Comments

ચોખાનું રાજકારણ!

ભારતનું રાજકારણ અજબગજબ છે. જાવેદ અખ્તરનું જાણીતું ગીત છે , એસા લગતા હૈ , જો ના હુઆ , હોને કે હો … દેશમાં કયો પક્ષ કોની સાથે જોડાઈ જાય , ક્યા નેતા ક્યાંથી ક્યાં જાય એ કોઈ કહી ના શકે. અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સબંધોમાં પણ એવું જ બનતું આવ્યું છે. કર્ણાટકમાં ભાજપ એની હાર પચાવી શકી નથી કદાચ. કારણ એવું છે કે, કેન્દ્રે કર્ણાટકને વધુ ચોખા આપવાની ના પાડી દીધી છે અને એમાંથી રાજકારણ શરૂ થયું છે.

કર્ણાટકમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં પાંચ ગેરેંટીનો વાયદો કર્યો હતો અને જોરદાર જીત પછી કર્ણાટકની સરકારે કેબીનેટની પહેલી જ બેઠકમાં આ પાંચ ગેરેન્ટી માટે નિર્ણય લીધો. એમાંની એક ગેરેંટી છે અન્ન ભાગ્ય યોજના જેમાં બીપીએલ કાર્ડ ધારકોને દર મહિને દસ કિલો ચોખા આપવાનું વચન છે. ભાજપની સરકાર હતી ત્યારે પાંચ કિલો ચોખા અપાતા હતા. કર્ણાટકની કોંગ્રેસ સરકારે આ ગેરેંટી પૂરું કરવા કેન્દ્ર પાસેથી વધુ ચોખા માગ્યા. ૨.૨૮ લાખ ટન વધુ ચોખાની જરૂરિયાત છે. કર્ણાટક સરકારે કહ્યું કે, અમે ચોખા ખરીદવા તૈયાર છીએ અને એ માટે એફસીઆઈ દ્વારા મંજૂરી પણ અપાઈ છે પણ હવે એવું બહાનું ધરવામાં આવ્યું છે કે વેચાણ યોજના બંધ કરી દેવાઈ છે. માત્ર એવાં રાજ્યોને જ અપાય છે જ્યાં કોઇ કુદરતી આપત્તિ કે અન્ય કારણોસર ડીમાંડ થાય તો જ વધુ અનાજ અપાય છે.

આનો સીધો અર્થ એ થાય છે કે, કેન્દ્ર કર્ણાટકને વધુ ચોખા આપવા તૈયાર નથી. કદાચ ભારતના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે જેમાં કેન્દ્ર દ્વારા કોઈ રાજ્યને વધુ અન્ન આપવાની ના પાડવામાં આવી હોય. આ મુદે રાજકારણ શરૂ થયું છે. કર્ણાટક સરકાર કહે છે કે, કેન્દ્ર જાણી જોઈને ચોખા આપતું નથી. આ બદલાનું રાજકારણ છે. બીજી બાજુ કર્ણાટક ભાજપ ટોણો મારે છે કે, કોંગ્રેસ સરકાર વચન પાળતી નથી. આ બધા વચ્ચે આપ દ્વારા કોંગ્રેસને એક ઓફર કરવામાં આવી છે અને એ બહુ રસપ્રદ છે. પંજાબની આપ સરકાર કર્ણાટકની કોંગ્રેસ સરકારને ચોખા આપવા તૈયાર છે.

સરકારી ભાવ જે હોય તે એ મુજબ આપવા ઓફર કરી છે. કર્ણાટકના આપ પ્રમુખ પૃથ્વી રેડ્ડીએ આ વાત કરી છે. કોંગ્રેસ સરકારે આ મુદે્ હજુ કોઈ પ્રતિભાવ આપ્યો નથી. પણ અરવિંદ કેજરીવાલ દ્વારા આ એક એવો દાવ ખેલવામાં આવ્યો છે જેના બદલામાં એને કોંગ્રેસનો ટેકો મળી શકે એમ છે. કેન્દ્ર સરકાર દ્વારા જે વટહુકમ બહાર પડાયો છે જે તળે દિલ્હીની આપ સરકાર એના અધિકારીઓના બદલીના અધિકાર ગુમાવે છે અને એ મુદે્ કેજરીવાલ બધા વિપક્ષ પાસેથી ટેકો મેળવી રહ્યા છે. કોંગ્રેસ આ વટહુકમનો તો વિરોધ કરે છે, પણ આપ સરકારને ટેકો આપ્યો નથી. કોંગ્રેસમાં આ મુદે્ મતભેદ છે. કારણ કે, સંસદમાં વિપક્ષ વિરોધ કરે તો જ કેન્દ્ર સરકારને અટકાવી શકે એમ છે.

વળી, પટનામાં નીતીશકુમારની આગેવાનીમાં વિપક્ષોની બેઠક મળી રહે છે એવા ટાંકણે જ કેજરીવાલ દ્વારા કોંગ્રેસની કર્ણાટકની સરકારને મદદ કરવાની ઓફર કરાઈ છે. કોંગ્રેસ આ ઓફરને ઠુકરાવી કઈ રીતે શકે? એ પ્રશ્ન છે અને બદલામાં કેજરીવાલને ટેકો પણ આપવો પડે એ દુવિધા છે. આ સ્થિતિમાં કેજરીવાલનો હાથ ઊંચો છે. ભલે ને હાથ નિશાન કોંગ્રેસનું હોય! આ ચોખાનું રાજકારણ શું વિપક્ષી એકતામાં મદદરૂપ બની શકે ખરું ? આ સવાલનો જવાબ રસપ્રદ બનશે.

કાશ્મીરમાં ચૂંટણીની તૈયારી
જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીના ભણકારા સંભળાવા લાગ્યા છે. ક. ૩૭૦ હટાવાયા બાદ અને રાષ્ટ્રપતિ શાસન લાદ્યા બાદ ચૂંટણી ક્યારે થશે એ સવાલનો જવાબ જલ્દીથી મળે એમ લાગી રહ્યું છે. વિપક્ષ સતત માંગ કરી રહ્યો છે કે, ચૂંટણી યોજાવી જોઈએ પણ કેન્દ્ર દ્વારા કોઈ જવાબ અપાતો નથી. પણ બે ચાર દિવસમાં ભાજપના વરિષ્ઠ નેતા જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. ઉપરાષ્ટ્રપતિ જમ્મુ વિશ્વવિદ્યાલયનાં દીક્ષાંત સમારોહમાં જઈ આવ્યા.

હવે જમ્મુમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની રેલી યોજાવાની છે જેમાં ક. ૩૭૦ અને ૩૫ એ દૂર કરાયા બાદ કાશ્મીરમાં શાંતિ છે અને વિકાસ થઇ રહ્યો છે. ઉપરાંત મોદી શાસનના નવ વર્ષની સિદ્ધિથી લોકોને અવગત કરાવાશે. આ એક પ્રકારે લોકસભાની ચૂંટણીની તૈયારીનો ભાગ છે અને એટલે જ પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા કહે છે કે, સ્થાનિક ચૂંટણી કરાવી શકાતી હોય , લોકસભાની ચૂંટણી થવાની છે તો ધારાસભાની ચૂંટણી કેમ નહિ? રક્ષા મંત્રી રાજનાથસિંહ પણ સેનાના એક કાર્યક્રમમાં જવાના છે. એનો અર્થ એ થયો કે, આ રાજ્યમાં ચૂંટણી ઝડપથી આવી શકે એમ છે.

માયાવતી નારાજ છે
તા ૨૩ એટલે કે આજે પટનામાં ૧૭ વિપક્ષોની બેઠક થવાની છે. આ બેઠકમાં બસપાના સુપ્રીમો માયાવતીને આમંત્રણ ના અપાતાં એ નારાજ છે. એમનું કહેવું છે કે, યુપીની ૮૦ બેઠક જ  નિર્ણાયક છે. લાગે છે કે, વિપક્ષો ગંભીર નથી. નીતીશકુમાર પણ અખિલેશને રૂબરૂ આમંત્રણ આપવા ગયેલા, પણ માયાવતીને મળ્યા નહોતા. માયાવતી અને બસપા હવે હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને એમની સામે ઘણા કેસ ચાલે છે. તાજેતરમાં જ આવાસોનો કેસ બહાર આવ્યો છે. ભાજપ માયાવતી સામે આ બધા કેસનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરતો હોય એવી છાપ પડી છે. અને માયાવતીને અન્ય વિપક્ષો ગંભીરતાથી લેતું નથી.  
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top