ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુર ૫૬ દિવસથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. અત્યાર સુધીમાં ૧૨૦ થી વધુ લોકોનાં મોત થયાં છે. ત્રણ હજારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે અને લગભગ ૫૦ હજાર લોકો તેમનાં ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવા મજબૂર બન્યાં છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે હિંસાની આગમાં સળગી રહેલા મણિપુર પહોંચ્યા છે. રાહુલ અહીં બે દિવસ રોકાશે. આ દરમિયાન રાહુલ ગાંધી રાહત કેમ્પમાં રહેતાં લોકોને મળશે. રાહુલ ગાંધી માટે ભાજપ સરકારની ટીકા કરવાની અને પ્રસિદ્ધિ મેળવવાની આ સુવર્ણ તક છે.
ભાજપની હંમેશા દલીલ હોય છે કે જો ડબલ એન્જિનની સરકાર હોય તો રાજ્યનો વિકાસ ઝડપી થાય છે. મણિપુરમાં તો ડબલ એન્જિનની સરકાર હોવા છતાં વિકાસને બદલે વિનાશ થઈ રહ્યો છે. આ પહેલાં ગૃહ પ્રધાન અમિત શાહ ત્રણ દિવસ મણિપુરમાં રહી આવ્યા. આખા રાજ્યનું તંત્ર પોતાના હાથમાં લઈને તેમણે હિંસાની જ્વાળા ઠારવાનો પ્રયાસ કર્યો, પણ તેમાં તેઓ સરિયામ નિષ્ફળ ગયા. તેમના ગયા પછી ઉશ્કેરાયેલાં તોફાની ટોળાંએ મણિપુરના ભાજપના જ બે પ્રધાનોના ઘરમાં આગ ચાંપી હતી.
મણિપુરમાં તા. ૩ મે ના રોજ કુકી સમુદાય દ્વારા કાઢવામાં આવેલી આદિવાસી એકતા માર્ચ દરમિયાન કુકી અને મીતેઈ સમુદાય વચ્ચે હિંસક અથડામણ થઈ હતી ત્યારથી ત્યાં સ્થિતિ તંગ બની છે. નિષ્ણાતો માને છે કે આ હિંસા માત્ર વાતચીત દ્વારા જ શાંત થઈ શકે છે, પરંતુ સમસ્યા એ છે કે કોઈ વાતચીત માટે તૈયાર નથી થઈ રહ્યું. આ રેલી મીતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં કાઢવામાં આવી હતી. તા. ૨૦ એપ્રિલે મણિપુર હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એમ.વી. મુરલીધરન દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય સરકારને મીતેઇ સમુદાયને આદિજાતિનો દરજ્જો આપવાની માંગણી પર વિચાર કરવા જણાવાયું હતું. મણિપુર હાઈકોર્ટના આ આદેશ બાદ નાગા અને કુકી જનજાતિનાં લોકો રોષે ભરાયાં હતાં.
મણિપુરમાં મીતેઈ સમુદાયની વસ્તી ૫૩ ટકાથી વધુ છે. આ બિનઆદિવાસી સમુદાયો મોટા ભાગે હિન્દુઓ છે. તે જ સમયે ખ્રિસ્તી કુકી અને નાગાની વસ્તી લગભગ ૪૦ ટકા છે. રાજ્યમાં આટલી મોટી વસ્તી હોવા છતાં મીતેઈ સમુદાય ફક્ત ખીણમાં જ સ્થાયી થઈ શકે છે. મણિપુરનો ૯૦ ટકાથી વધુ વિસ્તાર પર્વતીય છે. માત્ર ૧૦ ટકા ખીણ છે. પહાડી વિસ્તારોમાં નાગા અને કુકી સમુદાયો અને ખીણમાં મીતેઈનું વર્ચસ્વ છે. મીતેઈ સમુદાય વતી મણિપુર હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે ૧૯૪૯ માં મણિપુર ભારતનો ભાગ બન્યું હતું. તે પહેલાં મીતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો હતો પરંતુ બાદમાં તેને એસ.ટી. યાદીમાંથી કાઢી નાંખવામાં આવ્યો હતો. આ વાતમાં ભારોભાર તથ્ય છે. ૧૯૫૦માં મીતેઈ સમુદાયનો અનુસૂચિત જનજાતિનો દરજ્જો કાઢી નાખવામાં આવ્યો તેની પાછળ લઘુમતીમાં રહેલા નાગા અને કુકી ખ્રિસ્તીઓના તુષ્ટીકરણનો મુદ્દો હતો. ૨૦૨૩માં મીતેઈને તેમનો દરજ્જો પાછો આપવાના પ્રયાસો થઈ રહ્યા છે તેની પાછળ બહુમતીમાં રહેલા હિન્દુ મીતેઈના તુષ્ટીકરણની ભાજપી નીતિ છે. હકીકતમાં આ સમસ્યાના મૂળમાં અનામતની નીતિ છે, જે બે પ્રજા વચ્ચે દિવાલ ઊભી કરે છે. અનામતની નીતિને બંધારણનું સંરક્ષણ હોવાથી સરકારો તેમાં કાંઈ કરી શકે તેમ નથી.
શિડ્યુલ ટ્રાઈબ ડિમાન્ડ કમિટી મણિપુર (STDCM) એ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે અનુસૂચિત જનજાતિની યાદીમાં મીતેઈ સમુદાયનો સમાવેશ કરવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. આ અંગે કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું. એસટીડીસીએમએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે તા. ૨૯ મે, ૨૦૧૩ ના રોજ કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસેથી મીતેઇ સમુદાય સંબંધિત સામાજિક-આર્થિક વસ્તી ગણતરી અને એથ્નોગ્રાફિક રિપોર્ટ્સ માંગ્યા હતા, પરંતુ રાજ્ય સરકારે કોઈ પગલાં લીધાં ન હતાં.
આના પર મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને ચાર અઠવાડિયામાં એસ.ટી.નો દરજ્જો આપવાની મીતેઈ સમુદાયની માંગ પર વિચાર કરવાનો આદેશ આપ્યો હતો. આ અંતર્ગત ખીણમાં સ્થાયી થયેલા મીતેઈ સમુદાયના લોકો પહાડી વિસ્તારોમાં સ્થાયી થઈ શકતા નથી અને ન તો તેઓ જમીન ખરીદી શકે છે. પરંતુ પહાડી વિસ્તારોમાં સ્થાયી થયેલા કુકી અને નાગા આદિવાસી સમુદાયો પણ ખીણમાં સ્થાયી થઈ શકે છે અને જમીન ખરીદી શકે છે. આ ભૂલભરેલી સરકારી નીતિને કારણે જ નાગા, કુકી અને મીતેઈ પ્રજામાં અસમાન વિકાસ થયો છે.
મણિપુરની હિંસા પાછળ સમગ્ર મુદ્દો એ છે કે ૫૩ ટકાથી વધુ વસ્તી માત્ર ૧૦ ટકા વિસ્તારમાં જ રહી શકે છે, પરંતુ ૪૦ ટકા વસ્તી ૯૦ ટકાથી વધુ વિસ્તાર પર પ્રભુત્વ ધરાવે છે. તા. ૪ જૂને કેન્દ્ર સરકારે મણિપુરમાં થયેલી હિંસાની તપાસ માટે એક કમિશનની રચના કરી હતી. આ પંચનું નેતૃત્વ ગૌહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ અજય લાંબાને સોંપવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ કમિશન મણિપુરમાં તા. ૩ મે અને ત્યાર બાદની હિંસા અને રમખાણોનાં કારણોની તપાસ કરશે. આ પછી તા. ૧૦ જૂને કેન્દ્ર સરકારે મણિપુરમાં વિવિધ વંશીય જૂથો વચ્ચે શાંતિ સ્થાપવા અને સમુદાયો વચ્ચે સંવાદ શરૂ કરવા માટે રાજ્યપાલ અનુસુયા ઉઇકેની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની રચના કરી.
જો કે, ઘણા નાગરિક સમાજ જૂથોએ જુદાં જુદાં કારણોસર શાંતિ સમિતિનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો. આ પહેલાં ગૃહમંત્રી અમિત શાહ પણ ચાર દિવસ માટે મણિપુર ગયા હતા. તેમની સૂચનાઓને અનુસરીને કેન્દ્રે મણિપુરમાં વિસ્થાપિત લોકો માટે ૧૦૧ કરોડ રૂપિયાના રાહત પેકેજને મંજૂરી આપી છે. એટલું જ નહીં, મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવી રહ્યાં છે. ૨૭ જૂને જ આસામ રાઈફલ્સ અને નાગાલેન્ડ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં બંદૂકો, હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કર્યાં હતાં. આ બધા ઉપાયો કામચલાઉ છે. જ્યાં સુધી મૂળ સમસ્યાને ઓળખવામાં નહીં આવે ત્યાં સુધી ઉકેલ મળવાનો નથી.
ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલના પદ પર પહોંચનારા પૂર્વોત્તરના પ્રથમ અધિકારી રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ હિમાલય સિંહ કહે છે કે આ સમય આંખના બદલે આંખ માગવાનો નથી પરંતુ શાંતિ બનાવવાનો છે. તેમણે કહ્યું હતું કે ‘‘આપણે સાથે બેસીને વાત કરવી જોઈએ. ગૃહમંત્રીએ મણિપુર આવીને શાંતિ સમિતિની રચનાની જાહેરાત કરી તે સારું પગલું છે. શાંતિ સમિતિ કામ કરશે તેવી અપેક્ષા છે. વંશીય સંઘર્ષ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો બની શકે છે. આપણે બાહ્ય અને આંતરિક સુરક્ષા પડકારોના વાતાવરણમાં જીવી રહ્યા છીએ. આનો ઉકેલ લાવવો જોઈએ.
કુકી ધારાસભ્યો સાથે પણ વાત કરવી જોઈએ.’’ મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સલાહકાર રહી ચૂકેલા રજત સેઠીનું કહેવું છે કે ‘‘હવે કુકી-મીતેઈની સમસ્યા નથી રહી, પરંતુ બહારના ખેલાડીઓ પણ તેમાં કૂદી પડ્યા છે. ભારતની બહારનાં હિતોને શાંતિપૂર્ણ ભારત જોઈતું નથી. ’’ તમામ રાજકારણીઓ પોતપોતાની રીતે તુક્કાઓ લડાવી રહ્યા છે, પણ હિંસા શાંત નથી થતી. મણિપુરમાં સરકાર નિષ્ફળ નથી ગઈ પણ આખી બંધારણીય પદ્ધતિ નિષ્ફળ ગઈ છે.