અવંતિકાબહેન પ્ર. રેશમવાળાની આજે ત્રેવીસમી પુણ્યતિથિ છે. ‘ગુજરાતમિત્ર’ તેમની સ્મૃતિવંદના કરે છે.
જેમની મનોછબિ અને કાર્યછબિ મારા મનમાં અનેક રીતે સચવાઈ છે તે અવંતિકાબહેન વિશે શું લખવું તેની મૂંઝવણ છે. 1955માં લગ્ન કરી સુરતમાં પગ મૂકયો ત્યારે બટુકભાઇ દીક્ષિત જેમને મામા તરીકે હું સંબોધતી તેમણે અવંતિકાબહેનનો પ્રથમ પરિચય કરાવેલો જે સમય જતાં મૈત્રીમાં પલટાયો. મીઠ્ઠું સ્મિત, ગુજરાતી પહેરવેશ, વાતોમાં મધુરતા. તેમનું શાલીન વ્યકિતત્વ મનને બાંધી લે એવું હતું. તેમનાં મમ્મી મધુબહેન સાથે મારે નિકટનો સંબંધ એટલે ય અમે અવારનવાર મળતાં. બાલિકા સમાજ, અખિલ હિન્દ મહિલા પરિષદ અને મહિલા કલબ સાથે તેઓ સંકળાયેલાં રહ્યાં પણ શહેર આખાની સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિમાં તેમને સક્રિય રસ હતો. ગરબાનાં ય તેઓ શોખીન અને તેના આયોજનમાં ભાગ લેતાં. સુરતની સ્ત્રીઓના ઉત્કર્ષમાં તેમનો મોટો ફાળો છે. કોઇને કાંઇ મુશ્કેલી હોય તો મદદ કરવા તત્પર. તેઓ મેન્ટલી બહુ સ્ટ્રોંગ. અમુક કામ અમુક રીતે થવું જોઇએ એટલે થવું જ જોઇએ એવાં આગ્રહી.
‘ગુજરાતમિત્ર’ માટેનું મારું વળગણ તેમને આભારી છે. આ અખબારને ઘડવામાં પ્રવીણકાન્તભાઇ સાથે તેઓ પણ હતાં. પ્રવીણભાઇ તો ઓછાબોલા જયારે અવંતિકાબહેન વાચાળ. ‘ગુજરાતમિત્ર’ને જે સામાજિક, સાંસ્કૃતિક સ્પર્શ મળ્યો છે તેમાં અવંતિકાબહેનની ભૂમિકા પણ સ્વીકારવી જોઇએ. આજે તેમની વિદાયને વર્ષો થયાં તો પણ તેમનો પ્રેમાળ ચહેરો અને મધુર સ્મિત આંખ સામે તરે છે, તે જાણે વાત કરી લે છે. તેમની સાથેના અનેક પ્રસંગો સાંભરે છે. તેમના જવાથી સુરતે જાણે એક પ્રકારનું નેતૃત્વ ગુમાવ્યું છે.
આજે હું અનેક સંસ્થામાં પ્રવૃત્ત છું એ પ્રદાન હકીકતે તો અવંતિકાબહેનને કારણે છે.
થાય છે કે તેઓ જયાં હશે ત્યાં આટલાં જ પ્રેમાળ, મધુર સ્મિત અને ગુજરાતી સાડી પહેરી ફરતાં હશે. – પલ્લવી વ્યાસ
પલ્લવી વ્યાસ સુરતની સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિનો હિસ્સો રહ્યાં છે. સુરતના જાહેરજીવન સાથે સંકળાયેલી વ્યકિતઓ સાથે તેમને પરિચય, આજે પણ અનેક સંસ્થામાં તેઓ ખૂબ પ્રવૃત્ત છે. સાહસિક અને ઉદાર વિચારવાળાં પલ્લવી વ્યાસે અહીં અવંતિકાબહેન રેશમવાળા વિશેનાં સ્મરણો શબ્દાંકિત કર્યાં છે.