સુરત : રિંગ રોડ ખાતે રાધેક્રિષ્ના ટેક્સટાઇલ માર્કેટમાં વિરમ પ્રિન્ટર્સ નામની દુકાનમાં થયેલી રોકડા 36.70 લાખની ચોરીના ગુનામાં બે આરોપીઓને પોલીસે બિહારના ભોજપુર જિલ્લાના ધનગાઈ ખાતેથી ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપી પૈકી એક ચોરી કરનારના પિતા છે. જેણે ચોરીના પૈસામાંથી 7.94 લાખ ગાદલામાં સંતાડી રાખ્યા હતા.
- ચોરી કરનાર પુત્રએ આપેલા 7.94 લાખ પિતાએ ગાદલામાં મૂકીને સીવી દીધું હતું
- પોલીસે પિતા અને તેના પુત્રના એક સાગરિત બિહારના ભોજપુરથી ઝડપી પાડ્યા, પુત્ર વોન્ટેડ
સલાબતપુરા પોલીસ પાસેથી મળતા માહિતી મુજબ વેસુ ખાતે એવન્યુ 77 ખાતે રહેતા 45 વર્ષીય પંકજભાઈ જયપ્રકાશ ભંડારી રિંગ રોડ ખાતે આવેલી રાધેક્રિષ્ના ટેક્સટાઇલ માર્કેટમાં વિરમ પ્રિન્ટર્સના નામથી કાપડનો ધંધો કરે છે. પંકજભાઈની દુકાનમાં ગત 16 જુને રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા.
તસ્કરે દુકાનમાં ઓફિસના ટેબલના ખાનામાંથી 15 દિવસના ધંધાના વકરાના રોકડા 16.70 લાખ તથા મિત્રએ સાચવવા આપેલા 20 લાખ મળીને કુલ 36.70 લાખની ચોરી કરી ગયા હતા. સીસીટીવી કેમેરાનું ડાયરેક્શન પણ બદલી નાખ્યું હતું. સલાબતપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પોલીસની ટીમને આરોપી બિહારના ભોજપુરના ધનગાઈ ખાતે હોવાની બાતમી મળી હતી. પીઆઈ રબારીએ એક ટીમ તપાસ માટે બિહાર રવાના કરી હતી. આ ટીમે બાતમી અને લોકેશનના આધારે ચોરીમાં સંડોવાયેલા સત્યેન્દ્ર નારાયણ બ્રિજનંદન સિંગ (કુર્મી ચૌધરી) (ઉ.વ.૫૭. ૨હે, દલીપપુર ધનગાઈ, ભોજપુર બિહાર) અને મૃત્યુજયકુમાર બબનસિંહ (કુર્મી) (ઉ.વ.૩૦.૨હે, દલી૫પુર. ધનગાઈ, ભોજપુર બિહાર)ને ઝડપી પાડ્યા હતા.
તેમની પાસેથી રોકડા 7.94 લાખ કબજે કરાયા હતા. પોલીસ જ્યારે ઘરે પહોંચી ત્યારે મુખ્ય આરોપી ઘરે મળી આવ્યો નહોતો. પરંતુ તેના પિતા સત્યેન્દ્રને 7.94 લાખ આપી ગયો હતો. આ રૂપિયા તેમણે ગાદલામાં મુકીને સિવી નાખ્યા હતા.
આરોપીએ નવો મોબાઈલ ખરીદતા તેનું પગેરૂ મળી ગયું
આરોપીએ ચોરી કર્યાની ફરિયાદ બાદ પોલીસની ટીમો કામે લાગી ગઈ હતી. પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી દુકાનમાં ચોરી કરનારને સીસીફૂટેજના આધારે લોકેટ કર્યો હતો. આરોપીએ ચોરી કર્યા બાદ ગોડાદરા વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી નવો મોબાઈલ ફોન ખરીદ્યો હતો.
પોલીસે તે મોબાઈલ ફોનનો આઈએમઈઆ નંબર ટ્રેસ કરતા મોબાઈલ બિહાર ખાતે એક્ટિવ થયો હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેના આધારે પોલીસ તપાસમાં પહોંચી અને આરોપીના પિતા તથા જેને મોબાઈલ વેચ્યો તે ઝડપાઇ ગયા હતા.