Charchapatra

આપણે નાગરિક ફરજોનું ભાન રાખીએ

આપણી પવિત્ર ફરજ છે કચરો ગમે ત્યાં નહીં નાંખવો! જાહેર જગ્યાએ રાખેલ ડસ્ટબીનમાં જ કચરો આપવો-નાંખવો જરૂરી છે. પ્લાસ્ટિકની કોથળીઓ કે રેપરો રસ્તામાં કે શેરીઓમાં ન જ નાંખો. શાકભાજી ખરીદવા કાપડની થેલીનો જ ઉપયોગ કરો. ગાડી ચલાવતી વેળાએ હોર્નનો ઉપયોગ અનિવાર્ય જણાય તો જ વગાડો. અવાજ કરતી બાઈકોનો ઉપયોગ ટાળો. ઈ-બાઈક, ઈ-કારનો ઉપયોગ કરો તો વધુ સારું જેથી અવાજ અને હવાનું પ્રદૂષણ ફેલાશે નહીં. લગ્નમાં જમણવારમાં અનાજનો થતો બગાડ અટકાવવો અત્યંત જરૂરી છે.  વાહન પાર્કિંગ યોગ્ય રીતે જ કરો. વાહનો ગતિ-મર્યાદામાં જ રાખો. પુલ ઉપરથી નદીમાં ફૂલો કે અન્ય કચરો નહીં જ નાંખો. નદીને સ્વચ્છ-સુંદર રાખવી નાગરિક તરીકે આપણી ફરજ બને છે. પાનની પિચકારી ગમે ત્યાં ન જ મારો. ફૂટપાથ વચ્ચે કે રસ્તા વચ્ચે અવરોધ કરી ઊભા રહી વાતચીત ન જ કરો. પાણી-વાણી અને પેટ્રોલનો, વીજળીનો કરકસરથી ઉપયોગ કરો.
સુરત     – રમેશ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અનૈતિક સંબંધોમાં સ્ત્રી પણ જવાબદાર ખરી કે નહિ?
તા.5મી જૂનના ગુ.મિત્ર અખબારના અહેવાલ મુજબ સુરતના એક વિસ્તારમાં રહેતી એક પરિણીત સ્ત્રીએ એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે! સાત-આઠ વર્ષ પહેલાંની મુલાકાત કદાચિત પ્રેમ સંબંધમાં પરિણમી! પતિની ગેરહાજરીમાં એ શખ્સ આવનજાવન કરી એનો વિશ્વાસ કેળવતો ગયો! પરિણીતાના દાગીના ઉપરાંત કાર પર લોન પણ લીધી! લોનના હપ્તા ભરવાનું બંધ કરી બ્લેકમેઇકલ કરી કુલ 25 લાખ જેટલી રકમ પણ પડાવી લીધી! આ ઘટનામાં પુરુષ વ્યક્તિએ સંપૂર્ણ અયોગ્ય આચરણ કર્યું જ છે, પણ આટલા સમય સુધી ગેરલાભ લેવાયો એનો પરિણીતાને ‘ખ્યાલ’ જ ન આવ્યો? દીકરી પર કુદૃષ્ટિ નાંખી ત્યારે એ મહિલા રણચંડી બની! પણ સ્વયં પર દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારે કેમ ચૂપકીદી સેવી? અને કુદરતે સ્ત્રીને પુરુષની દાનત પારખવા માટે છઠ્ઠી ઇન્દ્રિયનું વરદાન આપ્યું જ છે!

તો સાત-આઠ વર્ષ બાદ ચક્ષુ ખૂલ્યાં? સમાજમાં અનૈતિક સંબંધ માટે કદાચિત પુરુષને જવાબદાર ઠેરવવામાં આવે! પણ આ ઘટનામાં પરિણીતા બહેન પણ એટલાં  જ જવાબદાર હોઇ શકે. દાગીના કાર વિ. ‘અર્પણ’ કરતાં સમયે લોનના હપ્તાનો ખ્યાલ પણ એ મહિલાને હોવો જ જોઈએ! સોશ્યલ મિડિયાના ચેટીંગ દ્વારા કોઇ અજાણ વ્યક્તિ સાથે ‘નિકટતા’ કેળવી વિચારણીય નથી લાગતું. પ્રથમ દૃષ્ટિએ સમગ્ર કિસ્સો પરસ્પર સંમતિથી બનવા પામ્યો હશે.એવું ફલિત થાય! પહેલેથી જ પતિને જાણ કરી દીધી હોત તો? આ કૃત્ય પતિની જાણ બહારનું જ હશે! પાણી માથા ઉપરથી વહી ગયું ત્યાર બાદ ધીરજનો બંધ તૂટી ગયો! એ પણ વિચારવા જેવી વાતછે! ફકત એક પક્ષને દોષિત ન ઠેરવી શકાય. અનૈતિક સંબંધ માટે લાલબત્તી સમાન કિસ્સો.
સુરત     – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top