Charchapatra

ભક્ષક અને તશ્કરોની સાન ઠેકાણે લાવો

સુશાસન, સુવ્યવસ્થા, સુવિચાર અને સુરક્ષા આ ચાર સૂત્રમાં પ્રજા અને શાસનકર્તા બંધાયેલા હોય તો રાજા  અને રાજ્યને સુરાજ્યનું બિરુદ મળે છે. હિન્દુસ્થાનની  પ્રજા ભોળી અને શાસનકર્તા પર અડગ વિશ્વાસ રાખનારી છે. તેનો લાભ શાસનકર્તા લઇ રહ્યા છે અને પ્રજાજન મોંઘવારીના પર્વત નીચે દબાઈ છે. અસહ્ય ગરીબીના કારણે તેજસ્વી વિદ્યાર્થી શિક્ષણથી વંચિત છે. ખેડૂત અને મજૂર દુ:ખી છે. સ્ત્રી અને બાળકીઓ પર અન્યાય અને દુષ્કર્મ થઇ રહ્યું છે.

પેપરના પાને રોજ જ અપહરણ, ભેળસેળ, બળાત્કાર, ભ્રષ્ટાચાર, છેતરપિંડીની જીવંત ઘટનાનું વર્ણન છપાઈને આવે છે. આ બધું જોતાં દુ:ખ તો પ્રજા જ ભોગવી રહી છે. શાસન પર વિશ્વાસ રાખનારી પ્રજા તો સુખને જોઇ શકતી નથી. કારણ શાસક અને શાસન અલગ જ મુદ્દાને વિકસિત કરી રહ્યા છે. વિકાસનું પૂછડું પકડીને યંત્ર તંત્ર રોડ, રસ્તા, રેલ, પુલ, ફોન આદિ ભૌતિક સુધારમાં રમમાણ છે.એટલે મોંઘવારીના રાક્ષસને મારવાની હિમ્મત શાસનમાં નથી એવું કહેવું પડે છે.શાસનનું લક્ષ અત્ર તત્ર અન્યત્ર છે એટલે જ.

ભૂષણ સ્ટીલ લિ.ના પૂર્વ એમ. ડી. નીરજ સિંઘલ આપણી 36 બેંકો સાથે રૂપિયા 56000/-હજાર કરોડની છેતરપિંડી કરીને રાજભોગમાં સરી પડયો છે.ભાગેડુ વિજય માલ્યાએ 9900 કરોડ રૂપિયા ડુબાડયા છે. નિરવ મોદીએ રૂપિયા 9,540 કરોડનું ઉઠામણું કર્યું છે. મેહુલ ચોકસીએ હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને સુખાવસ્થામાં પરદેશમાં રહે છે. સરકારી કાર્યાલયોમાં નીચેથી ઉપર સુધીના કર્મચારીઓ ભ્રષ્ટાચારની રોટલી ખાય છે. સજ્જન, વિશ્વાસુ, પ્રામાણિક કર્મચારીઓની કદર થતી નથી. દેશથી ગદ્દારી કરનારા વધી રહ્યા છે. રાષ્ટ્રની અસ્મિતા ધૂળમાં મલિન થઇ રહી છે. સંસ્કૃતિ અને સંસ્કાર અધોગતિ તરફ વળી રહ્યા છે. યુવા ધન અવળે માર્ગે જઇ રહ્યું છે. દુષ્ટો પર અને ગેરનીતિ પર અંકુશ લાવીને વિશ્વાસુ પ્રજા પર ધ્યાન આપવું એ જ ખરો ન્યાય અને સત્ય નીતિનો વિકાસ છે. બાકીનો વિકાસ રકાસ આપનારો કહેવાય?
સુરત     – બાળકૃષ્ણ વડનેરે– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top