આણંદ : ચારુસેટના સિવિલ એન્જિનિયરીંગ વિભાગની એનએબીએલ એક્રીડીટેડ કોંક્રિટ ટેક્નોલોજી લેબોરેટરીને આઈઓએસ 9001:2015 સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. ચારુસેટ દ્વારા તાલીમબધ્ધ અને અનુભવી સ્ટાફ દ્વારા લેબોરેટરીમાં કોંક્રીટના સેમ્પલોના ચોક્કસ ટેસ્ટિંગ અને વર્ગીકરણ માટે બિલ્ડરો, કોન્ટ્રાકટરો, ડેવલપરોને આમંત્રણ આપવામાં આવે છે. ચાંગા સ્થિત વિશ્વવિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ યુનિવર્સિટી) સંલગ્ન ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગની ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (સીએસપીઆઈટી) કોલેજના એમ. એસ. પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરીંગની કોંક્રિટ ટેક્નોલોજી લેબોરેટરીને ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઈઝેશન (આઈઓએસ) દ્વારા આઈઓએસ 9001:2015 અનુસાર પ્રમાણિત કરવામાં આવી છે. આ આઈઓએસ 9001:2015 સર્ટિફિકેટ પ્રાપ્ત થતાં આ લેબોરેટરી ગુણવત્તા વ્યવસ્થાપન પ્રણાલી થકી પોતાના ઉપભોકતાઓને ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ પ્રદાન કરવાની ક્ષમતામાં વધારો થયો છે. આઈઓએસ 9001:2015 સર્ટિફિકેટ ત્રણ વર્ષના સમયગાળા માટે આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ એન્જિનિયરીંગમાં બાંધકામમાં સૌથી વધારે કોંક્રિટનો ઉપયોગ થાય છે.જે સિમેન્ટ, રેતી, કપચી અને પાણીથી બને છે. આ કોંક્રિટને બાંધકામમાં વાપરતા અગાઉ તેની ગુણવત્તા જાણવા માટે આ બધા મટિરિયલનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. પછી કોંક્રિટ તૈયાર થાય તેનું જે તે ગ્રેડ પ્રમાણે ડિઝાઇન અને ટેસ્ટિંગ જરૂરી છે. આ લેબોરેટરી નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર કેલિબ્રેશન લેબોરેટરીઝ (એનએબીએલ) પ્રમાણિત છે. જેમાં આ બધા મટિરિયલનું ટેસ્ટિંગ થાય છે.આ લેબોરેટરીની સ્થાપના 2008માં કરવામાં આવી છે. ચારુસેટ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ, સીએસપીઆઈટીના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. તૃષિત ઉપાધ્યાય, એમ. એસ. પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરીંગના પ્રોફેસર અને વડા ડો. વિજય પંચાલે જણાવ્યું હતું કે આઈઓએસ 9001:2015 સર્ટિફિકેટથી યુનિવર્સિટીની સિદ્ધિમાં વધારો થયો છે.