Dakshin Gujarat

નવસારીમાં 17 વર્ષની વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકથી મોત, સ્કૂલના દાદરા પર જ ઢળી પડી

નવસારી: નાની ઉંમરના લોકોમાં હાર્ટએટેકનું (Heart Attack) પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. આજે તો હદ થઈ. નવસારીમાં એક 17 વર્ષની વિદ્યાર્થીનીનું (Student) હાર્ટ એટેકના લીધે મોત થયું છે. ધો. 12 સાયન્સમાં (Std.12 Science) ભણતી આ વિદ્યાર્થીની રિસેસમાં સ્કૂલના દાદરા ચઢી રહી હતી ત્યારે એકાએક ઢળી પડી હતી. તેને હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવી રહી હતી ત્યારે રસ્તામાં જ તેનું મોત થયું હતું. આટલી નાની ઉંમરમાં હાર્ટ એટેકના લીધે વિદ્યાર્થીનીનું મોત (Death) થતા તેના પરિવારજનો ઘેરા આઘાતમાં સરી પડ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી શહેરની નજીક પરતાપોર ગામની એબી સ્કૂલમાં આ ઘટના બની હતી. અહીં ધો. 12માં સાયન્સ ઈંગ્લિશ મીડિયમમાં ભણતી તનિષા ગાંધી (TanishaGandhi) નામની વિદ્યાર્થીનીનું આજે મોત થયું છે. તનિષા રોજની જેમ સવારે શાળામાં આવી હતી. 10 વાગ્યે રિસેસ પડ્યા બાદ તે બહેનપણીઓ સાથે દાદરા ચઢતી હતી ત્યારે અચાનક તેની તબિયત બગડી હતી અને બેહોશ થઈ તે ઢળી પડી હતી. શાળાના સ્ટાફ દ્વારા તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ (Doctors) તેને મૃત જાહેર કરી હતી.

કોરોનામાં તનિષાના માતાનું મોત થયું હતું
તનિષા ગાંધીએ થોડા સમય પહેલાં જ માતાને ગુમાવી હતી. કોરોનામાં (Corona) તેની માતાનું મોત થયું હતું. પરિવારમાં પિતા અને પુત્રી બે જ જણા હતા. પત્ની બાદ પુત્રી ગુમાવતા પિતાને ઘેરો આઘાત લાગ્યો છે. તેના પિતા શિક્ષક (Teacher) છે. તનિષા ડોક્ટર બનવા માંગતી હતી.

કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું: ICMR
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના નિષ્ણાતોએ તાજેતરના એક અભ્યાસમાં જણાવ્યું છે કે કોવિડ-19 પછી અચાનક હાર્ટ એટેકના કેસમાં ઝડપથી વધારો થયો છે. સંક્રમણની આડઅસરને કારણે યુવાનો પણ તેનો શિકાર બન્યા છે. તેનું જોખમ કોવિડના પીડિતો અથવા જેમને ચેપ લાગ્યો નથી તેમાં પણ જોવા મળી રહ્યો છે.

હાર્ટ એટેકના કારણો જાણવા માટે સંશોધકોએ હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા 100 થી વધુ લોકોની તપાસ કરી. એવું જાણવા મળ્યું હતું કે હાર્ટ એટેકનો ભોગ બનેલા મોટાભાગના લોકો એવા હતા જેઓ રોગચાળા દરમિયાન ચેપની પકડમાં આવી ગયા હતા. મૃતદેહોની એમઆરઆઈ (MRI) તપાસમાં કોરોનાને કારણે હૃદય-ફેફસાની સમસ્યા હોવાનું બહાર આવ્યું છે. અગાઉના અભ્યાસમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે કોરોના વાયરસ હૃદય માટે સમસ્યાઓ વધારી રહ્યો છે.

Most Popular

To Top