SURAT

ખેડૂતોએ આવું કામ કર્યું એટલે ટામેટા અને આદૂના ભાવ વધી ગયા

સુરત: છેલ્લાં ત્રણેક દિવસથી શહેરમાં ટામેટાં અને આદુ ભાવ આસમાને પહોંચ્યા છે. શહેરના છૂટક શાકભાજી માર્કેટમાં કિલો ટામેટાનો ભાવ આજે 100થી 120 રૂપિયા અને કિલો આદુનો ભાવ 200થી 250 રૂપિયા રહ્યો હતો. બકરી ઇદનાં પર્વમાં ટામેટા, લસણ અને આદુની મહત્તમ ખપત થાય છે. આ સિવાય પણ આદુ-ટામેટાંનો દરેક ઘર અને રેસ્ટોરન્ટમાં રોજિંદો વપરાશ રહે છે.

  • કર્ણાટક મહારાષ્ટ્રમાંથી આદુ-ટામેટાની સપ્લાય ઘટતાં ભાવો આસમાને પહોંચ્યા
  • આદુ 250 રૂપિયે અને ટામેટા 120 રૂપિયે કિલો પહોંચ્યા
  • 15 દિવસ પહેલા ટામેટાનો 20 કિલોનો ભાવ હોલસેલમાં 150થી 200 હતો, મંગળવારે 800 થી 1200 રૂપિયાના સોદા થયા

આ ભાવવધારા પાછળના મુખ્ય કારણ એ ધ્યાને આવ્યું છે કે જે સિઝનમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતાં નથી, એ પછીની સિઝનમાં ખેડૂતોએ શાકભાજીના ઉત્પાદનથી દૂર ભાગે છે. હવે ગુજરાતમાં ગત સિઝનમાં ટામેટાનો મબલખ પાક થયો હતો પણ ખેડૂતોને પડતર કિંમત પણ નહીં મળતાં બનાસકાંઠા, મહેસાણા સહિતના જિલ્લાના ખેડૂતોએ ટામેટાના પાક પર ટ્રેકટર ફેરવી ખાતર તરીકે ઉપયોગ કર્યો હતો.

ગુજરાત ,મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં ખેડૂતોએ આ સિઝનમાં ટામેટા અને આદુનો પૂરતો પાક લીધો ન હતો. અધૂરામાં પૂરું છેલ્લા 6 મહિના દરમિયાન ક્લાઈમેટ ચેન્જની અસરને લીધે માલ પણ ઓછો ઉતર્યો છે, જેના લીધે આદુ અને ટામેટાના ભાવો આસમાને પહોંચ્યા છે.

સુરત એપીએમસીનાં ડિરેક્ટર બાબુભાઇ શેખ કહે છે કે, સુરતમાં ટામેટા મહારાષ્ટ્રનાં કલવંત, સતાનાથી કર્ણાટકનાં બેંગલુરુ નજીકના ગામોમાંથી અને આદુ મહારાષ્ટ્રના ઔરંગાબાદ, કન્નડ વિસ્તારમાંથી આવે છે. બેંગલુરુમાં જ ટામેટાનો હોલસેલનો 20 કિલોનો ભાવ 800થી 1000 રૂપિયા ચાલે છે. એટલે કર્ણાટકમાં જ આ માલ વેચાઈ જઈ રહ્યો છે. એને લીધે સુરત માર્કેટ યાર્ડમાં માલ ઓછો આવી રહ્યો છે.

સુરત એપીએમસીમાં 15 દિવસ પહેલા ટામેટાનો 20 કિલોનો ભાવ હોલસેલમાં 150થી 200 હતો, મંગળવારે 800થી 1200 રૂપિયાના સોદા થયા હતા. એને લીધે ક્વોલિટી વાઇઝ ટામેટા છૂટક બજારમાં 80,100,120 રૂપિયે કિલો વેચાઇ રહ્યાં છે. એવી જ રીતે આદુનો 20 કિલોનો હોલસેલનો ભાવ 2500થી 3000 રૂપિયા બોલાતા છૂટકમાં આદુ ક્વોલિટી વાઇઝ 125થી 150 અને 200થી 250 રૂપિયા રહ્યા છે.આદુ અને ટામેટામાં છેલ્લા 5 વર્ષથી વેપાર નરમ રહેતો આવ્યો હોવાથી ખેડૂતોએ ઓછું ઉત્પાદન લેતા એની પણ મોટી અસર પડી છે.

ક્લાઈમેટ ચેન્જની અસરને લીધે ટામેટા, આદુના ઉત્પાદન પર વ્યાપક અસર : બાબુભાઇ શેખ
સુરત એપીએમસીનાં ડિરેક્ટર બાબુભાઇ શેખે જણાવ્યું હતું કે, ટામેટા આદુનો પાક ક્લાઈમેટ ચેન્જની અસરને લીધે ઓછો ઉતર્યો છે. ગુજરાત,મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં છેલ્લા 6 મહિના દરમિયાન વાતાવરણમાં સતત પલ્ટો જોવા મળ્યો એને લીધે પાક ખરાબ થયો છે.

સુરત એપીએમસીમાં કર્ણાટકથી સવારે જે ટામેટા આવે છે. જે ત્વરિત ફ્રીઝરમાં ન જાય તો સાંજે પચપચી જાય છે એટલે કે ખરાબ થઈ જાય છે. અગાઉ આ ટામેટા ફ્રીઝર વિના પણ 4 દિવસ તરોતાજા રહેતા હતા. ટામેટા અને આદુમાં શોર્ટ સપ્લાયનો લીધે ભાવ વધ્યા છે. ગત સિઝનમાં ખેડૂતોને આ બંને વસ્તુઓના પોષણક્ષમ ભાવો નહીં મળતાં તેમણે નવી સિઝનમાં ટામેટા,આદુનો પાક લીધો નથી. જેમણે પાક લીધો છે,એમાં 30 થી 40% પાક ખરાબ થયો છે એટલે સ્વભાવિક રીતે ભાવો હજી વધશે.

Most Popular

To Top