સુરત: દિવાળીમાં બોનસ તરીકે કાર ગિફ્ટમાં આપીને દેશભરમાં જાણીતા થયેલા સુરતના હીરા ઉદ્યોગકાર સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. ઈચ્છાપોરના જીએમ ડાયમંડ પાર્કમાં આવેલી રાધે બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગતા કંપનીની અંદર કામ કરતા રત્નકલાકારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગે કોલ મળતા જ ઘટના સ્થળે દોડી જઈ આગ કાબુમાં લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે શુક્રવારે સવારે ઈચ્છાપોરના જ્વેલરી પાર્ક ખાતે આવેલી હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં આગ લાગી હતી. કોલ મળતા ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ દોડી ગઈ હતી અને ત્રીજા માળે લાગેલી આગને હાઈડ્રોલિકની મદદથી પાણીનો મારો ચલાવી ઓલવી હતી. આ આગમાં સોફા, કમ્પ્યૂટર સહિતનો સામાન બળી ગયો હતો. કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયરના સૂત્રોના જણાવ્યા અનુસાર ઈચ્છાપોર જ્વેલરી પાર્કમાં રાધે બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગી હતી. આ બિલ્ડિંગ છ માળની છે. સવારે 8.37 વાગ્યે કોલ આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચી લગભગ એક કલાક સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો ત્યારે આગ ઓલવાઈ હતી. રત્નકલાકારો સમયસર નીચે ઉતરી જતા કોઈ જાનહાનિ થઈ નથી.
રૂદરપુરા વોરાવાડમાં જર્જરિત ઇમારતની છત તૂટીને જમીનદોસ્ત થઇ
સુરત: શહેરના રૂદરપુરા વિસ્તારમાં આવેલા વોરાવાડમાં ગુરુવરે સવારના સમયે જર્જરિત થઇ ગયેલી ઇમારતનો છતનો હિસ્સો તુટી પડવાથી અફરા તફરી ભર્યો માહોલ સર્જાયો હતો.ત્રણ માળના મકાનમાં પહેલા માળની સીલિંગ તુટીને લાકડાનો કાટમાળ ઘરમાં જ જમીનદોસ્ત થઇ ગયો હતો. ઘાચીશેરી ફાયરની ટીમે કાટમાળ હટાવવાની કામગીરી કરી હાથ ધરી હતી.
પ્રાપ્ત જાણકારી મુજબ નવસારી બજાર રૂદરપૂરા વોરાવાડ લક્ષ્મીનારાયણ મંદિરની પાછળ આઝાદ મેમણનું ત્રણ માળનું મકાન આવ્યું છે. તેમાં ભાડુઆત તરીકે શુભાષ નાયકા રહે છે.
ગુરુવારે સવારે 10:27 કલાકે મકાનનો જર્જરિત થઇ ગયેલા પહેલા માળની સીલિંગનો ભાગ ભાગ તુટીને ઘરમાં જ પડી ગયો હતો. સવારના સમયે ધડાકા સાથે સીલિંગ તુટી પડવાની ઘટના ઘટતા શેરીના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.સ્થાનિકોઓ ઘટના અંગે ફાયર કંટ્રોલને જાણ કરતા ઘાચી શેરી ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચીને કાટમાળ હટાવી લેવાની કામગિરીમાં લાગી ગયો હતો. ફાયર સબ ઓફિસસર રસિક ગામિતે જણાવ્યું હતું કે, ત્રણ માળનું આ મકાન છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત અવસ્થામાં છે. મનપાએ મકાન ખાલી કરવા માટેની નોટીસ આપી હોવા છતાં તેને ખાલી કરવામાં આવ્યું ન હતું. આજે સવારે સીલિંગ હિસ્સો જમીનદોસ્ત થઇ ગયો હતો જેને કારણે લાકડાના કાટમાળનો મોટો હિસ્સો ઘરના જ ફ્લોર ઉપર પડ્યો હતો. જોકે ઘટનામાં કોઈ પણ જાન હાની થઇ ન હોવાની જાણકારી ફાયરના સૂત્રોએ આપી હતી.