ઓલપાડ: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા સંચાલિત સિટી બસ (City Bus) અને બીઆરટીએસ (BRTS) બસોને બેફામ ગફલતભરી રીતે હંકારી અકસ્માત (Accident) સર્જવાના અનેક બનાવો બનતા રહે છે. ડ્રાઈવરો બેફામ બસો હંકારે છે જેના લીધે અવારનવાર અકસ્માત થતા રહે છે અને નિર્દોષોએ જીવ ગુમાવવા પડે છે. આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં સિટી બસના પીધેલા ડ્રાઈવરે નશાની હાલતમાં ગફલતભરી રીતે બસ હંકારીને અકસ્માત સર્જયો છે.
આ ઘટના શુક્રવારે રાત્રે ઓલપાડ રોડ પર બની હતી. રાત્રિના સમયે બસને ડેપો પર લઈ જતી વખતે પીધેલા ડ્રાઈવર અને કંડકટરે રસ્તે જતી કારને ટક્કર મારી હતી અને ત્યાર બાદ ડ્રાઈવરે સ્ટીયરીગ પરથી કાબુ ગુમાવતા બસ ખાડીમાં ખાબકી હતી. સદ્દનસીબે બસ ડેપોમાં જતી હોય અંદર કોઈ પેસેન્જર નહોતા જેના લીધે મોટી ઘટના ટળી હતી.
અકસ્માતને પગલે લોકો ભેગા થઈ ગયા હતા. ડ્રાઈવર અને કંડક્ટર નશામાં હોય લોકો ગુસ્સે ભરાયા હતા. લોકોનો ગુસ્સો પારખી ડ્રાઈવર અને કંડક્ટર ખેતર તરફ ભાગ્યા હતા. ત્યારે લોકોએ તેમનો પીછો કરી પકડીને ઢોર માર માર્યો હતો.
સિટી બસમાં નાની બાળકીને જોઈ લોકો ગુસ્સે ભરાયા
સુરત મનપા દ્વારા હવે સિટી બસ ઓલપાડ સુધી દોડાવવામાં આવી રહી છે. ગઈકાલે શુક્રવારે રાત્રે ઓલપાડથી સુરત પરત સિટી બસ આવી રહી હતી. બસને ડેપોમાં લઈ જવામાં આવી રહી હતી. ત્યારે સિટી બસના ડ્રાઈવર અને કંડકટરે નશો કર્યો હતો. નશાના લીધે સિટી બસના ડ્રાઈવરનો સ્ટીયરીંગ પર કાબુ નહોતો. ડ્રાઈરે રોડ પર દોડતી એક કારને ટક્કર મારી હતી ત્યાર બાદ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ સાઈડમાં ખાડીમાં ખાબકી હતી.
આટલી મોટી બસ ખાડીમાં પડતા આસપાસના લોકો મદદના ઈરાદે દોડી ગયા હતા. જોકે, કંડકટર અને ડ્રાઈવર ખેતર તરફ દોડી ગયા હતા, જ્યારે બસમાં એક નાનકડી બાળકી હતી. બાળકીને બહાર કાઢ્યા બાદ લોકો ડ્રાઈવર અને કંડકટર તરફ જતા તે બંને નશાની હાલતમાં દેખાયા હતા, જેથી લોકો ગુસ્સે ભરાયા હતા અને બંનેને ઢોર માર માર્યો હતો.
ડ્રાઈવર-કંડકટર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ
સુરત મનપાના ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે કહ્યું કે ઓલપાડથી સુરત ડેપો તરફ જતી બસનો ગઈ રાત્રે અકસ્માત થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર બસમાં કોઈ પેસેન્જર નહોતા. કારને ટક્કર માર્યા બાદ બસ ખાડીમાં પડી હતી. ડ્રાઈવર નશામાં હતો તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે. પોલીસને જાણ કરવામાં આવી છે. જે હકીકત બહાર આવશે તે અનુસાર કાયદેસરની કાર્યવાહી કરાશે.