વડોદરા : એક તરફ ચોમાસાની હવે ઘડીઓ ગણાઇ રહી છે અને બીજી તરફ જે રીતે સ્માર્ટ સિટી વડોદરા ના સ્માર્ટ પાલિકા તંત્રની કામગીરી હવે શહેરના રાજમાર્ગોના ખાડાઓમાં ઉતરીને બોલી રહી છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી પાણી તેમજ ડ્રેનેજ, કેબલો માટેની આડેધડ ખોદકામ કામગીરી અને ત્યારબાદ યોગ્ય રીતે પૂરાણ પણ કરવામાં ન આવતાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના રાજમાર્ગો પર રોડમાં ભૂવાઓ પડવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે.
થોડા દિવસો અગાઉ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઉમા ચારરસ્તા પાસે મુખ્ય રોડ પર જોખમી ભૂવો પડ્યા બાદ હવે શહેરના વારસીયા વિસ્તારમાં જૂના આર.ટી.ઓ.કચેરી પાછળ અંદાજે દસ ફૂટ ઉંડો ભૂવો પડ્યો હતો જે રાહદારીઓ, વાહનદારીઓ તથા મુંગા પ્રાણીઓ માટે જોખમી સાબિત થઇ શકે તેમ છે જો ચોમાસામાં આવા ભૂવા પડતા રહેશે તો લોકો માટે ખૂબ જ જોખમી સાબિત થઇ શકે તેમ છે.ત્યારે આ સમગ્ર મામલે સામાજિક કાર્યકરે તંત્રની તથા કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા સાથે જ જો જોખમી ભૂવાથી કોઇને નુકસાન કે ઇજા થાય તો તેના માટે તંત્ર જવાબદાર રહેશે તેવા આક્ષેપો સાથે વહેલી તકે આ ભૂવા પૂરવાની રજૂઆત કરી હતી.