જુનાગઢ: જૂનાગઢમાં એક દરગાહને હટાવવાની નોટિસને લઈને શુક્રવારે સાંજે હોબાળો થયો હતો. સેંકડો લોકો દરગાહની પાસે ભેગા થઈ ગયા હતા અને સૂત્રોચ્ચાર કરી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ડેપ્યુટી એસપી સહિત ચાર પોલીસકર્મી ઘાયલ થયા હતા. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસનો સહારો લેવો પડ્યો હતો.
આ ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. દરગાહને લઈને હોબાળો મચાવનારા અને ચાર પોલીસકર્મીઓને ઈજા પહોંચાડનારા લોકોની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તોફાનીઓને એ જ દરગાહની સામે ઊભા કરવામાં આવ્યા અને બેલ્ટ વડે માર મારવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર સ્થિતિ કાબુમાં છે અને સમગ્ર જૂનાગઢ શહેરમાં સેંકડો પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જૂનાગઢના એસપી રવિ શેટ્ટીએ કહ્યું, ‘મજેવડી રોડ પાસે એક રોડ પર એક દરગાહ છે. કોર્પોરેશને તે દરગાહને પાંચ દિવસ પહેલા નોટિસ પાઠવી હતી કે જો કોઈ પાસે તેના માટે દાવો હોય તો તેણે કોર્પોરેશનમાં રજૂઆત કરવી.
આ નોટિસ પર નારાજગી વ્યક્ત કરવા માટે શુક્રવારે 500-600 લોકો દરગાહ સામે ભેગા થયા હતા અને રસ્તો રોકવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ત્યાર બાદ પોલીસ ત્યાં પહોંચી જેમાં ડીએસપી હિતેશ સહિત અન્ય પોલીસકર્મીઓ સામેલ હતા. એક કલાકથી વધુ સમય સુધી તેમને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો. દરમિયાન ટોળામાંથી કોઈએ પથ્થરમારો કર્યો હતો અને ટોળું સૂત્રોચ્ચાર કરવા લાગ્યું હતું. જેના પગલે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પથ્થરમારામાં પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
એસપી રવિ શેટ્ટીએ કહ્યું, ‘ડીએસપી હિતેશને ચાર ટાંકા આવ્યા છે, ત્રણ કોન્સ્ટેબલ ઘાયલ થયા છે જ્યારે 2 પોલીસકર્મીઓને સામાન્ય ઈજાઓ થઈ છે. પોલીસે રાતોરાત ત્યાં કોમ્બિંગ કર્યું અને અમે 174 આરોપીઓ અને શંકાસ્પદોની અટકાયત કરી. અમે વધુ વીડિયોની તપાસ કરી રહ્યા છીએ અને તમામ આરોપીઓની ધરપકડ કરીશું.
હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. જૂનાગઢ શહેરમાં દરેક જગ્યાએ પોલીસ તૈનાત છે. આઈજી સહિત ડઝનબંધ પોલીસ અધિકારીઓ અને સેંકડો પોલીસકર્મીઓ અહીં તૈનાત છે. તમામ પોલીસકર્મીઓ સુરક્ષિત છે. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે જે ન થવી જોઈતી હતી.
મામલો શું છે?
જૂનાગઢમાં મજેવડી દરવાજાની સામે રસ્તાની વચ્ચે એક દરગાહ બનાવવામાં આવી છે. તેને દૂર કરવા માટે મહાનગરપાલિકા વતી સિનિયર ટાઉન પ્લાનર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં લખવામાં આવ્યું હતું કે આ ધાર્મિક સ્થળ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું છે. પાંચ દિવસમાં આ ધાર્મિક સ્થળની કાનૂની માન્યતાના પુરાવા રજૂ કરવા જોઈએ, નહીં તો આ ધાર્મિક સ્થળને તોડી પાડવામાં આવશે.
ધાર્મિક સ્થળ (દરગાહ)ને તોડી પાડવાની નોટિસ મુકવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતા. નોટિસ વાંચતા જ અસામાજિક તત્વો એકઠા થઈ ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓ હુમલાખોર બની ગયા હતા.