SURAT

ભગવાન દર્શન આપવા ભકતોના આંગણે પધારશે : શહેરમાં પાંચ જગ્યાએ રથયાત્રા નીકળશે

સુરત: આજે મંગળવારે અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નીજ મંદિરમાંથી બહાર આવી ભકતોના દ્વારે આવે છે. ભકતોના દ્વારે આવતા ભગવાનની ભવ્ય રથયાત્રાઓ માટે ભારે તૈયારીઓ શહેરમાં થઇ ચુકી છે. શહેરના અલગ અલગ પાંચ મંદિરોમાંથી રથયાત્રાના આયોજનો થયા છે. જે પોતા પોતાના વિસ્તારમાં નકકી થયેલા રૂટ પર વિહાર કરી પરત ફરશે.

  • ભગવાન દર્શન આપવા ભકતોના આંગણે પધારશે : શહેરમાં પાંચ જગ્યાએ રથયાત્રા નીકળશે
  • રેલવે સ્ટેશનથી બપોરે 3 કલાકે રથને પ્રસ્થાન કરાવવામાં આવશે, ગંતવ્ય સ્થાને રાત્રે 9 કલાકે પહોંચશે
  • ભગવાનને પરિધાન કરાવવામાં આવનારા આકર્ષિત વાઘા ખાસ વૃંદવાનના કારીગરોએ તૈયાર કર્યા છે

રથયાત્રા માટે ભકતો આખું વર્ષ રાહ જોતા હોય છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં આવતીકાલે ભવ્ય રથયાત્રા નિકળશે. સુરતમાં ઘણા અઠવાડિયાથી રથયાત્રાની તૈયારીઓને બાદ હવે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. શહેરમાં ચાર જગ્યાએથી રથયાત્રા નિકળશે. જેમાં મુખ્ય જહાંગીરપુરા ઇસ્કોન મંદિર ઉપરાંત વરાછા ઇસ્કોન મંદિર, અમરોલી લંકા વિજય ઓવરાથી રથયાત્રા નીકળશે. પાંડેસરા, સચીન અને કોટ વિસ્તારમાં ગેડીયાબાવા મંદિરમાંથી રથયાત્રાનું આયોજન થશે.

જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં ઘણા દિવસોથી રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભ્રાતા બલભદ્ર સાથે 22 ફૂટના ઉંચા રથમાં બિરાજમાન થશે. ખાસ વૃંદવાનના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા સુંદર વાઘા ભગવાનને પરિધાન કરાવવામાં આવશે. ભગવાનનો રથ બપોરે ત્રણ કલાકે ”જય જગ્ગન્નથ,’હરિબોલ”ના નારાઓ સાથે શહેરના રેલવે સ્ટેશનથી મેયર અને પોલીસ કમિશનર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરશે, રથયાત્રામાં જોડાનારા વિવિધ ફલોટ આકર્ષણનું કેન્દ્ર રહેશે. રિંગરોડ પર કમેલા દરવાજા પાસે દર વર્ષની જેમ મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવશે અને ત્યાંથી આગળ વધી અઠવાગેટ, વાયા ગુજરાત ગેસ સર્કલ, ઋષભ ટાવર થઇને રાત્રે 9 કલાકે જહાંગીરપુરા ખાતે તેના ગંતવ્ય સ્થાને પહોંચી જશે.

દરમિયાન રૂટ ઉપર વ્યવસ્થામાં હરિભક્તો સહીત પોલીસ બંદોબસ્તમાં ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ, પોલીસ કોન્સ્ટેબલ અને ટીઆરબી જવાનો સહીત એસ.આર.પીની ટુકડી પણ તૈનાત રહેશે. હરિ ભક્તોને રૂટ ઉપર કોઈ તકલીફ ન પડે તે માટે ઇસ્કોનના 1,000 જેટલા સ્વયંસેવકોની ટીમ પણ જોડશે. વધુમાં રૂટ ઉપર બુંદીની પ્રસાદીની સાથે પાણી અને ફ્રૂટનું સતત વિતરણ કરવાની વ્યવસ્થા કરાઈ છે. ભગવાનની વિવિધ લીલાઓની 21 જેટલી અલગ અલગ ઝાંખીઓના દર્શનનો લ્હાવો પણ ભક્તોને મળશે. રેલવે સ્ટેશન ઉપર ભગવાનની મહાઆરતી પણ થશે જેમાં મુખ્ય અતિથી કલેક્ટર આયુષ ઓક, મનપા કમિશ્નર શાલિની અગ્રવાલ, સુરત શહેર પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, પૂર્ણેશ મોદી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે જેઓ રથને પ્રસ્થાન કરાવશે.

વરાછા ઇસ્કોનનો વિશાળ રથ આકર્ષણનું કેન્દ્ર બનશે
ઇસ્કોન જહાંગીરપુરા સહિત વરાછા ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રા કાઢવામાં આવતી હોય છે. આ વર્ષે વરાછા ઇસ્કોન મંદિરની રથયાત્રા ગુજરાતમાં સૌથી 35 ઉંચા અને 17 ફૂટ પહોળા વિશાળ રથને કારણે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ રથયાત્રા અંદાજિત 8.5 કિમીના રૂટ પર ફરશે જેમાં મિનીબજાર, કાપોદ્રા, વીઆઈપી સર્કલ કાપોદ્રા ઉતરાણ, મોટા વરાછાના લજામણી ચોક થઇને સરથાણા જકાતનાકાથી પરત વરાછા ઇસ્કોન મંદિર આવશે.

Most Popular

To Top