતિના બેનર હેઠળ ગત રવિવારે રાંચીમાં ૩૦ થી વધુ આદિવાસી જૂથોએ આ મુદ્દા પર એક બેઠક યોજી હતી. આદિવાસી જન પરિષદના પ્રમુખ પ્રેમ સાહી મુંડાએ જણાવ્યું હતું કે આદિવાસીઓનો તેમની જમીન સાથે ઊંડો સંબંધ છે. તેમણે કહ્યું હતું કે અમને ડર છે કે છોટા નાગપુર ટેનન્સી એક્ટ અને સંથાલ પરગણા ટેનન્સી એક્ટ જેવા બે આદિવાસી કાયદાઓ UCCને કારણે ખતમ થશે. આ બંને કાયદા આદિવાસીઓની જમીનને રક્ષણ આપે છે. જો UCC લાગુ કરવો હોય તો સરકારે હિન્દુઓ ઉપરાંત લઘુમતીમાં રહેલા મુસ્લિમોની અને જૈનોની ચિંતા પણ દૂર કરવી પડશે.

Most Popular

To Top