દમણ : દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલ, તેના સાળા, સાઢુભાઈ અને અન્ય મિત્ર વર્તુળોને ત્યાં ઈડી દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમ્યાન કરોડો રૂપિયા રોકડા અને કરોડો રૂપિયાના મહત્વના દસ્તાવેજો ઈડીની ટીમે જપ્ત કર્યા હોવાની માહિતી મળવા પામી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે દમણ જિલ્લા પંચાયના પૂર્વ પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલને ત્યાં સોમવારે ઇન્ફોર્સમેન્ટ ડિરેકટેડ (ઈડી)ની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં ટીમે સવારથી સુખા પટેલના નિવાસસ્થાનની સાથે તેના પેટ્રોલ પંપ, વાઇન શોપ અને શોરૂમ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સવારથી લઈ મોડીરાત સુધી ચાલેલી કાર્યવાહી દરમિયાન ઈડીની ટીમને સુખા પટેલને ત્યાંથી 2 બેગમાં સંતાડાયેલા રોકડા રૂ.1.30 કરોડની આસપાસની રોકડ રકમ કબજે કરી હોવાનું જાણવા મળ્યું છે. જે પૈકી 1 કરોડની રકમ 2 હજારના દરની હોવાનું પણ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ સિવાય સુખા પટેલના સાળા કેતન ઉર્ફે ચકા પટેલના ઘરેથી છાપા દરમ્યાન ઈડીની ટીમને 6 લાખ રોકડા અને અન્ય મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ સિવાય સુખા પટેલના અન્ય સંબંધીતો, સાગરીતો અને મિત્ર વર્તુળોને ત્યાં પાડવામાં આવેલા દરોડા દરમ્યાન મોટી વાંકડ ગામથી 22 લાખ રોકડા, પારડીના કોલક ગામેથી મહત્વના દસ્તાવેજો તથા પારડીના જ ડુંગરી ગામે રહેતા મિત્રને ત્યાંથી મહત્વના દસ્તાવેજો ઈડીની ટીમે જપ્ત કર્યા હોવાની માહિતી મળી રહી છે.
ઈડીની ટીમે દમણ અને વલસાડના પારડી તાલુકા સહિત 5 થી 7 જગ્યાએ પાડેલા દરોડા દરમ્યાન આશરે 1.50 કરોડની આસપાસ જેટલી રોકડ રકમ કબજે કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલ તો ઈડીની ટીમે સુખા પટેલના બેંક એકાઉન્ટ, લોકર સહિત અન્ય પરિવારના સદસ્યોના બેંક એકાઉન્ટની તપાસ હાથ ધરી હોવાનું તથા સુખા પટેલના 3 થી 4 જેટલા સાગરીતો અને સંબંધીઓને સુરત ખાતે આવેલી ઈડીની ઓફીસ પર હાજર થવા સમન્સ પાઠવ્યું હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુખા પટેલ જે આર્મ્સ એક્ટ હેઠળ દાખલ થયેલા એક ગુનામાં હાલમાં જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારે ઈડી દ્વારા પાડવામાં આવેલા છાપાની કાર્યવાહીને લઈ હાલ તો દમણમાં આ ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.