સુરત: (Surat) છેલ્લા બે દિવસથી શહેરમાં ચોમાસાની (Monsoon) જમાવટ જોવા મળી છે. ગતરોજ મંગળવારે સવારે અમુક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો જ્યારે સાંજના વરસાદ ચાલુ થઈ ગયો હતો. ખાસ કરીને ઓફિસો છૂટવાના સમયે સર્વત્ર વરસાદ વરસી પડ્તાં ટુ વ્હીલર ચાલકો અટવાયા હતા, વરસાદના કારણે ટ્રાફિક (Traffic) ધીમો પડી જતાં ઠેરઠેર જામ પણ થયો હતો. આગામી પાંચેક દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
- શહેરમાં ચોમાસાની જમાવટ, જિલ્લામાં સર્વત્ર વરસાદથી ઠંડક પ્રસરી
- સાંજે બે કલાકમાં બારડોલીમાં દોઢ ઇંચ, કામરેજમાં એક ઇંચ વરસાદ નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં મહુવા અને બારડોલીમાં બે બે ઇંચ તથા પલસાણા અને ઉમરપાડામાં દોઢ દોઢ ઇંચ અને કામરેજમાં સવા ઇંચ વરસાદ નોંધાયો
શહેરીજનો આખા જૂન મહિનામાં વરસાદની આતુરતાએ રાહ જોતા હતા. પરંતુ નૈરૂત્યનું ચોમાસુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું હતું. આ દરમિયાન અરબ સાગરમાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાય હતી. જેને કારણે ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચતા એક અઠવાડિયું મોડું પડ્યું હતું. છેલ્લા ચારેક દિવસથી ચોમાસુ વિધિવત રીતે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં પ્રવેશ્યું છે.
સુરત જિલ્લાની વાત કરીયે તો બે દિવસથી સતત સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. મંગળવારે સવારથી શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જિલ્લાના તમામ તાલુકામાં એક મિલિ મીટરથી લઈને બે ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી ઓછો વરસાદ ઓલપાડ અને માગરોળમાં એક એક મિમિ નોંધાયો છે. જ્યારે મહુવા તાલુકામાં સૌથી વધારે 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંચ ચૌર્યાસી તાલુકામાં કોરો કટ રહેવા પામ્યો છે. તાલુકાઓમાં સાંજે ચારથી છમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. જેમાં બારડોલીમાં બે કલાકમાં દોઢ ઇચ વરસાદ નોંધાયો છે.
ઉકાઇ ડેમના ઉપરવાસમાં પણ વરસાદનો પ્રારંભ
ચોમાસામાં શહેરના વરસાદ કરતા ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડતા વરસાદની વધુ નોંધ લેવાતી હોય છે. કારણ કે, ઉપરવાસમાં જો અનરાધાર વરસાદ ખાબકે તો તંત્રને ફાંફા પડી જાય તેમ છે. ચાલુ વર્ષે ચોમાસું મોડું ભલે શરૂ થયું હોય, પણ સર્વત્ર વરસાદ નોંધાયો છે. ઉકાઇ ડેમના ઉપરવાસની વાત કરીયે તો છેલ્લા 24 કલાકમાં ટેસ્કામાં 19 મિમિ, દેડતલાઈમાં 21 મિમિ, યેરલીમાં 29 મિમિ, ડોસવાડામાં 13 મિમિ અને ઉકાઈમાં 19 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉકાઇ ડેમની સપાટી 308.25 ફૂટ પર પહોંચી છે. હાલ ડેમમાં પાણીના કોઈ નવા નીર નોંધાયા નથી. પણ ઉકાઈ ડેમના સત્તાધિશોની વરસાદના આગમાન બાદ પાણીની આવક પર નજર છે.
- તાલુકો વરસાદ(મિમિમાં)
- ઓલપાડ 1
- માંગરોળ 1
- ઉમરપાડા 38
- માંડવી 15
- કામરેજ 29
- સુરત સિટી 4
- ચોર્યાસી 0
- પલસાણા 34
- બારડોલી 48
- મહુવા 52